જાણો સરદાર પટેલ કેવી રીતે બન્યા લોખંડી પુરુષ? અંતિમ સમયમાં તેમના ઘરમાં 1000 રૂપિયા પણ ન હતા

વલ્લભભાઇએ પ્રાથમિક શિક્ષણ તેમના વતન કરમસદની પ્રાથમિક વિદ્યાલયમાંથી જ મેળવ્યું હતું. પિતા ઝવેરભાઇ વલ્લભભાઇને ભણાવવામાં ખૂબ જ રસ ધરાવતા હતા. તે પુત્ર વલ્લભને ભણાવી-ગણાવી એટલો હોશિયાર બનાવવા માંગતા હતા.

  • અજોડ પ્રતિભા અને વ્યક્તિત્વના ધની
  • દેશની આઝાદીના ઈતિહાસમાં મહત્વનું યોગદાન
  • અડગતા, દ્રઢનિશ્વયતા અને લોખંડી મનોબળના સ્વામી
  • વિશિષ્ટ રાજકીય વિચક્ષણતા અને કૂટનીતિ
  • દેશને એક કરીને શક્તિશાળી રાષ્ટ્ર બનાવ્યું

Trending Photos

જાણો સરદાર પટેલ કેવી રીતે બન્યા લોખંડી પુરુષ? અંતિમ સમયમાં તેમના ઘરમાં 1000 રૂપિયા પણ ન હતા

અમદાવાદ: મોટું ટાલવાળું માથું, બેઠા ઘાટનો દેહ, ધીર ગંભીર ચહેરો, બાંધી દડીનું શરીર, અંગ પર સફેદ ખાદીનું ધોતિયું અને સફેદ ખાદીનું પહેરણ. કોઇ સાધુ જેવી ગંભીર દ્રષ્ટિ, ચહેરા પર દ્રઢ નિશ્ચયબળ અને પ્રામાણિક ચારિત્ર્ય. આ બધાનો સરવાળો કરીએ એટલે સામે જે ચિત્ર ઉપસે તે છે આપણા પોતીકા સરદાર વલ્લભભાઇ પટેલ.

ક્યાં જન્મ થયો
31 ઓક્ટોબર 1875ના રોજ નડિયાદમાં પિતા ઝવેરભાઇ અને માતા લાડબાના ચોથા સંતાન તરીકે વલ્લભભાઇનો જન્મ થયો. કરમસદમાં રહેતા ઝવેરભાઇ અને લાડબા બંને ખેડૂત હતા અને ખેતી વડે જ પોતાની આજીવિકા ચલાવતા હતા. માતા-પિતા બંને ધાર્મિક પ્રકૃતિના વ્યક્તિ હોવાથી તેમની ધર્મપરાયણતા. સંયમ, સાહસિકતા, સહિષ્ણુતા અને દેશપ્રેમ જેવા ગુણોનો પ્રભાવ વલ્લભભાઇ પટેલના ચારિત્ર્ય પર સ્પષ્ટ જોવા મળતો હતો.

ક્યાં શિક્ષણ મેળવ્યું
વલ્લભભાઇએ પ્રાથમિક શિક્ષણ તેમના વતન કરમસદની પ્રાથમિક વિદ્યાલયમાંથી જ મેળવ્યું હતું. પિતા ઝવેરભાઇ વલ્લભભાઇને ભણાવવામાં ખૂબ જ રસ ધરાવતા હતા. તે પુત્ર વલ્લભને ભણાવી-ગણાવી એટલો હોશિયાર બનાવવા માંગતા હતા કે ભવિષ્યમાં તેમને ખેતી કરવી ન પડે. જેના કારણે વલ્લભભાઇ બાળપણમાં ખેતરમાં કામ તો કરતા હતા. સાથેસાથે અભ્યાસ પણ કરતા હતા. 22 વર્ષની વયે નડિયાદની સરકારી અંગ્રેજી શાળામાં વલ્લભભાઇએ મેટ્રિકની પરીક્ષા પાસ કરી. જે બાદ તેઓ વકીલાતની પરીક્ષામાં પણ ઉતીર્ણ થયા. જેના લીધે તેમને વકીલાત કરવાની મંજૂરી મળી અને પંચમહાલના ગોધરામાં વકીલાતનો પ્રારંભ કર્યો. વકીલ તરીકે વલ્લભભાઇની ખ્યાતિ ધીમે-ધીમે વધવા લાગી અને જોતજોતામાં વલ્લભભાઇ એક ખ્યાતનામ વકીલ બની ગયા.

સરદારની સાહસિકતાનો કિસ્સો
વલ્લભભાઇ પટેલ નાનપણથી જ ખૂબ બહાદુર હતા. એક વખત નાનકડા વલ્લભની બગલમાં ફોલ્લો થઇ ગયો. વૈદ્યે તેને ગરમ લોખંડના સળિયાથી ફોડી નાંખવાની સલાહ આપી. વલ્લભભાઇના પરિવારજનો તો ફોલ્લો ફોડી નાંખવાની વાતથી જ ડરી ગયા હતા. આખરે ફોલ્લાને ફોડવા માટે હજામને બોલાવવામાં આવ્યો. જો કે વલ્લભભાઇનો ફોલ્લો જોઇ હજામ પણ તેને ફોડતા અચકાયો. પરંતુ વલ્લભભાઇ પટેલે જાતે જ લોખંડના સળિયાને ગરમ કરીને બિલકુલ ડર્યા વિના તે ફોલ્લાને ફોડી નાંખ્યો. આમ નીડરતા, નિર્ભયતા અને સાહસિકતાના ગુણો વલ્લભભાઇમાં નાનપણમાં જ વિકસ્યા હતા.

13 વર્ષની ઉંમરમાં લગ્ન
સરદાર પટેલના લગ્ન માત્ર 13 વર્ષની ઉંમરે ઝવેરબા સાથે થયા હતા. જોકે ઝવેર બા વધારે દિવસ સુધી સરદાર પટેલની સાથે રહી શક્યા નહીં. જ્યારે પટેલ 33 વર્ષના હતા ત્યારે ઝવેર બાનું કેન્સરના કારણે મૃત્યુ થયું. વર્ષ 1909માં જ્યારે ઝવેર બાની મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી ત્યારે સરદાર પટેલ કોર્ટમાં એક કેસ લડી રહ્યા હતા. હજુ કોર્ટ શરૂ થાય તે પહેલાં જ તેમને એક પત્ર મળ્યો અને તે વાંચીને તેને ખિસ્સામાં મૂકીને કાર્યવાહીમાં લાગી ગયા. જ્યારે તે કેસ જીતી ગયા. ત્યારે તેમના અસીલે પૂછ્યું કે કોનો પત્ર છે અને તેમાં શું લખ્યું છે. જ્યારે તેમણે પતિના નિધનના સમાચાર આપ્યા ત્યારે બધા આશ્વર્યચકિત થઈ ગયા. આ ઘટના દર્શાવે છે કે સરદાર પટેલ કેટલા સહનશીલ હતા.

નાની ઉંમરે બાળકોની જવાબદારી આવી
પત્નીના અકાળે અવસાન બાદ વલ્લભભાઇએ 5 વર્ષની પુત્રી મણીબેન અને 4 વર્ષના પુત્ર ડાહ્યાભાઇને સાચવવા આજીવન બીજા લગ્ન ન કર્યા. બંને બાળકોને મોટા કરી તેને યોગ્ય શિક્ષણ અપાવવામાં વિધુર તરીકે જ વલ્લભભાઇએ બાકીનું જીવન વિતાવ્યું.

ઈંગ્લેન્ડમાંથી બાર એટ લૉની પરીક્ષા પાસ કરી 50 પાઉન્ડનું ઈનામ મેળવ્યું
નાનપણથી જ વલ્લભભાઇની વૃતિ એવી હતી કે બેરિસ્ટર બનીને આરામથી બાકીનું જીવન વિતાવવું. ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ પણ તેમનો ઉદ્દેશ બેરીસ્ટર બનીને ધન કમાવવાનો હતો. પત્નીના અવસાન બાદ તેઓ 1909માં ઇંગ્લેન્ડ ગયા અને બાર એટ લોની પરીક્ષા માટે સુપ્રસિદ્ધ મિડલ ટેમ્પલ ઇનમાં ભરતી થયા. જો કે તે પહેલા વલ્લભભાઇએ પોતાના મોટાભાઇ વિઠ્ઠલભાઇને પણ અભ્યાસ માટે લંડન મોકલ્યા. વિઠ્ઠલભાઇ પરત ફર્યા બાદ વલ્લભભાઇ બ્રિટન પહોંચ્યા. લંડનમાં રાત-દિવસ એક કરીને તેઓએ બેરીસ્ટરનો અભ્યાસ કર્યો. અને અંતિમ પરીક્ષામાં ફર્સ્ટ ક્લાસ મેળવી પચાસ પાઉન્ડનું ઇનામ પણ મેળવ્યું. વિલાયતમાં બેરિસ્ટરનું ભણતર પુરૂ કરી 1913માં વલ્લભભાઇ ભારત પરત ફર્યા. ભારત પરત ફરીને તેઓ અમદાવાદમાં સ્થાયી થયા.

યૂરોપિયન શૈલીના કપડાં અને શિષ્ટતાથી અલગ તરી આવતાં
સરદાર પટેલ જ્યારે બેરિસ્ટર બનીને પાછા ફર્યા ત્યારે બધા આશ્વર્યચકિત થઈ ગયા.  કેમ કે એક ખેડૂતના દીકરાએ વિલાયતમાં જઇને બેરિસ્ટરની ડિગ્રી મેળવી હતી. વલ્લભભાઇએ અમદાવાદમાં વકીલાત શરૂ કરી અને થોડા જ મહિનાઓમાં અમદાવાદના પ્રખ્યાત બેરિસ્ટરમાં તેમની ગણતરી થવા લાગી. આ દરમ્યાન મોટા ભાઇ વિઠ્ઠલભાઇ પટેલ બોમ્બે કાઉન્સિલમાં મેમ્બર તરીકે ચૂંટાયા. વિલાયત જઇને આવેલા વલ્લભભાઇના યુરોપિયન શૈલીના કપડાં અને તેની શિષ્ટતા તેમજ વિવેક અન્ય વકીલો કરતા અલગ જ પ્રભાવ ઉભો કરતી.

સરદાર પટેલની રાજકારણમાં એન્ટ્રી
વકીલાતની સાથે સાથે તેઓ અમદાવાદમાં ગુજરાત ક્લબના સભ્ય બન્યા. અહીંયા તેમણે બ્રિજની રમતમાં એવી મહારત હાંસલ કરી કે બ્રિજના ચેમ્પિયન તરીકે ઓળખાવા લાગ્યા. 1917માં વલ્લભભાઇએ અમદાવાદ મહાનગરપાલિકાના સભ્ય તરીકે જાહેર જીવનમાં પદાર્પણ કર્યું. વકીલાત કરી ખૂબ ધન કમાવવાની મહેચ્છા ન ધરાવનારા વલ્લભભાઇને રાજકારણમાં બહુ રસ નહોતો. પરંતુ મિત્રોના આગ્રહને માન આપીને વલ્લભભાઇ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉતર્યા અને ચૂંટણી જીતી ગયા.

ખેડા સત્યાગ્રહનું નેતૃત્વ કર્યુ
સરદાર પટેલ ઈંગ્લેન્ડથી 1913માં ભારત પાછા આવી ગયા. આ દરમિયાન તે મહાત્મા ગાંધીના સત્યાગ્રહથી ઘણા પ્રભાવિત થયા હતા. વર્ષ 1918માં ગુજરાતના ખેડામાં દુષ્કાળના કારણે ખેડૂતો કર આપી શકે તેવી સ્થિતિમાં ન હતા. તેમણે કરમાં રાહત આપવાની માગણી કરી પરંતુ અંગ્રેજ સરકારે તેને ફગાવી દીધી. એવામાં મહાત્મા ગાંધીના આદેશથી તેમણે ખેડામાં સત્યાગ્રહની આગેવાની લીધી. અને ખેડૂતોના વિરોધ પ્રદર્શન સામે સરકારે ઝૂકવું પડ્યું અને કરમાં રાહત આપવી પડી. ત્યારબાદ ફરી એકવાર બારડોલી સત્યાગ્રહ કર્યો અને તેમાં પણ  સફળતા મેળવી. બારડોલીની સત્યાગ્રહથી વલ્લભભાઈને સરદારનું બિરુદ મળ્યું.

સેવાની ભાવના
જ્યારે 1930ના દાયકામાં ગુજરાતમાં પ્લેગ ફેલાયો તો પટેલ લોકોની સલાહને કિનારે મૂકીને પોતાના પીડિત મિત્રની દેખરેખ માટે પહોંચી ગયા. પરિણામ સ્વરૂપે તેમને આ બીમારીએ પકડી લીધા. જ્યાં સુધી તે સારા થયા નહીં ત્યાં સુધી તે એક જૂના મંદિરમાં એકલા રહ્યા.


પશ્વિમી કપડાંને આપી તિલાંજલિ
સરદાર પટેલને પોતાના લંડન પ્રવાસ દરમિયા પશ્વિમી કપડાંથી પ્રેમ થઈ ગયો હતો. સરદાર સાહેબને અંગ્રેજી કપડાંથી એટલો પ્રેમ હતો કે અમદાવાદમાં સારા ડ્રાય ક્લીનર ન હોવાથી તે મુંબઈમાં ડ્રાય ક્લીન કરાવતા હતા. પછી તે ગાંધીજીના સ્વદેશી આંદોલનથી એટલા પ્રભાવિત થયા કે તેમણે સાધારણ ભારતીય કપડાં પહેરવાનું શરૂ કરી દીધું.

રાજાઓને રાજા તરીકે રાખી રજવાડા ખતમ કરી નાંખ્યા
આઝાદી પછી 562 રજવાડાઓમાં વહેંચાયેલા ભારતીય સંઘને એક કરવાનો મોટો પડકાર હતો. ગૃહમંત્રી હોવાના નાતે સરદારે આ જવાબદારી ઉપાડી લીધી. તેમણે જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીરને છોડીને બધા રજવાડાઓનું ભારતનું વિલીનીકરણ કરાવી દીધું. પછી જનમતસંગ્રહના આધારે જૂનાગઢને ભારતમાં ભેળવવાની કામ પણ પટેલના કારણે જ શક્ય બન્યું. સંસારના ઈતિહાસની આ પહેલી ઘટના છે જેમાં લોહીનું એકપણ ટીપું પાડ્યા વિના તમામ રજવાડાઓનું એક રાષ્ટ્રમાં વિલીનીકરણ કરાવ્યું હોય. જોકે માત્ર હૈદરાબાદને ભારતમાં ભેળવવા માટે સરદારને સેના મોકલવાની જરૂર પડી. જેના પછી ત્યાં નિઝામે આત્મસમર્પણ કરીને ભારતમાં વિલયની મંજૂરી આપી દીધી.

મહાત્મા ગાંધીજીએ લોખંડી પુરુષ નામ આપ્યું
સરદાર પટેલની અદભૂત કૂટનીતિક કૌશલ અને નીતિગત દ્રઢતાના કારણે મહાત્મા ગાંધીએ તેમને લોખંડી પુરુષ કહ્યા. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ભારતના બિસ્માર્ક કહેવામાં આવે છે. બિસ્માર્કે જર્મન સામ્ર્રાજ્યની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સરદાર પટેલે દેશના એકીકરણમાં મહત્વનું યોગદાન આપ્યું. પરંતુ સિદ્ધાંતો સાથે ક્યારેય કોઈ સમજૂતી કરી નહીં. તે કલ્પનામાં નહીં યથાર્થમાં વિશ્વાસ રાખતા હતા. પટેલમાં આ બધા ગુણો જોઈને તેમને ભારતના બિસ્માર્ક કહેવામાં આવ્યા.

સાદગીપૂર્ણ જીવન
સરદાર પટેલ દેશના પહેલા પ્રધાનમંત્રી બની શકે તેમ હતા. પરંતુ મહાત્મા ગાંધીજીના એક જ આદેશ પર તેમણે આ દાવેદારીમાંથી પોતાનું નામ પાછું  ખેંચી લીધું હતું અને જવાહરલાલ નેહરૂ દેશના પહેલા પ્રધાનમંત્રી બન્યા હતા. સરદાર  પટેલનું જીવન અત્યંત સાદગીથી ભરેલું હતું. ગૃહમંત્રી હોવા છતાં તે અમદાવાદમાં એક ભાડાના મકાનમાં રહેતા હતા.

અંતિમ સમયમાં પટેલના ઘરમાં 1000 રૂપિયા પણ ન હતા
આજની રાજકીય પરિસ્થિતિને જોઈએ તો આ વિશ્વાસ ન થઈ શકે કે મૃત્યુ સમયે એક ગૃહમંત્રીના ખાતામાં માત્ર 260 રૂપિયા હતા. પરંતુ આ સત્ય વાત છે. અખંડ ભારતના શિલ્પીના રૂપમાં કામ કરનારા સરદાર પટેલના ઘરમાં બહુ મુશ્કેલીથી 1000 રૂપિયા પણ ન હતા. આ વાતથી સમજી શકાય છે કે દેશ માટે સમર્પિત એક નેતાનો ત્યાગ કેવો હોઈ શકે છે.

ગાંધીજી સાથે ગાઢ સંબંધ
સરદાર પટેલને મહાત્મા ગાંધીજી પ્રત્યે ઉંડી લાગણી હતી. ગાંધીજીના હત્યાના સમાચાર સાંભળીને પટેલને ઉંડો આઘાત લાગ્યો હતો. અને તે વધારે બીમાર રહેવા લાગ્યા. તેના પછી 15 ડિસેમ્બર 1950માં મુંબઈમાં સરદાર પટેલનું અવસાન થયું.

ભારત રત્ન સરદાર
સરદાર પટેલના નિધનના 41 વર્ષ પછી સન 1991માં તેમને દેશના સર્વોચ્ય સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા. તેમના તરફથી આ સન્મામ તેમના પૌત્ર વિપિનભાઈ પટેલે સ્વીકાર કર્યુ હતુ.

સરદાર વલ્લભભાઈ પટેલ એક આદર્શ, નિર્ભય અને દેશને પીઠબળ પૂરું પાડવા વાળા નેતા હતા. તેમની કુનેહ શકિત ગજબની હતી. સરદાર સરોવર ડેમ ખાતે વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા તેમને સાચા અર્થમાં સૌથી મોટી પુષ્પાંજલિ છે. અહીંયા આવીને ભારતીય પ્રજા અને ગુજરાતી પ્રજા ગૌરવનો અહેસાસ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news