આત્મનિર્ભર ગુજરાતઃ નાના વેપારીઓ, કારીગરો તથા શ્રમિકોને મળશે 1થી 2.50 લાખ સુધીનું ધિરાણ, સરકારની જાહેરાત

મહિલાઓને સ્વરોજગારી માટે પ્રોત્સાહન આપવા મહિલા ઉત્કર્ષ જૂથને ઝીરો ટકા દરે લોન મળી રહે તે માટે વ્યાજ સહાય આપવા રૂ.૨૦૦ કરોડની ફાળવણી કરવામાં આવશે.  

Updated By: Jun 4, 2020, 10:28 PM IST
 આત્મનિર્ભર ગુજરાતઃ નાના વેપારીઓ, કારીગરો તથા શ્રમિકોને મળશે 1થી 2.50 લાખ સુધીનું ધિરાણ, સરકારની જાહેરાત

ગાંધીનગરઃ રાજ્ય સરકારે આત્મનિર્ભર રાહત પેકેજની જાહેરાત કરીને બધા વર્ગને રાહત આપવાનું કામ કર્યું છે. રૂપાણી સરકારની આ જાહેરાતમાં તમામ વર્ગના લોકોને આવરી લેવામાં આવ્યા છે. સરકાર આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-ર હેઠળ નાના વેપારીઓ, મધ્યમ વર્ગની વ્યક્તિ, કારીગરો અને શ્રમિકોને 1 લાખથી લઈને અઢી લાખ રૂપિયા સુધિનું ધિરાણ આપશે. તો સરકારે શ્રમિક કલ્યાણ માટે 466 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. 

સ્વરોજગાર (રૂ. ૫૨૫ કરોડ)        
આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-ર હેઠળ નાના વેપારીઓ, મધ્યમ વર્ગની વ્યક્તિઓ, કારીગરો તથા શ્રમિકોને રૂપિયા ૧ લાખથી વધુ અને મહત્તમ રૂપિયા ૨.૫૦ લાખની મર્યાદામાં સહકારી બેંકો તથા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી મારફત ધિરાણ પ્રાપ્ત થશે. રાજ્ય સરકાર દ્વારા વાર્ષિક ૪ ટકા વ્યાજ સહાય આપવામાં આવશે, જ્યારે બાકીના ૪ ટકા વ્યાજ લાભાર્થીએ ચૂકવવાનું રહેશે. 
        
આ ધિરાણ લાભાર્થીઓને ત્રણ વર્ષની મુદત માટે આપવામાં આવશે, જે પૈકી પ્રથમ છ માસ નો સમયગાળો મોરેટોરીયમ પિરિયડ ગણાશે. આથી લાભાર્થીને ૬ માસ દરમિયાન કોઈ હપ્તો ભરવાનો રહેશે નહીં. ત્યારબાદ લાભાર્થી દ્વારા ધિરાણની રકમ ૪ ટકાના વ્યાજ સહિત ૩૦  સરખા માસિક હપ્તામાં પરત ચૂકવવાની રહેશે. આ માટે રુા. ૩૦૦ કરોડ ફાળવવામાં આવશે. 
        
મહિલાઓને સ્વરોજગારી માટે પ્રોત્સાહન આપવા મહિલા ઉત્કર્ષ જૂથને ઝીરો ટકા દરે લોન મળી રહે તે માટે વ્યાજ સહાય આપવા રૂ.૨૦૦ કરોડની ફાળવણી કરવામાં આવશે.
        
૩૨ હજારથી વધુ લાભાર્થીઓને સ્વરોજગાર મળે તે હેતુથી માનવ ગરિમા યોજનાની કીટનું વિતરણ કરવામાં આવશે જેનો અંદાજિત ખર્ચ રૂા.૨૫ કરોડ થશે. 

આત્મનિર્ભર ગુજરાતઃ પ્રોપર્ટી ટેક્ષ, વીજ બીલ અને વાહન કરમાં માફી સહિત અનેક રાહતો, જાણો તમને શું મળ્યું

શ્રમિક કલ્યાણ (રૂ. ૪૬૬ કરોડ)    
આદિવાસી ખેતમજૂરો કે આદિવાસી બાંધકામ શ્રમિકો પોતાના વતનમાંથી અન્ય જીલ્લામાં રોજગારી મેળવવા માટે જાય છે. જે આદિવાસી શ્રમિકોને પોતાનું આવાસ નથી તેવા શ્રમિકોને વતનમાં પાકુ ઘર બનાવવા માટે લાભાર્થીદીઠ રૂ. ૩૫૦૦૦ સબસીડી આપવામાં આવશે. ૧ લાખ લાભાર્થીઓ માટે  રૂ. ૩૫૦ કરોડની ફાળવણી કરવામાં આવશે. 
        
લારીવાળાનાના વ્યવસાયકારોને ગરમી, ઠંડી અને વરસાદથી રક્ષણ આપવા માટે તથા તેમની લારીઓમાં રાખવામાં આવતાં ફળફળાદી, શાકભાજી બગડી ન જાય તે માટે મોટી સાઇઝની છત્રીઓ આપવા માટે રૂ.૧૦ કરોડની ફાળવણી કરવામાં આવશે. 
        
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના અંદાજે ૧,૨૦,૦૦૦ બાંધકામ શ્રમિકોને શ્રમિકોને કડિયા નાકા તેમજ કામના સ્થળે સિટી બસ મારફતે આવવા-જવા માટે મુસાફરી ખર્ચમાં સહાય આપવા રૂ.૫૦ કરોડની ફાળવણી કરવામાં આવશે.
ધન્વન્તરી આરોગ્ય રથ યોજના અંતગર્ત બાંધકામ શ્રમિકોને આરોગ્ય વિષયક સુવિધાઓ માટે વધુ ૨૦ આરોગ્ય રથની સુવિધા પુરી પાડવા રૂ.૨૫ કરોડની ફાળવણી કરવામાં આવશે. 
        
બાંધકામ શ્રમિકોના પત્ની તેમજ મહિલા બાંધકામ શ્રમિકોને બે બાળકો સુધી પ્રસૃતિ સહાય પેટે કુલ રૂ.૨૭,૫૦૦ આપવા માટે રૂ.૬ કરોડની ફાળવણી કરવામાં આવશે.
        
રાજ્યમાં મોટાપ્રમાણમાં અન્ય રાજ્યોમાંથી શ્રમિકો રોજગારી અર્થે આવે છે. બે માસના લોકડાઉનના કારણે આ પ્રવાસી શ્રમિકોને તેમના વતનમાં પરત મોકલવા માટે રૂ. ૨૫ કરોડ ફાળવવામાં આવ્યા છે. 

આત્મનિર્ભર ગુજરાતઃ ઉદ્યોગો અને ખેડૂતો માટે સરકારે ખોલ્યો ખજાનો, કરી સબસીડી અને રાહતની જાહેરાત

અન્ય રાહતો (રૂ. ૫,૦૪૪.૬૭ કરોડ)        
કોરના વાઇરસની અસામાન્ય પરીસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા પ્રજા હિતને પ્રાધ્યાન્ય આપીને તબક્કાવાર રાહતના સંખ્યાબંધ પગલાઓ જાહેર કરવામાં આવ્યા છે. તે અંતર્ગત ગરીબ કુટુંબોને મફત અનાજ, ગરીબ કુટુંબોના બેંક ખાતામાં ડી.બી.ટી.થી રૂપિયા ૧૦૦૦ નું ચુકવણું, વૃધ્ધ સહાય પેન્શન, દિવ્યાંગ પેન્શન, વિધવા સહાય પેન્શનનું  આગોતરું ચુકવણુ વગેરે અનેકવિધ રાહતોનો સમાવેશ થાય છે. આ રાહતો માટે રૂ.૪૩૭૪.૬૭ કરોડની ફાળવણી કરવામાં આવી છે. 
        
પ્રોટીનયુકત આહાર મળી રહે તે માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ લાભાર્થીદીઠ વાર્ષિક ૧૨ કિલોગ્રામ તુવેરદાળનું રાહત દરે વિતરણ કરવા માટે રૂ.૩૦૦ કરોડની ફાળવણી કરવામાં આવશે.
        
કોવિડ-૧૯ પરિસ્થિતિનો સામનો કરવા માટે મુખ્ય મંત્રી રાહત નિધીમાંથી આરોગ્ય વિભાગને રુા. ૧૦૦ કરોડ ફાળવવામાં આવશે. 
    
તેમજ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, મહાનગર પાલીકાઓને અનુક્રમે રુા. ૫૦ કરોડ, રુા. ૧૫ કરોડ રુા. ૧૦ કરોડ અને રુા. ૧૦ કરોડ ફાળવવામાં આવશે. જ્યારે ભાવનગર, જામનગર અને ગાંધીનગર મહાનગર પાલિકાને પ્રત્યેકને રુા. ૫ કરોડ ફાળવવામાં આવશે. 
        
કોવિડ-૧૯ પરિસ્થિતિને કારણે રાજ્યની જાહેર પરિવહન સેવાને પણ ગંભીર આર્થિક અસર થઇ છે. લોકડાઉનના નિયંત્રણો પછી સોશીયલ ડિસ્ટન્સીંગના નિયમોનુ પાલન કરી જાહેર સેવા આપવાની થાય છે જેના કારણે એસ.ટી.ને સહાય સ્વરુપે રૂ.૧૨૦ કરોડ ફાળવવામા આવશે.
        
મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના સિરામિક ટાઇલ્સ ઉદ્યોગમાં મુખ્યત્વે પ્રાકૃતિક ગેસનો ઉપયોગ થાય છે. ગેસના દરોમાં જૂન માસ માટે રાહત આપવામાં આવશે. જેથી હજારોની સંખ્યામાં રોજગારી આપતા આ એકમો ધમધમતા બનશે. આ માટે રૂ. ૩૦ કરોડ ફાળવવામાં આવશે.
        
અલંગ શીપ યોર્ડમાં વાર્ષિક લીઝ રકમમાં ચાલુ વર્ષ માટે ૩૦ ટકાની માફી આપવામાં આવશે. જેનાથી રૂ. ૨૦ કરોડનો લાભ મળશે. 
        
આમ, મુખ્યમંત્રી  એ જાહેર કરેલું આ પેકેજ કોરોના વાયરસ કોવિડ-૧૯ મહામારીથી ઉદ્દભવેલી પ્રતિકૂળ સ્થિતીમાંથી સમાજજીવનને બહાર લાવી આર્થિક પરિસ્થિતીમાં સુધાર સાથે રાજ્યના જનજીવનને અને અર્થતંત્રને પૂન: વેગવંતુ બનાવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર