Dandi March: કેમ કોંગ્રેસના સભ્યોને બદલે ગાંધીજીએ દાંડીયાત્રા માટે કરી હતી આશ્રમના સભ્યોની પસંદગી? જાણો રસપ્રદ કહાની

બાપુએ ચપટી મીઠું ઉપાડ્‌યું અને બોલ્યા કે, ‘મૈને નમક કા કાનુન તોડા હૈ...’ આ ઘટના બાદ દેશના અનેક ભાગોમાં આ રીતે મીઠાના કાયદાનો ભંગ થવા લાગ્યો અને અંગ્રેજ સરકાર સામે વિરોધ તીવ્ર બનતો ગયો. ગાંધીજીની આ પદયાત્રા દાંડી કૂચ તરીકે ઇતિહાસમાં અંકિત થઈ ગઈ.

Updated By: Mar 12, 2021, 10:25 AM IST
Dandi March: કેમ કોંગ્રેસના સભ્યોને બદલે ગાંધીજીએ દાંડીયાત્રા માટે કરી હતી આશ્રમના સભ્યોની પસંદગી? જાણો રસપ્રદ કહાની

ઝી બ્યૂરો, અમદાવાદઃ એ સમયે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું. અંગ્રેજોના અત્યાચારો સામે લડત ચલાવવા ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો. જેમાં તે સમયના બ્રિટિશ ભારતમાંથી પોરબંદર રિયાસત, પંજાબ પ્રાંત, બોમ્બે પ્રાંત, નેપાળ પ્રાંત, કચ્છ, સંયુક્ત પ્રાંત, અજ્ઞાત દેશી રાજ્ય, મદ્રાંસ પ્રાંત, સિંધ અને રાજપૂતાના પ્રાંતમાંથી સત્યાગ્રહીઓ આ દાંડીયાત્રામાં ગાંધીજી સાથે જોડાયા હતાં. અમદાવાદના સાબરમતી આશ્રમમાંથી પ્રતિજ્ઞા લઇને 79 સાથીઓ સાથે મહાત્મા ગાંધીજીએ મીઠાના કાળા કાયદાને લૂણો લગાવવા દાંડીકૂચનો પ્રારંભ કર્યો તે દિવસ હતો 12 માર્ચ 1930. ‘કાગડા કુતરાની મોતે મરીશ પણ આઝાદી લીધા વિના પાછો નહીં ફરું’ આવી કઠોર પ્રતિજ્ઞા સાથે મીઠાના કાયદાનો ભંગ કરવા સાબરમતી આશ્રમથી નીકળેલા ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહની શરૂઆત કરી હતી.

Dandi March: સાબરમતી આશ્રમથી થઈ હતી સત્યાગ્રહની શરૂઆત, દુનિયાના દેશોના પ્રમુખો લઈ ચુક્યા છે આ સ્થળની મુલાકાત

ગાંધીજી કડક શિસ્ત અને અહિંસાના હિમાયતી હતા. આ કારણોસર જ તેમણે કૂચ માટે કોંગ્રેસ પક્ષના સભ્યોના બદલે પોતાના આશ્રમમાં પ્રશિક્ષિત 79 જેટલા સાથીદારો સાથે 12 માર્ચ 1930ના રોજ પદયાત્રાની શરૂઆત કરી હતી. 8 જિલ્લા અને 48 ગામોને આવરી લેતી 24 દિવસની કૂચ દરમિયાન અનેક જગ્યાએ રાત્રિરોકાણ, સંપર્કો અને અંગ્રેજ સરકાર સામેની અહિંસક લડતના આયોજન સાથેની યોજના તૈયાર કરવામાં આવી. 12 માર્ચ 1930ની સવારે 6:20 કલાકે ગાંધીજી સાબરમતી આશ્રમથી નીકળ્યા હતા. આ સમયે ગાંધીજીની ઉંમર 61 વર્ષ હતી. દાંડીકૂચ પહેલાં ગાંધીજીની ધરપકડ થશે એવી જોરદાર હવા હતી. પરંતુ વાઇસરૉય ઇર્વિનને જાસૂસી ખાતા તરફથી એવા ખબર મળ્યા હતા કે ગાંધી આટલું લાંબું અંતર ચાલશે તો વચ્ચે જ ઢળી પડશે. એટલે દાંડી યાત્રા દરમિયાન અંગ્રેજોએ કાફલો રોકવાની તસ્દી ન લીધી. પરંતુ વાઇસરૉયની આશાઓ ફળી નહીં. ગાંધીજીની ધરપકડ કરવાની થાય તો તરત કરી શકાય એ માટે, સરકારે 28 વર્ષની લાંબી નોકરી ધરાવતા દેશી ડૅપ્યુટી કલેક્ટર દુર્લભજી દેસાઈને કૂચની સાથે રાખ્યા હતા. પરંતુ દુર્લભજી દેસાઈ પર સ્વતંત્રતાનો રંગ ચઢ્યો હતો. કૂચ ખેડા જિલ્લામાં પ્રવેશી ત્યારે ખેડાના અંગ્રેજ કલેક્ટરે સાથે રહેલા ડૅપ્યુટી કલેક્ટર દુર્લભજીને કહ્યું કે કૂચ પર મનાઈહુકમ આપો. ત્યારે દુર્લભજીએ તેમને જ્ઞાન આપીને કોઈની ધરપકડ ન કરાવી.

Dandi March: મીઠાના સત્યાગ્રહ વિશે માત્ર 5 પોઈન્ટમાં સમજો, જે બધું તમારા માટે જરૂરી છે

25 દિવસમાં આશરે 329 કિલોમીટરનું અંતર કાપીને પાંચમી એપ્રિલના રોજ ગાંધીજી સાથીદારો સાથે દાંડી પહોંચ્યા. પાંચસોથી પણ ઓછા માણસની વસ્તી ધરાવતા દાંડીમાં ખાદીધારી સિરાજુદ્દીન શેઠે ગાંધીજીને આવકાર્યા અને પોતાના બંગલામાં ઉતારો આપ્યો. છઠ્ઠી એપ્રિલે ગાંધીજી સહિતના તમામ દાંડી વહેલી યાત્રી સવારે દરિયા કિનારે પહોંચ્યા. ત્યાં બાપુએ ચપટી મીઠું ઉપાડ્‌યું અને બોલ્યા કે, ‘મૈને નમક કા કાનુન તોડા હૈ...’ આ ઘટના બાદ દેશના અનેક ભાગોમાં આ રીતે મીઠાના કાયદાનો ભંગ થવા લાગ્યો અને અંગ્રેજ સરકાર સામે વિરોધ તીવ્ર બનતો ગયો. ગાંધીજીની આ પદયાત્રા દાંડી કૂચ તરીકે ઇતિહાસમાં અંકિત થઈ ગઈ.

HARIDWAR YATRA: હરિદ્વારના મંદિરોમાં અવાર નવાર કેમ થાય છે ચમત્કાર? જાણો બ્રહ્મકુંડ પાસે મળ્યા કોના પદ ચિન્હો...

દાંડીકૂચની સમાપ્તિ પછી ગાંધીજી એ જ વિસ્તારમાં રહ્યા. પરંતુ સાથીદારોને પોતપોતાના ઠેકાણે જવાની રજા આપી. કારણ કે પ્રાંતોમાં પણ લડત ફેલાઈ ચૂકી હતી. દાંડીકુચે ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ, અપાર શ્રદ્ધા, ચેતના અને એકતા જગાવવાનું અદ્દભુત કાર્ય કર્યું. દાંડીકૂચ અને પ્રસ્તાવિત ધરાસણા સત્યાગ્રહે ભારતની આઝાદીની લડત તરફ વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું. મીઠાના સત્યાગ્રહ દરમિયાન લગભગ 60,000 જેટલાં ભારતીયોને જેલમાં પૂરી દેવામાં આવ્યા. આંદોલનમાં સી. રાજગોપાલચારી, પંડિત નેહરુ સહિતના નેતાઓની ધરપકડ કરવામાં આવી. આ આંદોલન અંદાજે એક વર્ષ સુધી ચાલ્યું. જેલો ઉભરાઈ ગયા પછી પહેલીવાર અંગ્રેજ સરકારને ગાંધીજીને તેમની બરાબરીના દરજ્જે સ્વીકારીને સમાધાન કરવાની ફરજ પડી. ગાંધીજી સાથેની મુલાકાત સમયે વાઇસરૉય ઈર્વિને સમાધાનનાં માનમાં ચાનો વિવેક કર્યો. ત્યારે ગાંધીજીએ ચાના બદલે પીણું પીધુ હતું. અને તે હતું લીંબુપાણી અને અંદર ચપટી મીઠું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube