સટ્ટાકાંડ: અબજોની હેરાફેરીના આંકડાઓ અને સટ્ટાની માસ્ટરી જોઈ પોલીસ ચોંકી, આ રીતે રમાતો સટ્ટો

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 1400 કરોડના સટ્ટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. રાજકોટ અને ઉંઝા સર્કિટના બે સટોડિયાઓના નામનો પોલીસે ખુલાસો કર્યો છે. ઉંઝાનો ટોમી પટેલ અને રાજકોટનો રાકેશ રાજદેવ પોલીસના રડાર પર છે.

સટ્ટાકાંડ: અબજોની હેરાફેરીના આંકડાઓ અને સટ્ટાની માસ્ટરી જોઈ પોલીસ ચોંકી, આ રીતે રમાતો સટ્ટો

ઝી ન્યૂઝ/અમદાવાદ: ક્રિકેટ સટ્ટામાં એક સમયે કલગીનું નામ ચર્ચામાં હતું. માણસો રાખીને રમાડતા સટ્ટાકીંગ કલગી તો હવે રહ્યાં નથી પણ તેનો ચિલો યથાવત રહ્યો છે. હવે, સમય સાથે ક્રિકેટ સટ્ટો મોબાઈલ ફોન પર રમાડવાનો શરૂ થયો છે. સટ્ટો ઓનલાઈન થઈ ગયો છે અને કાયદાની આંટીઘૂંટીથી બચવા માટે બૂકીઓ હવે તેમના સર્વર વિદેશમાં રાખવા લાગ્યાં છે. ત્યારે હાલ ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કર્યો હતો. 

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 1400 કરોડના સટ્ટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. રાજકોટ અને ઉંઝા સર્કિટના બે સટોડિયાઓના નામનો પોલીસે ખુલાસો કર્યો છે. ઉંઝાનો ટોમી પટેલ અને રાજકોટનો રાકેશ રાજદેવ પોલીસના રડાર પર છે. જેમની સામે હવે લૂક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને દુબઇમાં ડમી બેન્ક એકાઉન્ટની પણ વિગતો મળી હતી.

રાજકોટનો આર.આર. નામનો બૂકી એટલો સક્રિય છે કે દેશભરમાં જ નહીં છ દેશમાં તેનું નેટવર્ક સ્થાપિત કરી ચૂક્યો છે. આર.આર. ભારત ઉપરાંત પાકિસ્તાન, શ્રીલંકા, બહેરીન, દુબઈ, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં નેટવર્ક ગોઠવી ચૂક્યો છે. આર.આર. વિવિધ સટ્ટા વેબસાઈટથી સટ્ટો બૂક કરતાં બૂકીઓને આઈડી તૈયાર કરી આપી પોતાના એક્સચેન્જમાં સામેલ કરી 10-12 ટકા કમિશનથી અબજો રૂપિયાનો સટ્ટો રમાડે છે. કમનસીબે, મૂળ રાજકોટના અને નવા સટ્ટાકીંગને ગુજરાત પોલીસ નાથી શકતી નથી.

કેવી રીતે રમાડાય છે સટ્ટો?
ક્રિકેટ રમાય એટલે સામાન્ય રીતે કોણ હાર છે અને કોણ જીતશે તેનો સટ્ટો રમાય છે. આર.આર. એટલે કે રાકેશ રાજકોટ, ટોમી ઊંઝા મુળ ગુજરાતના છે. ગુજરાત ઉપરાંત દેશના બે ડઝન જેટલા બૂકીઓ દર વર્ષે આઈપીએલમાં દૂબઈથી સટ્ટા નેટવર્ક ચલાવે છે. ગુજરાતમાં બે ડઝન જેટલા મુખ્ય બૂકીઓ થકી 4000 જેટલી એપ્લિકેશન ફરતી કરી દેવામાં આવી છે. મોબાઇલ પર ખાસ એપ્લિકેશન બનાવી મેચના ભાવ જાહેર કરાય છે. મેચની હાર-જીત અને સેશનના સ્કોર પર સટ્ટો લગાવતો હતો. સટ્ટાકાંડમાં એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી. એક-એક મેચ પર 100થી 500 કરોડના સોદા થતા હતા. બંન્ને સટોડિયા દુબઇના આકાની મારફતે ભાવ બહાર પાડતા હતા. સટ્ટાના હિસાબો ટ્રાન્સફર થતા હોવાનો પણ ખુલાસો થયો છે. ક્રિકેટના મેદાનમાંથી જ બોલતી બોબડી લાઇનથી સટ્ટો રમાતો હતો.

સટ્ટો રમાડતા બુકીઓ આ સટ્ટાનું રૂપ ટેકનોલોજીમાં કન્વર્ટ થઈ ગયું છે. જે પહેલા બોલતી બોબડી લાઈનથી ક્રિકેટ રમાડતા હતા. તેમાં ખાસ કરીને હવે મોબાઈલ એપ્લિકેશન મારફતે એકાઉન્ટ ખોલાવીને સટ્ટો રમાય છે. જેમાં સટોડિયાને ક્રેડિટ આપવામાં આવે છે. અથવા હાર-જીત બાદ એક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવતા હોય છે. અથવા એડવાન્સ રૂપિયા પણ જમા થતા હોય છે. પરંતુ આ તમામ હિસાબ ભારતમાં નહીં પણ એક રીતે મની લોન્ડરિંગ કહી શકાય તેમ વિદેશમાં જાય છે. એ હવાલા હોય કે ઓનલાઇન ટ્રાન્સફર હાલ સટ્ટા બજારનું આખું નેટવર્ક અલગ રીતે ચાલે છે.

રાકેશ રાજદેવનો ઈતિહાસ
રાજકોટનો રાકેશ રાજદેવ ઉર્ફે આર.આર. સામે ગુજરાત પોલીસના ચોપડે ક્રિકેટ સટ્ટા બેટીંગના એક નહીં અઢળક ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. રાકેશ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં અમુક વર્ષ અગાઉ 3.55 કરોડની છેતરપિંડીની ફરિયાદ પણ થઈ ચુકી છે. રાકેશ રાજદેવે સસ્તામાં સોનું આપવાની લાલચ આપી અમદાવાદના શૈવલ પરીખ પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા હતા.

Trending news