અહો આશ્ચર્યમ! સ્વામિનારાયણ મંદિરના સાધુ પાસેથી 1 કરોડથી વધુની નકલી ચલણી નોટો ઝડપાઈ...!

ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી રાહુલ પટેલે જણાવ્યું કે, અંબાવના સ્વામિનારાયણ મંદિરના રાધારમણસ્વામી સહિત પાંચની નકલી ચલણી નોટો છાપવાના કેસમાં ધરપકડ કરી છે. આ લોકો નકલી નોટોના સપ્લાય માટે પ્રસાદના બોક્સનો ઉપયોગ કરતા હતા.

Updated By: Nov 24, 2019, 06:55 PM IST
અહો આશ્ચર્યમ! સ્વામિનારાયણ મંદિરના સાધુ પાસેથી 1 કરોડથી વધુની નકલી ચલણી નોટો ઝડપાઈ...!

ખેડા: ખેડા જિલ્લાના ગળતેશ્વર પાસે આવેલા અંબાવ સુખીની મુવાડી ગામમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં સુરત સિટી ક્રાઈમ બ્રાન્ચે રેડ પાડીને નકલી નોટો છાપવાનું કૌભાંડ પકડી પાડ્યું છે. સુરત પોલીસે આ બાબતે સ્વામિનારાયણ મંદિરના સંચાલક રાધા રમણસ્વામીની નોટો છાપવાના મશિન સાથે ધરપકડ કરી છે. સુરત પોલીસ સાધુને સુરત લઈ ગઈ છે. સાધુની સાથે જ સુરત ક્રાઈમ બ્રાન્ચે પ્રતીક દિલીપ ચોડવાડીયા, કાળુ ચોપરા, મોહન માધવ વાધુરડે અને પ્રવિણ જેરામ ચોપરાની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસને રૂ.2000ના દરની કુલ 5013 નકલી ચલણી નોટો મળી આવી છે. જેની કિંમત 1 કરોડ 26 હજાર રૂપિયા જેટલી છે.

આશ્રમના પરિસરમાં છાપતા હતા નકલી નોટ
ગળતેશ્વર નજીક અંબાવમાં બની રહેલા સ્વામિનારાયણ મંદિરના આશ્રમના પરિસરમાં આવેલા એક રૂમમાં સાધુ અને તેમના મળતિયા નકલી નોટો છાપતા હતા. પોલીસને આશ્રમના આ રૂમમાંથી રૂ.2000ની કિમંતની 2500 નકલી નોટો મળી છે. જેની કિંમત રૂ.50 લાખ છે.

સપ્લાય માટે પ્રસાદના બોક્સનો ઉપયોગ
ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી રાહુલ પટેલે જણાવ્યું કે, અંબાવના સ્વામિનારાયણ મંદિરના રાધારમણસ્વામી સહિત પાંચની નકલી ચલણી નોટો છાપવાના કેસમાં ધરપકડ કરી છે. આ લોકો નકલી નોટોના સપ્લાય માટે પ્રસાદના બોક્સનો ઉપયોગ કરતા હતા. 

કેવી રીતે પકડાયું સમગ્ર કૌભાંડ
સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગઈ રાત્રે એક યુવકની નકલી નોટો સાથે ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછમાં અન્યના નામો સામે આવ્યા હતા. જેમાં ખેડા જિલ્લા અંબાવ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરના રાધારમણસ્વામીનું નામ સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસે એ યુવકો પાસેથી માહિતી મેળવીને ખેડાના અંબાવમાં રેડ પાડીને સમગ્ર કૌભાંડ ઝડપી પાડ્યું હતું. પ્રાથમિક પુછપરછમાં આરોપી સ્વામીએ આ કૌભાંડમાં અન્ય લોકો પણ સંડોવાયેલા હોવાનું જણાવ્યું છે.  

કોની પાસેથી કેટલી નોટો મળી 
સુરત ક્રાઈમ બ્રાન્ચ ડીસીપીએ પકડાયેલી વ્યક્તિઓ પાસેથી કેટલી કિંમતની નોટો મળી આવી છે તેની વિગતો પણ આપી છે. 

  • પ્રતીક દિલીપ ચોડવાડીયાઃ રૂ. 4.06 લાખની કિંમતની 2 હજારના દરની 203 નકલી નોટ. સરથાણામાંથી પકડાયો. 
  • કાળુ ચોપરાઃ  રૂ. 15 લાખની કિંમતની 2 હજારના દરની 750 નકલી નોટ
  • મોહન માધવ વાધુરડેઃ રૂ.12 લાખની કિંમતની 2 હજારના દરની 600 નકલી નોટ
  • પ્રવિણ જેરામ ચોપરાઃ  રૂ. 19 લાખ 20 હજારની કિંમતની 2 હજારના દરની 960 નકલી નોટ
  • રાધારમણ સ્વામીઃ રૂ. 50 લાખની કિંમતની 2 હજારના દરની 2500 નકલી નોટ

હાલ તો પોલીસ આ સમગ્ર કૌભાંડમાં કેટલા લોકો સંડોવાયેલા છે અને તેના તાર ક્યાં સુધી પહોંચેલા છે તેની વિગતો મેળવી રહી છે. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....