પીળું એટલું સોનું નથી : રાજકોટની સોની બજારમાં લાગેલા બોર્ડથી આખું ગોલ્ડ માર્કેટ હચમચી ગયું

Fake Gold Alert Posters In Rajkot : લે-ભાગુ હોલસેલરો ગ્રાહકોને સસ્તા સોનાના નામે પાવડરયુક્ત સોનુ આપી છેતરપિંડી આચરે છે... સોનુ કદી સસ્તું હોતું નથી અને સસ્તુ હોય એ કદી સોનુ ના હોય... રાજકોટ સોની બજારમાં લાગ્યા બોર્ડ... કોઈપણ ગ્રાહક જ્યારે સોનું ખરીદે તે પહેલા તેની ચકાસણી કરવાનો આગ્રહ રાખે

પીળું એટલું સોનું નથી : રાજકોટની સોની બજારમાં લાગેલા બોર્ડથી આખું ગોલ્ડ માર્કેટ હચમચી ગયું

Rajkot Gold Market News દિવ્યેશ જોશી/રાજકોટ : સોનાની પીળાશમાં પણ હવે ભેળસેળની ચમક ભળી ગઈ છે. અને ગ્રાહક સોનાના નામે છેતરાય નહીં તે માટે રાજકોટની સોની બજારમાં "પીળું એટલે સોનું નથી"  પાવડર યુક્ત સોનાના ઘરેણા ગ્રાહકોને આપી છેતરવામાં આવી રહ્યા છે ત્યારે ગ્રાહકોની જાગૃતિ માટે સોની બજાર દ્વારા અલગ અલગ બેનરો મારવામાં આવ્યા છે. આ ઉપરાંત કઈ રીતે સોનામાં ભેળસેળ કરવામાં આવે છે ચાલો તે જાણીએ. 

પીળું એટલું સોનું નથી" આનો શું મતલબ થયો...
વિશ્વમાં ગમે ત્યારે માનવ સર્જિત અથવા કોઈપણ પ્રકારની આફત આવે અથવા રોકાણની દ્રષ્ટિએ લોકોની પ્રથમ પસંદગીમાં સોનાનો સમાવેશ થાય છે. પરંતુ રાજકોટની સોની બજારમાં કેટલાય લે-ભાગુ હોલસેલરો ગ્રાહકોને સસ્તુ સોનુ આપવાની લોભામણી લાલચ આપી સોનાના પાવડર યુક્ત ઘરેણા પધરાવી ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા હોવાના અનેક બનાવો બની રહ્યાં. આવા બનાવો વધતા રાજકોટની સોની બજારમાં "પીળું એટલું સોનું નથી"ના ગ્રાહકોની જાગૃતિ માટેના બેનરો લગાવવામાં આવ્યા છે. 

સોનાની ખરીદી કરતા પહેલા કેટલા હોલમાર્ક હોવા જરૂરી???
કોઈપણ વેપારી જ્યારે ગ્રાહકને સસ્તું સોનું આપવાની લોભામણી લાલચ આપે ત્યારે ગ્રાહકને તરત જ સાવધાન થઈ જવું જોઈએ. કેમકે "સોનું ક્યારેય સસ્તું હોતું નથી અને સસ્તુ હોય એ કદી સોનુ હોતું નથી" કોઈપણ ગ્રાહક જ્યારે સોનાની ખરીદી કરવા માટે જાય ત્યારે તેમણે સૌપ્રથમ સોનુ કેટલા કેરેટનું છે તેની પૂરેપૂરી જાણકારી મેળવી જોઈએ. તેમાં તેટલા કેરેટનો હોલમાર્ક મારવામાં આવ્યું છે કે નહીં તેની પણ ચકાસણી કરવી જોઈએ. ત્યારબાદ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ B.I.S,916, માનક પથપ્રદર્શક સહિતના હોલ માર્ક સાથે પાક્કા બિલ લેવાનો આગ્રહ રાખવો જેથી ક્યારેય પણ ગ્રાહક છેતરાશે નહીં.

916 અને 22 કેરેટના ખોટા હોલમાર્ક પણ મારવામાં આવે છે..
રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે. ત્યારે રાજકોટની બજારમાં છેલ્લા કેટલાય સમયથી ૧ ગ્રામ અને ૨ ગ્રામના સોનાના ઘરેણા બનાવવાનો જબરો ક્રેઝ ચાલી રહ્યો છે. ત્યારે કેટલાય આવા લે-ભાગુ વેપારીઓ ગ્રામ વાળા સોનામાં 916 અને 22 કેરેટના ખોટા  હોલમાર્ક મારી ગ્રાહકોને નકલી સોનું આપી છેતરપિંડી કરતા હોય છે.

મશીન ચેઈનની ખરીદીમાં લોકો વધુ છેતરાયા..
સોની વેપારીઓ ગ્રાહકના ઓર્ડર મુજબ ઘરેણા બનાવવાનું કામ હોલસેલર વેપારીને આપતા હોય છે. ત્યારે કેટલાય લે-ભાગુ હોલસેલર વેપારી ગ્રાહકો સાથે સીધો સંપર્ક કરી ગ્રાહકોને છેતરવા માટે અવનવી લોભામણી લાલચ આપતા હોય છે. જેમાં ખાસ કરીને લે-ભાગુ હોલસેલરો સોનાના મશીનમાં જે ચેઈન બનાવે છે તે વાસ્તવમાં સોનાની હોતી જ નથી. તેમાં માત્ર સોનાનો પાવડર ભેળવી દેવામાં આવે છે જેથી તે સાચા સોનાની જેમ તેની પીળાશ ચમકે છે. જેથી દરેક ગ્રાહકે સોનાની ખરીદી કરતા પહેલા તેની ગુણવતાની ચકાસણી કરવી ખૂબ જ જરૂરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news