ઉત્તર ગુજરાતનો આ પાટીદાર સમાજ હવે ક્રાંતિના માર્ગે, પરિવર્તન લાવવા 25 કુરિવાજો પર પ્રતિબંધ મૂક્યો
Patidar Samaj : સાબરકાંઠા ઝોનમાં કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા મહિલા યુવા જાગૃતિ સંમેલનમાં સામાજિક કુરિવાજો કાબુમાં લેવા માટે સર્વનુંમતે પહેલ કરવામાં આવી
Trending Photos
Sabarkantha : હિંમતનગરમાં હાલ અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર મહિલા યુવા જાગૃતિ સંમેલન યોજાયું હતું. જેમાં પાટીદાર સમાજમાં વ્યાપેલા કુરિવાજો તેમજ ખોટા ખર્ચા બાબતે ચર્ચાઓ થઈ હતી. પાટીદાર સમાજના મોટી સંખ્યામાં યુવાનો તેમજ મહિલાઓ મહા સંમેલનમાં જોડાયા હતા. જેમાં કચ્છ કડવા પાટીદાર સમાજનાં સંમેલનમાં 25 જેટલા રીતરિવાજો તેમજ રુઢિયો સામે પૂર્ણવિરામ મુકાયું છે. કડવા પાટીદાર સમાજે નવો ચીલો ચાતર્યો, લગ્નમાં હલ્દી રસમ, પ્રીવેડિંગ, શ્રીમંત સહિત 25 જેટલા રિવાજો અને રૂઢિયો પર પ્રતિબંધ જાહેર કર્યો છે.
પાટીદાર સમાજ સામાજિક ક્રાંતિના માર્ગે
ગુજરાતમાં પાટીદાર સમાજની ગણતરી સુખી સંપન્ન સમાજમાં થાય છે. પાટીદાર સમાજ માટે એવુ કહેવાય છે કે, ભગવાન કા દિયા સબ કુછ હૈ. દરેક પાટીદારની કિંમત તેના વીધા જમીનોથી થાય છે. જેની પાસે વધુ જમીન તે વધુ સશક્ત. ત્યારે આ સુખી સંપન્ન સમાજમા વ્યાપેલી કુરિવાજોને દૂર કરવા કમર કસાઈ છે. ત્યારે સાબરકાંઠાના કચ્છ કડવા પાટીદાર સમાજે 25 જેટલા ખર્ચાળ અને બિનજરૂરી પ્રથા બંધ કરવા અભિયાન ઉપાડ્યું છે. ગઈકાલે કચ્છ કડવા પાટીદાર સમાજમાં વ્યસન મુક્ત તેમજ આવનાર સમયમાં અભ્યાસ સમાજ યુવાનો દીકરીઓને દિશા મળે તે મુદ્દા ઉપર ચર્ચાઓ થઈ હતી. તેમજ કુરિવાજો અને નાની બાબતમાં છુટાછેડા લગ્નમાં થતા ખોટા ખર્ચાઓ ઘટાડવા ચર્ચા થઈ હતી. હિંમતનગરમાં યોજાયેલા સંમેલનમાં હજારોની સંખ્યામાં મહિલાઓ સહિત યુવાનોએ જાહેરમાં શપથ મેળવી સામાજિક ક્રાંતિની શરૂઆત કરી છે.
આ રિવાજોને તિલાંજલિ
કચ્છ કડવા પાટીદાર સનાતની જ્ઞાતિ અધિવેશનના જ્ઞાતિ રીત રિવાજોની વાત કરીએ તો બાળકના જન્મ પછી બોલાવવાના પ્રસંગને સાદાઇથી ઉજવવો નિર્ણય લેવામા આવ્યો છે. મર્યાદિત સંખ્યામાં જઇ એક દિવસથી વધુ ન રોકાવું અને બોલાવવા અને જિયાણું આપવાનું એક સાથે ગોઠવવું. સગપણ માટે યુવકની વય મર્યાદા 20 વર્ષ, યુવતીની વય મર્યાદા 17 વર્ષ જરૂરી કરાઈ. નાળિયેર,મીઠાઇ અને ચાંદીના સિક્કા સિવાય કોઇ લેતી દેતી ન કરવી. સામ-સામે સગપણ ન કરવા અને સગાઇમાં કપડાની જોડી, ગોળ અથવા મીઠાઇ, 501 રોકડા,સાંકળા,નાકની સળી આપવી. સગાઇમાં વિવેકબુદ્ધિથી મર્યાદિત સંખ્યામાં જવું તેમજ પ્રિવેડિંગ,રિંગ સેરેમની પ્રથાને સદંતર બંધ કરવી. પ્રિવેડિંગ,રિંગ સેરેમની સામાજિક ગુનો ગણાશે.
લગ્ન પ્રસંગો, લગ્ન બાદ બાદના રિવાજો અને મરણ પ્રસંગોના રિવાજો કેવા કરાયા?
- લગ્ન લખતી વખતે 100 રૂપિયા મુકવા
- લગ્ન પત્રિકા લઇ જવા કન્યા પક્ષ તરફથી 2થી 4 લોકોએ જ જવું
- મામેરામાં ભાણેજને કપડા તેમજ બહેન-બનેવીને કપડાની જોડી આપવી
- બાકીનાની પહેરામણી બદલ 200 રૂપિયા રોકડા આપવા
- દાગીના વગેરે ગુપ્તપણે આપવું,મામેરૂ બેઠું ભરવું અને જાહેરાત ન કરવી
- હાથ-પગના અંગૂઠા ધોવાની પ્રથા બંધ કરવી
- વર અને અણવર સિવાય જાનમાં 150 માણસો જઇ શકશે
- કન્યાપક્ષે જાનને એક સમય જમાડવા
- દૂરથી આવતા હોય તેવા કિસ્સામાં અનુકુળતા મુજબ વ્યવસ્થા
- લગ્નપ્રસંગમાં લાગા આપવાનો પણ નિયમ નક્કી થયા
- કન્યાપક્ષ તરફથી 500 રૂપિયાથી 200 રૂપિયા અથવા કપડા આપવા
- કન્યાદાનમાં શક્તિ મુજબ રોકડું આપવું તેની જાહેરાત ન કરવી
- હસ્તમેળાપની ગરિમા જાળવવી જરૂરી
- લગ્નમંડપમાં કન્યાએ નાચ-ગાન/ડાન્સ કરતા ન આવવું
- હલ્દી/મહેંદી રસમ સદંતર બંધ કરવી
- પારંપરિક પીઠી વિધી કરી શકાશે
- વરધ સમયે લોણારી પ્રથા બંધ કરવી
- નવવધુને પિયરપક્ષ તરફથી મળેલ દાયજો બતાવવો નહીં
- વરઘોડો દરમિયાન જાહેર જગ્યા પર થતાં નાચ-ગાન પર ઘોર કરવી નહીં
- સિમંત પ્રસંગ સાદગીથી કરવો
- બેબી શાવર,પ્રી બેબી શુટિંગ જેવા અશોભનિય તાયફા ન કરવા
- સમૂહલગ્નમાં જોડાતા પરિવારે મોટા જમણ કે રિશેપ્શન જેવા તાયફા ન કરવા
- આણાની પ્રથા પણ ટાળવી
- છુટાછેડા અંગેનો સામાજિક રીતે ન્યાય સમિતિનો નિર્ણય આખરી ગણાશે
- એક પત્નીની હયાતીમાં બીજી પત્ની ન કરવી
- મરણપ્રસંગોમાં તેરમું કરવું નહીં
- મૃતક પાછળ સ્મરણાર્થે કોઇ રકમ સામાજિક ઉન્નતિના કાર્યમાં આપવી
- મરણ બાદ અપાતી પાઘડી પ્રથાને બંધ કરવી
- દીકરીને સાસરે મોકલ્યા પછી મૃત્યુ થાય તો જીવિત સમયે આપેલી વસ્તુ પાછી ન લેવી
- જમાઇનું મૃત્યુ થાય તો દીકરીને આપેલા દાગીના સિવાય કશું માગી નહીં શકાય
- જમાઇના મૃત્યુ પછી દીકરીને તાત્કાલિક ઘર મૂકાવી લેવાના બદલે યોગ્ય સમય આપવો
- દીકરી પુનઃલગ્ન કરે તો પહેલા સાસરા પરિવારની મિલકતમાં ભાગ નહીં માગી શકે
શપથ લેવડાયા
હિંમતનગરમાં કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રથમ યુવા તેમજ મહિલા સંમેલનમાં 25 જેટલા રીતરિવાજો તેમજ રુઢિયો સામે પૂર્ણવિરામ મુકાયું છે. ત્યારે સ્ટેજ પર હાજર રહેલા સમાજના અગ્રણીઓએ સંમેલનમાં સામેલ થયેલા લોકોને આ અંગે શપથ લેવડાવ્યા હતા. સાથે જ સમાજની દશા અને દીશા બદલવાનો પ્રયાસ હાથ ધર્યું છે. જે આગામી સમયમાં અન્ય સમાજ માટે પણ સામાજિક બદલાવનો પાયો બની રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે