એક કા ડબલ સ્કીમમાં છેતરાયા ભોળા આદિવાસી, ને માસ્ટરમાઈન્ડ સ્કોર્પિયો-ફોર્ચ્યુનર લઈને ફરતા

વલસાડ જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર એવા કપરાડા અને ધરમપુર તાલુકામાં કેટલાક ભેજાબાજો લોકોની અજ્ઞાનતાનો લાભ લઇ અને વિવિધ સ્કીમ હેઠળ અનેક ઘણું વળતર આપવાની લોભામણી લાલચો આપી લોકો પાસેથી લાખો રૂપિયાનું રોકાણ કરાવે છે. બાદમાં તેમને છેતરી રહી હોવાની ફરિયાદો ઉઠી રહી હતી. આ મામલે વલસાડ પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારે ટૂંક જ સમયમાં રૂપિયા ડબલ કરી આપતી ગેંગ પોતાના મૂળિયા ફેલાવે તે પહેલા જ પોલીસે 5 ઠગબાજોને જેલની હવા ખવડાવી છે. 
એક કા ડબલ સ્કીમમાં છેતરાયા ભોળા આદિવાસી, ને માસ્ટરમાઈન્ડ સ્કોર્પિયો-ફોર્ચ્યુનર લઈને ફરતા

ઉમેશ પટેલ/વલસાડ :વલસાડ જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર એવા કપરાડા અને ધરમપુર તાલુકામાં કેટલાક ભેજાબાજો લોકોની અજ્ઞાનતાનો લાભ લઇ અને વિવિધ સ્કીમ હેઠળ અનેક ઘણું વળતર આપવાની લોભામણી લાલચો આપી લોકો પાસેથી લાખો રૂપિયાનું રોકાણ કરાવે છે. બાદમાં તેમને છેતરી રહી હોવાની ફરિયાદો ઉઠી રહી હતી. આ મામલે વલસાડ પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારે ટૂંક જ સમયમાં રૂપિયા ડબલ કરી આપતી ગેંગ પોતાના મૂળિયા ફેલાવે તે પહેલા જ પોલીસે 5 ઠગબાજોને જેલની હવા ખવડાવી છે. 

કેવી છે આ ગેંગની મોડસ ઓપરેન્ડી  
વલસાડ એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે એલસીબી પોલીસની ટીમે વલસાડના કપરાડા તાલુકાના નાનાપોંઢા નજીક વાપી નાસિક રોડ પર ત્રણ શંકાસ્પદ લોકોને ઝડપ્યા હતા. ફોર્ચ્યુનર જેવી વૈભવી લકઝુરિયસ ગાડી સાથે પોલીસના હાથે ઝડપાયેલા લોકોની પૂછપરછ કરાઈ હતી. જેમાં સામે આવ્યું કે, આ શખ્સો વલસાડના કપરાડા અને ધરમપુર જેવા આદિવાસી વિસ્તારોમાં ડ્રીમ 900 પ્લાન અને રેવન્યુ સ્ટ્રીમ પ્લાન નામની નાણાં રોકાણનું સ્કીમ ચલાવતા હતા. આ સ્કીમમાં આરોપીઓ લોકોને તેઓએ રોકેલા નાણાંનું અનેકગણું વળતર આપવાની લાલચ આપતા હતા. લોકોને આવી લોભામણી સ્કીમમાં રોકાણ કરાવીને અત્યાર સુધી લાખો રૂપિયાનું રોકાણ આ ઠગ ટોળકી કરાવી ચૂકી છે. જો કે પોલીસની પૂછપરછમાં તેઓ પાસે આવી સ્કીમ ચલાવવાનું કોઈ સત્તાવાર લાઈસન્સ કે દસ્તાવેજ કે પરવાનગી નહિ હોવાથી પોલીસે તમામની અટકાયત કરી હતી અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

ભાગ્યેશ પટેલ અને વિશાલ માસ્ટરમાઈન્ડ
વલસાડનો કપરાડા અને ધરમપુર તાલુકો અંતરિયાળ આદિવાસી વિસ્તાર છે. આ વિસ્તારના ભોળા આદિવાસી લોકોની અજ્ઞાનતાનો લાભ લઇ અને લેભાગુ તત્વો અનેક ગણું વળતર આપવાની લાલચ આપે છે. આથી આવી લાલચમાં આ વિસ્તારના અસંખ્ય પરિવારો પોતાના પરસેવાની મૂડીનું રોકાણ કરે છે. ત્યાર બાદ આવા ભેજાબાજો આ વિસ્તારના ગરીબ લોકો પાસેથી મોટી રકમનું રોકાણ થતા જ તેમની સાથે વિશ્વાસઘાત કરીને છેતરપિંડી કરતા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ત્રણ લોકોની પૂછપરછમાં નવસારીના ચીખલીના બે ઈસમો ભાગ્યેશ પટેલ અને વિશાલ આ સ્કીમના માસ્ટરમાઈન્ડ છે તેવું વાપીના ડીવાયએસપી વીએમ જાડેજાએ જણાવ્યું. 

આરોપીઓ ફોર્ચ્યુનર-સ્કોર્પિયો ગાડીને લઈને ફરતા
આ આરોપીઓએ અત્યાર સુધી કેટલા લોકોની પાસેથી કેટલી રકમનું રોકાણ કરાવ્યું છે તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. અત્યારે પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ફોર્ચ્યુનર અને સ્કોર્પિયો જેવી વૈભવી ગાડી અને સાડા ત્રણ લાખથી વધુ રોકડ રકમ ઝડપી પાડી છે. અન્ય મુદ્દામાલ મળી 55.5 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ આરોપીઓની આગવી ઢબે પુછપરછ હાથ ધરી છે. આથી આગામી સમયમાં આરોપીઓની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થાય અને તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news