કોરોનાથી પણ ખતરનાક મ્યુકોરમાઈકોસિસ માટે રાજકોટમાં અલગ વોર્ડ બનાવાયો

કોરોનાથી પણ ખતરનાક મ્યુકોરમાઈકોસિસ માટે રાજકોટમાં અલગ વોર્ડ બનાવાયો
  • રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મનોચિકિત્સક વોર્ડમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ માટે 30 બેડની સુવિધા ઉભી કરાઈ
  • કોરોનાથી સાજા થયેલા 250 દર્દીઓ પર હાલ નજર રાખવામાં આવી રહી છે

ગૌરવ દવે/રાજકોટ :કોરોનાથી બચી ગયા, તો પણ મ્યુકોરમાઈકોસિસ તમને નહિ છોડે. આ બીમારી કોરોના કરતા પણ ખતરનાક સાબિત થઈ રહી છે. તેમાં ધીરે ધીરે હવે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. શહેરોમાં હવે મ્યુકોરમાઈકોસિસનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે રાજકોટ (rajkot) ના તંત્રએ આ માટે પાણી પહેલા પાળ બાંધી દીધી છે. રાજકોટ સિવિલમાં કોરોનાથી પણ ખતરનાક મ્યુકોરમાઈકોસિસ (mucormycosis) માટે આજથી અલગ વોર્ડ બનાવવામાં આવ્યો છે. 

30 બેડનો મ્યુકોરમાઈકોસિસ વોર્ડ ઉભો કરાયો 
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મનોચિકિત્સક વોર્ડમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ માટે 30 બેડની સુવિધા ઉભી કરાઈ છે. કોરોનાથી સાજા થયેલા 250 દર્દીઓ પર હાલ નજર રાખવામાં આવી રહી છે, જેથી તેઓ આ ગંભીર બીમારીનો શિકાર ન બને. સિવિલમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના દર્દીઓના સાજા થયા બાદ આ ગંભીર બીમારી જોવા મળી રહી છે. તેના કેસ પણ વધી રહ્યાં છે. તેથી રાજકોટનું તંત્ર સતર્ક બન્યું છે.

મ્યુકોરમાઈકોસિસની સારવાર માટેની ઈન્જેક્શનની અછત
તો બીજી તરફ, રેમડેસિવિર બાદ હવે મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શનની પણ માર્કેટમાં અછત જોવા મળી છે. રાજકોટમાં મ્યુકોરમાઈકોસિસના ઇન્જેક્શનની અછત સામે આવી છે. સતત કેસ વધવાથી આ બીમારીમાં ઉપયોગી એવા એમફોમોલ ઇન્જેક્શન (amphomul injection) ની અછત સર્જાઈ છે. તેનુ ઈન્જેક્શન 1700 રૂપિયાનું આવે છે. 

રાજકોટમાંથી રાહતના સમાચાર 
રાજકોટમાં કોરોનાને લઈને રાહતના સમાચાર આવ્યા છે રાજકોટમાં 20 દિવસમાં 12254 લોકોએ કોરોનાને મહાત આપી છે. સાથે જ ટેસ્ટ અને ઓપીડીમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે. મનપાની 104 સેવામાં પહેલા 1200 કોલ આવતા હતા, તે ઘટી 210 થઈ ગયા છે. 104માં ટેસ્ટિંગ પહેલા 910 થતા હતા, જે હવે ઘટીને 197 થઈ ગયા છે. 20 દિવસમાં 12254 દર્દીઓ સાજા થયા છે, જ્યારે કે નવા 8521 દાખલ થયા છે. કોરોનાથી સાજા થતા દર્દીઓનો ડિસ્ચાર્જ રેશિયો વધ્યો છે. 

કોરોના બાદ મ્યુકોરમાઇકોસીસ બીમારીના શિકાર
કોરોનાથી સાજા થયા બાદ કેટલાક લોકો મ્યુકોરમાઇકોસીસ બીમારીના શિકાર થઈ રહ્યા છે. આ બીમારીના લક્ષણોમાં દર્દીને શરદી, થોડા સમય પછી નાક બંધ થવું, રસી પડવી તેમજ અઠવાડિયા બાદ નાકમાં ગાંઠ થવાનો અહેસાસ થાય છે. દર્દી ઈલાજ માટે આવે ત્યારે નાકમાં ગાંઠ જોવા મળે છે, જેનો સિટી સ્કેન કરવું પડે છે. રિપોર્ટની મદદથી જ આ બીમારીના ફેલાવા અંગેની જાણકારી મળે છે. મ્યુકોરમાઇકોસીસ બીમારી દર્દીના અંગોમાં કેન્સર કરતા પણ ઝડપી પ્રસરે છે. 

મ્યૂકોરમાઈકોસીસના લક્ષણો 

  • આ બીમારીમાં એક પ્રકારનું ફંગસ જોવા મળે છે જે નાકમાં રહેલા હાડકાને કોતરી ખાય છે
  • નાક અને આંખ વચ્ચે પણ એક નાનું હાડકું હોય છે, જેને કોતરી ખાય છે
  • નાક અને મગજ વચ્ચે હાડકું હોય છે, જે ખવાઈ જાય છે
  • આ બીમારીની સીધી અસર દર્દીની આંખ અને મગજ પર થતી જોવા મળે છે

મગજ સુધી ફેલાય છે મ્યૂકોરમાઈકોસીસ 
ખાલી શરદી થયા બાદ આ પ્રકારે સમસ્યા ઉભી થતી હોવાથી દર્દીઓ એડવાન્સ સ્ટેજમાં સારવાર માટે આવે છે. અત્યાર સુધી સિવિલમાં સારવાર માટે આવેલા દર્દીઓમાંથી 43 ટકા એટલે 19 દર્દીઓને આંખમાં દેખવાનું બંધ થયાનું સામે આવ્યું છે, તો કેટલાક દર્દીઓને અંધાપો પણ આવ્યો છે. મ્યુકોરમાઇકોસીસનો ફેલાવો એક દર્દીના મગજમાં થયાનો પણ કિસ્સો સામે આવ્યો છે. વિદેશમાં મ્યુકોરમાઇકોસીસ બીમારીને કારણે મૃત્યુદર 50 ટકા જેટલો જોવા મળ્યો છે, જે હાલ સિવિલમાં 20 ટકા જેટલો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news