બહારની કેક અને પેસ્ટ્રી ચાંઉથી ખાતા હોય તો સાવધાન, જોઈને ચીતરી ચઢે એવી કેક વેચાતી હતી

Health Department Raid : બહારની બેકરી આઈટમ ખાતા પહેલા થઈ જાઓ સાવધાન..રાજકોટમાં તાજી હોવાના નામે વેચાતી બેકરી આઈટમ્સ નિકળી અખાદ્ય...વાસી જથ્થાનો કરવામાં આવ્યો નાશ..

બહારની કેક અને પેસ્ટ્રી ચાંઉથી ખાતા હોય તો સાવધાન, જોઈને ચીતરી ચઢે એવી કેક વેચાતી હતી

Rajkot News રાજકોટ : આજના યંગસ્ટર્સને સૌથી વધુ ગમતી ફૂડ આઈટમ એટલે કેક. કાફેમાં બેસીને કોલ્ડ કોફી સાથે કેક અને પેસ્ટ્રી ખાવાનું ચલણ હાલ વિદેશની જેમ વધી ગયુ છે. ત્યારે હવે ડિમાન્ડને જોતા ભેળસેળિયા વેપારીઓ તેમાં પણ ભેળસેળ કરવા લાગ્યા છે. તેમાં પણ રાજકોટમાં ભેળસેળિયા વેપારીઓ બેફામ બન્યા છે. તાજી કેકના દાવા કરતી લાઈવ બેકરીમાંથી વાસી જથ્થો મળી આવ્યો છે. રાજકોટની માહી લાઈવ બેકરીમાંથી એસેન્સ, ફ્લેવર્સ, બેકરી ફેટ સહિત કુલ 145 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો છે. તો કે.કે. લાઈવ પફમાંથી પણ 9 કિલો વાસી સોસ મળી આવ્યો છે. 

લાઈવ કેક જ વાસી નીકળી
રાજકોટમાં આરોગ્ય વિભાગ એક્ટિવ બન્યું છે. ભેળસેળ અને અખાદ્ય વસ્તુઓના વધી રહેલા વેચાણ સામે આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. ત્યારે આરોગ્ય વિભાગે બેકરી પર તવાઈ બોલાવી હતી. જેમાં લાઈવ કેક બનાવી આપવાનો દાવો કરતી બેકરીઓમાં પણ મોટી સંખ્યામાં અખાદ્ય ખોરાક મળી આવ્યો હતો. રાજકોટની લાઈવ બેકરી પર ચેકિંગ હાથ ધરાયું હતું. 

બેકરી પર આરોગ્ય વિભાગનું મેગા ચેકિંગ
રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પાસે રવિરત્ન ચોક નજીક જલારામ-4 મેઇન રોડ પર આવેલી માહિ લાઇવ બેકરીમાં આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ શાખા દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 145 કિલો જેટલી અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો હતો. મવડી મેઇન રોડ પર કેકે લાઇવ પફમાં ચેકીંગ દરમિયાન એક્સપાયર થયેલો 9 કિલો સોસનો જથ્થો મળી આવતા તેનો પણ નાશ કરાયો હતો.

આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટમાં દાણાપીઠ, જુના માર્કેટિંગ યાર્ડ, પરાબજાર સહિત 10 અલગ અલગ જગ્યાએથી સીંગતેલના નમુના લેવાયા હતા. તો ફૂડ લાઇસન્સ વિના ધંધો કરતા 19 ધંધાર્થીઓને નોટિસ ફટકારવામાં આવી છે.

ક્યા ક્યાંથી નમૂના લેવાયા
અમિન માર્ગ પર અતુલ બેકરીમાંથી લૂઝ ડાર્ક ફોરેસ્ટ કેક, દાણાપીઠમાં ઉ5ેન્દ્ર કુમાર શામજીભાઇને ત્યાંથી રાણી ગોલ્ડ ફિલ્ટર સિંગતેલ, ગુલાબચંદ ગીરચંદને ત્યાંથી શ્રી ગીતા સુપર સિંગતેલ, અલંકાર ટી ડેપોમાંથી કાકા સિંગતેલ, જૂના માર્કેટીંગ યાર્ડમાં જતીપુરા એન્ટરપ્રાઇઝમાંથી કિસાન સિંગતેલ, મજેઠીયા ટ્રેડર્સમાંથી યોગીધારા ડબલ ફિલ્ટર સિંગતેલ, હરિઓમ એન્ટરપ્રાઇઝમાંથી પાયલ પ્યોર સિંગતેલ, ભાગ્યલક્ષ્મી સેલ્સ એજન્સીમાંથી ભૂમિ સિંગતેલ, પરાબજારમાં સંદીપકુમાર રસિકલાલ કોટેચાને ત્યાંથી ગુલાબ સિંગતેલ અને સારથી ડબલ ફિલ્ટર સિંગતેલ, ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં મહેન્દ્ર ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાંથી કિસાન બ્રાન્ડ ડબલ ફિલ્ટર સિંગતેલનો નમૂનો લેવામાં આવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news