સ્વચ્છતા અભિયાનમાં સરસપુરમાં જીતુ વાઘાણી સ્થાનિક લોકોના રોષનો ભોગ બન્યા
નેતાઓએ માત્ર સમ ખાવા પુરતી ઝાડુ હાથમાં પકડી, હાથમાં મોજા પહેરીને સફાઈ કરી અને કચરો ઉપાડ્યો
Trending Photos
અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શનિવારે 'સ્વચ્છતા હી સેવા' નામથી સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જેને પગલે રાજ્યભરમાં ભાજપના નેતાઓ હાથમાં ઝાડુ પકડીને સફાઈ કરવા નિકળી પડ્યા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ સરસપુરમાં નેતાઓ સાથે સફાઈ કરવા પહોંચ્યા હતા. તેઓ પહોંચ્યા એવા જ તેમને સ્થાનિકોનો મોટા વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે તેઓ કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા હતા. સ્થાનિકોએ ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું કે, તમે સફાઈ નહીં કરો તો ચાલશે, અમે જાતે કરી લઈશું.
પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી પાર્ટીના નેતાઓ સાથે સરસપુર પહોંચ્યા ત્યારે તેમને તંત્રની અધૂરી કામગીરીના કારણે રોષનો ભોગ બનવું પડ્યું. લોકોએ વિરોધ કરતા જણાવ્યું કે, તંત્ર દ્વારા જો યોગ્ય કામગીરી કરવામાં આવે તો અમે તમારા જ છીએ, આ બધું કરવાની જરૂર નથી. લોકોનો આટલો બધો આક્રોષ જોઈને જિતુ વાઘાણી પણ અવાચક થઈ ગયા. લોકોનો રોષ જોઈને જિતુ વાઘાણીએ સ્થાનિકોની સમસ્યાનું તાત્કાલિક નિવારણ આવશે તેવી ખાતરી આપી હતી અને થોડા વિસ્તારમાં સફાઈ કરીને ચાલતી પકડી હતી.
જીતુ વાઘાણી અને તેમની ટીમ હાથમાં મોજા અને નાક પર માસ્ક પહેરીને સફાઈ કરવા પહોંચી હતી. આ જોઈને સ્થાનિક લોકો અંદરો-અંદર ચર્ચા કરતા જોવા મળ્યા હતા કે, હાથમાં મોજા પહેરીને તો કોઈ સફાઈ થતી હશે. ભાજપના નેતાઓ માત્ર થોડી જગ્યામાં સફાઈ કરીને જતા રહેતા લોકો એવું કહેતા જોવા મળ્યા હતા કે, આ લોકો માત્ર ફોટા પડાવા આવે છે. સફાઈ સાથે તેમને કોઈ લેવા દેવા નથી.
ત્યાર બાદ જીતુ વાઘાણીએ મીડિયા મારફતે લોકોને આશ્વાશન આપ્યું હતું કે, આ અંગે તેમણે મ્યુનિસિપલ કમિશનરને સૂચના આપી છે. તાત્કાલિક ધોરણે સમસ્યાનું નિવારણ લાવી અને ભવિષ્યમાં આ પ્રકારની તકલીફ ઊભી ન થાય તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે