ગુજરાતના કુપોષિત બાળકોનો આહાર કોણ ખાઈ ગયું? આણંદમાં સામે આવ્યું કાળા બજારનું મોટું રેકેટ
રાજય સરકાર દ્વારા બાળકો કુપોષિત ના બને તે માટે આંગણવાડીનાં માધ્યમથી બાળકોને પોષણક્ષમ આહાર મળે તે માટે વિવિધ પ્રકારનાં પોષણક્ષમ આહારનું વિતરણ કરવામાં આવે છે
Trending Photos
બુરહાન પઠાણ/આણંદ: આણંદ જિલ્લાનાં રાસ ગામમાં પોલ્ટ્રીફાર્મમાં લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે છાપો મારીને બોરવેલની ઓરડીમાં સંતાડવામાં આવેલો આંગણવાડીમાં વિતરણ માટેને બાલ આહારનો ગેરકાયદેસર જથ્થો ઝડપી પાડી આ જથ્થો કયાંથી લાવવામાં આવ્યો હતો, તેની તપાસ સાથે આંગણવાડીઓમાં કુપોષણથી બચાવવા માટે બાળકોને વિતરણ માટેનાં બાલ આહારનાં કાળા બજારનો પર્દાફાશ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજય સરકાર દ્વારા બાળકો કુપોષિત ના બને તે માટે આંગણવાડીનાં માધ્યમથી બાળકોને પોષણક્ષમ આહાર મળે તે માટે વિવિધ પ્રકારનાં પોષણક્ષમ આહારનું વિતરણ કરવામાં આવે છે, પરંતુ કેટલાક આંગણવાડીનાં સંચાલકો બાળકો માટેનાં આહારને બારોબાર કાળાબજારમાં સગેવગે કરી દઈ બાળકોનાં અન્નનો કોળીયો ખુંચવી લેતા હોય છે.
આણંદની જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચએ કાળાબજારમાં પગ કરી ગયેલો અને ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલા બાળ આહારનાં જથ્થાને આણંદ જિલ્લાનાં રાસ ગામની સીમમાં અંબેરાવ રોડ પર સીંધણી માતા નજીક આવેલા માં ખોડીયાર પોલ્ટ્રીફાર્મના બોરકુવાની ઓરડીમાંથી ઝડપી પાડયો હતો.અને બાળ આહારનાં કાળાબજારનો પર્દાફાસ કર્યો હતો.
એલસીબી પોલીસે આંગળવાડીનાં બાળકોને પુરક પોષણ માટે વિતરણ કરવા માટેનાં બાળશકિત,માતૃશકિત,પૂર્ણાશકિત વિગેરાનાં બાળ આહારનાં પેકેટ નંગ 3040 કિમત રૂપિયા બે લાખ એક હજાર છસો રૂપિયાનો જથ્થો કબ્જે કર્યો હતો. એલસીબી પોલીસે આ બાળ આહારનાં પેકેટોની બાળ વિકાસ યોજનાનાં અધિકારી પાસે તપાસ કરાવતા આ પેકીંગ પર મારેલા કોડનાં આધારે આ બાળ આહાર આણંદ જિલ્લામાં ફાળવેલા આહાર પૈકીનો જથ્થો નહી હોવાનું ખુલ્યું હતું.
જેથી આ બાળઆહારનાં પેકેટો જિલ્લા બહારથી કોઈ આંગળવાડીઓમાંથી લાવવામાં આવ્યો હોવાનું જણાયું હતું. જેથી એલસીબી પોલીસ દ્વારા આ અંગે વિરસદ પોલીસ મથકમાં જાણવાજોગ નોંધી ગેરકાયદેસર બાળ આહારનો જથ્થો રાખનાર કઠોલ ગામનાં જતીનભાઈ જયંતિભાઈ જાદવની પુછપરછ કરતા તેઓએ આ બાળ આહારનો જથ્થો કઠોલ ગામનાં પ્રતિપાલસિંહ ઉર્ફે પીન્ટુ બહાદુરસિંહ ગોહીલ પાસેથી મંગાવ્યો હોવાની કબુલાત કરી હતી. જેથી એલસીબી પોલીસ દ્વારા આ બાળ આહારનો જથ્થો કયાંથી લાવવામાં આવ્યો હોવાની વધુ પુછપરછ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે