અહીં કોઈની ખુરશી સલામત નથી! કદાવર નેતાનું સન્માન પણ ન જાળવ્યું, 2 દિવસમાં જ ખુરશી ખેંચી લીધી

Rajkot AIIMS news: રાજકોટ AIIMSના પ્રેસિડેન્ટ પદથી ડૉ. વલ્લભ કથીરિયા અચાનક રાજીનામુ આપી દેતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે, થોડા દિવસ અગાઉ જ કથીરિયાની પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક થઈ હતી

અહીં કોઈની ખુરશી સલામત નથી! કદાવર નેતાનું સન્માન પણ ન જાળવ્યું, 2 દિવસમાં જ ખુરશી ખેંચી લીધી

ઝી બ્યુરો/રાજકોટ: ગુજરાત ભાજપના કદાવર નેતાજી જોડે દાવ થઈ ગયો છે. પાર્ટીએ પદ આપ્યાના 2 દિવસમાં જ ખુરશી ખેંચી લીધી છે. 18મી ઓગસ્ટે રાજકોટના પૂર્વ સાંસદ ડો. કથિરિયાએ એઈમ્સના પ્રેસિડન્ટનો ચાર્જ સંભાળ્યો હતો અને 20મીએ તેમનું રાજીનામું માગી લેવાયું છે. સૌથી મોટી બાબત એ છે કે કથિરિયાને ભાજપે ઘણું આપ્યું છે પણ એકાએક એઈમ્સના પ્રેસિડન્ટ બનાવી પાછળથી ખુરશી ખેંચી લેવાતાં એમની કારકીર્દીને ગ્રહણ લાગી ગયું છે. ડો. વલ્લભ કથિરિયા પણ રાજીનામું આપીને આ મામલે ચૂપકીદી સાધી લઈ સન્માનો સ્વીકારતા રહ્યાં હતા. એમને આશા હતી કે આ મામલે ઉકેલ આવી જશે. 

આજે પણ વલ્લભ કથિરિયાનો સાંજે સન્માનનો કાર્યક્રમ હતો એ પહેલાં જ તેમના રાજીનામાનો લેટર વાયરલ થતાં રાજકોટ ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. વલ્લભ કથિરિયા ભાજપના કદાવર નેતા છે. જેઓએ પણ રાજીનામું માગી લેવાયું હોવાનો સ્વિકાર કર્યો છે અને પાર્ટીમાં આ બાબતે રજૂઆત કરી હોવાનું જણાવ્યું છે. કથિરિયાએ સન્માન જાળવતાં જણાવ્યું હતું કે ભાજપે તેમને ઘણું આપ્યું છે એમને પદની આશા નથી પણ 2 દિવસમાં એઈમ્સના પ્રેસિડન્ટ પદમાંથી રાજીનામું લઈ લેવાય એ ઘટનાએ ભાજપમાં ચકચાર જગાવી છે. 

No description available.

ગુજરાતમાં જાહેરમાં ધારાસભ્ય એમનાથી સિનિયર સાંસદને ખખડાવી જાય અને પાર્ટીના મેયરને ઔકાતમાં રહેવાની વાત કરી રહ્યાં છે. હાલમાં ગુજરાત ભાજપમાં યાદવાસ્થળી ચરમસીમાએ પહોંચી છે. એ સમયે જ પૂર્વ સાંસદ અને સૌરાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા ડો.વલ્લભ કથિરિયાનું પ્રકરણ પણ હવે આ યાદીમાં સામેલ થઈ ગયું છે. ડો.વલ્લભ કથિરિયાને 7 દિવસ પહેલાં ગુજરાતની એક માત્ર એમ્સના કર્તાધર્તા બનાવવામાં આવ્યાં અને 2 દિવસમાં તેમની પાસેથી રાજીનામું માંગી લેવાયું છે. કથિરિયાને આ અંગેનું કારણ પુછતા તેમણે ટેકનિકલ કારણ હોવાની વાત કરી. હવે આવું તો કેવું ટેકનિકલ કારણ હશે એ મુદ્દો હાલ ચર્ચાની એરણે છે. કથિરિયાના કિસ્સા બાદ હાલ ભાજપના નેતાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. 

No description available.

દરેકના મનમાં એક જ સવાલ છે કે, અહીં કોઈની ખુરશી સલામત નથી. ગમે ત્યારે માથા પરથી સાફો અને હાથમાં આવેલું પદ પાર્ટી પાછું લઈ શકે છે. ખુરશી પર બેઠાં એટલે ખુરશી આપણી એવું ભાજપમાં નથી. કથિરિયાના જે હાલ થયા છે એ જોતાં ગુજરાત ભાજપના નેતાઓમાં એવો ફફડાટ વ્યાપી ગયો છે કે આવું તો એમની સાથે પણ થઈ શકે છે. લોકસભા ચૂંટણી પહેલાં હવે ભાજપમાં પોતાનું પદ બચાવવાની અને વર્ચસ્વની નવી લડાઈ શરૂ થઈ ગઈ છે. ભાજપના ઘણાં નેતાઓની રાજકિય કારકિર્દી સામે પણ હવે સવાલ ઉભા થઈ રહ્યાં છે. એટલે જ ભાજપના કદ્દાવર નેતા હોવાનો દાવો કરતા રાજકારણીઓ પણ હાલમાં ફફડી રહ્યાં છે. આ પહેલાં પણ ભાજપ આખી સરકારને ઘરભેગી કરી ચૂકી છે.

વલ્લભ કથીરીયાનું નિવેદન
ડોક્ટર કથીરિયાએ જ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, મંત્રાલયમાંથી મને ફોન આવ્યો હતો કે, ટેક્નિકલ કારણોસર આપે રાજીનામું આપવાનું છે. હસતા હસતા ડો. કથીરિયાએ કહ્યું આગળ આગળ ગોરખ જાણે. ડો. કથીરિયાએ કહ્યું કે, પ્રમુખ પદ મને આપવામાં આવ્યું હતું, માગ્યું ન હતું. જો કે, શું ટેકનિકલ કારણ છે તેની માહિતી હજુ બહાર આવી નથી. ડોક્ટર કથીરિયાના રાજીનામાને લઈને સૌરાષ્ટ્રભરમાં ખળભળાટ મચી ગયો છે.

કોણ છે ડૉ વલ્લભ કથીરિયા?
ડૉ.વલ્લભ કથીરિયાનો જન્મ 30 નવેમ્બર 1954ના રોજ થયો હતો. તેઓ ભારતની 14મી લોકસભાના સભ્ય હતા. તેઓ ગુજરાતના રાજકોટ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હતા. તેઓ વાજપેયી મંત્રાલયમાં રાજ્યકક્ષાના મંત્રી હતા. બાદમાં ડૉ.વલ્લભ કથીરિયાને ગુજરાતના 'ગૌ સેવા આયોગ'ના અધ્યક્ષ બનાવાયા હતા. 2019માં ડૉ.વલ્લભ કથીરિયાને રાષ્ટ્રીય કામધેનુ આયોગ (RKA), ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગ હેઠળ સ્થાપિત સરકારી સંસ્થાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. જે બાદ તેમને રાજકોટ AIIMSના પ્રેસિડેન્ટ બનાવાયા હતા. સૌરાષ્ટ્ર ભાજપમાં ડો. વલ્લભ કથિરિયા મોટું નામ ગણાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news