ગાંધીનગરમાં કરણીસેનાનું શક્તિપ્રદર્શન, મામલતદારે સ્થળે પહોંચી આવેદન સ્વિકાર્યું

ગાંધીનગરમાં કરણીસેનાનું શક્તિપ્રદર્શન, મામલતદારે સ્થળે પહોંચી આવેદન સ્વિકાર્યું

* રાષ્ટ્રીય કરણી સેનાની મુખ્ય 4 માગો
* ગૌમાતાને રાષ્ટ્ર માતા જાહેર કરવામાં આવે
* એટ્રોસિટી એક્ટમાં સંવિધાનીક સંશોધન કરવામાં આવે
* અનામતની સમીક્ષા કરી આર્થિક આધારે તમામને લાભ મળે
* બળાત્કાર મુક્ત દેશ બનાવવા દોષિતને 1 મહિનામાં ફાંસી

અતુલ તિવારી/ગાંધીનગર : કરણી સેના દ્વારા ગાંધીનગર ખાતે જંગી રેલી તથા રામકથા મેદાનમાં સભાનું આયોજન કરવામાં આવ્યું. કરણી સેનાના પદાધિકારીઓ સહિત રાજ્યના જુદા જુદા જિલ્લાઓ તેમજ અન્ય રાજ્યના પણ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટ્યા. કરણી સેનાની ચાર માગો સાથેનું આવેદનપત્ર ગાંધીનગરના મામલતદારે પોતે સભાસ્થળે આવીને સ્વીકાર્યું.

ગાંધીનગર ઇન્ફોસિટી સર્કલ ખાતેથી કરણી સેનાની જંગી રેલીની શરૂઆત થઈ હતી જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા. મહિલાઓની પણ હાજરી આ રેલીમાં નજરે પડી. રેલી અને સભા સંદર્ભે વાત કરતા કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ શેખાવતે કહ્યું હતું કે અમારી માગો કોઈ જાતિ અને ધર્મને નુકસાન કરે તેવી નથી. અમે સરકારને આવેદનપત્ર આપીને અમારી રજુઆત પહોંચાડીશું ત્યારબાદ અમે આગામી દિવસમાં દિલ્હી ખાતે પણ જંગી રેલી અને સભાનું આયોજન કરીશું. ત્યારે ચારેય માગ સંદર્ભે સમાજને એક થવાનું આહવાહન કરતા રાજ શેખાવતે કહ્યું હતું કે પાટીદાર સમાજ જો માં ઉમિયાના નામે એક થાય તો આપણે માં ભાવનીના નામે એક કેમ ના થઇ શકીએ.

ગાંધીનગરમાં રામ કથા મેદાન ખાતે કરણી સેનાની યોજાયેલી સભામાં ડ્રોન મારફતે નજર રાખવામાં આવી હતી. આ સભામાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની બહેન નૈનાબા જાડેજા પણ અન્ય મહિલાઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને ચારેય મુદ્દાઓ પર સરકારે વિચાર કરીને તેમની માગ સ્વીકારવી જોઈએ તેવી રજુઆત કરી હતી. ગાંધીનગરમાં કરણી સેનાની રેલી અને સભા શાંતિપૂર્ણ રીતે પૂરી થઈ હતી. ગાંધીનગરના મામલતદારે સ્વયં સભાસ્થળે પહોંચીને ચારેય માગો સાથેનું આવેદનપત્ર સ્વીકાર્યું હતું પરંતુ કરણી સેના દ્વારા આગામી રૂપરેખા પણ નક્કી કરવામાં આવી છે. જે મુજબ આગામી દિવસમાં કરણી સેના પોતાની માગ સાથે દિલ્હી ખાતે પણ કાર્યક્રમ કરશે અને જરૂર પડે તો ઘેરાવની પણ તૈયારી કરાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news