Saurashtra: અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાન માટે આવતીકાલે રાજ્ય સરકાર જાહેર કરશે કૃષિ પેકેજ

રાજ્ય સરકાર દ્વારા આવતીકાલે કૃષિ પેકેજ જાહેર કરવા જઈ રહી છે. પરંતુ હાલ સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં રાજ્ય સરકારની કૃષિ પેકેજ જાહેરાતથી અનેક ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. 

Saurashtra: અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાન માટે આવતીકાલે રાજ્ય સરકાર જાહેર કરશે કૃષિ પેકેજ

ગુજરાત (Gujarat)માં ભાદરવો વરસાદને કારણે ખેડૂતો (Farmers)ને ખેતીમાં મોટું નુકસાન થયું છે. બીજી બાજુ રાજ્યમાં તાઉતે વાવાઝોડું, અતિવૃષ્ટિ અને ત્યારબાદ સર્જાયેલી પરિસ્થિતિના કારણે ખેડૂતોની દિવાળી ટાણે કફોડી હાલત થઈ છે, ત્યારે ખેડૂતોને થયેલા પાક નુકસાની સામે આર્થિક પેકેજ જાહેર કરવાની અવારનવાર માંગ ઉઠી હતી. ત્યારે આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આવતીકાલે કૃષિ પેકેજ (Agricultural package) જાહેર કરવા જઈ રહી છે. રાજ્ય સરકારની કૃષિ પેકેજ જાહેરાતથી અનેક ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. જાણવા મળી રહ્યું છે કે રાજ્ય સરકાર ખેડૂતોને પ્રતિ હેક્ટર 13૦૦૦ હજાર રૂપિયાની સહાય કરશે. ખેડૂતોને વધુમાં વધુ બે હેક્ટર નુકસાનીમાં સહાય આપશે. રાજ્ય સરકાર (State Government)ની કૃષિ પેકેજમાં 33% કરતા વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને જ સહાય આપવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં, રાજ્ય સરકાર દ્વારા જામનગર, રાજકોટ, પોરબંદર અને જુનાગઢ જિલ્લાના ખેડૂતોને સહાય આપવાનો નિર્ણય કર્યો છે, જેનાથી રાજ્યભરના ખેડૂતો રોષે ભરાયા છે.

હવે ચાર જિલ્લાઓમાં રાજ્ય સરકારે સહાય જાહેર કરતા અનેક વેધક સવાલો ઉભા થયા છે. ખેડૂતો સહિત લોકો રાજ્ય સરકારે ચાર જિલ્લામાં જ સહાયની જાહેરાત કેમ કરી? તે મુદ્દે સવાલ પુછી રહ્યા છે. શું પ્રતિ હેક્ટર માત્ર 13000નું જ ખેડૂતોને નુકસાન થયું છે. શું ગુજરાતમાં માત્ર ચાર જિલ્લાઓમાં જ અતિવૃષ્ટિથી નુકસાન થયું હશે? શું ખેડૂતોને માત્ર 5000નું ખેતરમાં નુકસાન થયું છે? 

આ વિશે જાણવા મળી રહ્યું છે કે આવતીકાલે બુધવારે કેબિનેટ બેઠક મળશે અને તેમાં રાજ્ય સરકાર અતિવૃષ્ટિ બાબતે ગુજરાતના ચાર જિલ્લાઓમાં કૃષિ સહાય પેકેજ જાહેર કરવા જઈ રહી છે. ચાર જિલ્લાઓના ખેડૂતોને SDRFના ધોરણ કરતા વધારાની રકમ રાજ્ય સરકાર બજેટમાંથી આપશે. ખેડૂતોને અતિવૃષ્ટિમાં થયેલા નુકસાન બદલ ઓછામાં ઓછા 5000 સહાય ચુકવાશે. ગુજરાતના ચાર જિલ્લાઓમાં કૃષિ સહાય પેકેજ મેળવવા માટે ખેડૂતોએ 25 ઓક્ટોબરથી ૨૦ નવેમ્બર સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે. ત્યારે  સવાલ ઉભો થાય છે કે શું ખેડૂતોને ખેતરમાં 5000 રૂપિયા જેટલું જ નુકસાન થયું હશે? હાલ ખેડૂતોને બિયારણ, ખાતર, ડીઝલ-પેટ્રોલ બધું જ મોઘું છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા 5000 રૂપિયાની સહાય ખેડૂતોને કેટલી મદદરૂપ થશે. 

ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાનું નિવેદન
આવતીકાલે જ્યારે રાજ્ય સરકાર અતિવૃષ્ટિ બાબતે પેકેજ જાહેર કરવા જઈ રહી છે, ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાનું એક નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતો માટે સરકારે આર્થિક પેકેજ જાહેર કર્યું તે આવકાર્ય. સરકાર પાસે અપેક્ષા છે કે પહેલા ખેડૂતોને કાયદા મુજબ મળવાપાત્ર હક્ક આપે પછી વધારાની સહાય જાહેર આપે. સરકાર વર્તમાન કાયદાઓ, યોજનાઓને કોરાણે મૂકી ખેડૂતો પર અહેસાન કરતું આર્થિક પેકેજ આપવાનું નાટક ન કરે. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર હાલ રાજ્યમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો અમલ કરે. SDRF મુજબ ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવે તેવી આશા છે. નેચરલ કેલામીટી એકટ મુજબ ખેડૂતોને વળતર આપવામાં આવે. ઉપરોક્ત ત્રણેય યોજનાઓનો લાભ આપ્યા બાદ જ સરકાર વધારાનું આર્થિક પેકેજ જાહેર કરે તે યોગ્ય છે. જો વર્તમાન ત્રણેય યોજના મુજબ ખેડૂતોને વળતર આપવામાં આવે તો ખેડૂતોને પ્રતિ હેકટર 35થી 50 હજાર સુધીનું વળતર મળવાપાત્ર છે.

અત્રે નોંધનીય છે કે તાજેતરમાં અતિભારે વરસાદ અને પુરને કારણે રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં ખેડૂતોને ઉભા પાકનું નુકસાન થયું છે. ખેતીની જમીનોનું ધોવાણ થયું છે, ત્યારે તમામ વિસ્તારોનો સર્વે હાથ ધરીને આર્થિક પેકેજ જાહેર કરવું જોઈએ. આવતીકાલે 20 ઓક્ટોબરે રાજ્યની કેબિનેટ બેઠક યોજાનારી છે, ત્યારે ખેડૂતોના હિતમાં આર્થિક પેકેજનો નિર્ણય લેવામાં આવી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news