અમદાવાદમાં પોલીસ પર પથ્થરમારો, પીઆઇ સહિત અનેક કર્મીઓને ઇજા

શહેરમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ કપરી બની છે. કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોર્પોરેશન, પોલીસ અને આરોગ્ય વિભાગ એકસાથે મળીને કોરોનાને નાથવા માટેની કામગીરી કરી રહ્યું છે.

Updated By: Apr 22, 2020, 07:35 PM IST
અમદાવાદમાં પોલીસ પર પથ્થરમારો, પીઆઇ સહિત અનેક કર્મીઓને ઇજા
અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયા

ઉદય રંજન, અમદાવાદ : આજે સરદારનગરમાં આવેલ નેહરુનગરમાં સ્થાનિકો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવાની ઘટના બની છે. હકીકતમાં પોલીસને અહીં બાવરી સમાજના લોકોનું ટોળું ભેગું થયો હોવાનો મેસેજ મળ્યો હતો. આ મેસેજને પગલે પોલીસ પહોંચી હતી અને તેમની પર લોકોએ પથ્થરમારો કર્યો હતો. જોકે આ સ્થિતિ પર પોલીસે નિયંત્રણ મેળવ્યું હતું. આ ઘટનામાં પીઆઇ હેમંત પટેલને સામાન્ય ઇજાઓ થઈ હતી. આ સિવાય બીજા અનેક પોલીસકર્મીઓને ઇજા પહોંચી છે.  સરદારનગર પોલીસે રાયોટિંગ તથા જાહેરનામા ભંગનો ગુનો નોંધીને પોલીસે 3 મહિલા સહિત 16 લોકોની કરી અટકાયત કરી છે. આ બનાવની જાણ તથા ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.  

શહેરમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ કપરી બની છે. કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોર્પોરેશન, પોલીસ અને આરોગ્ય વિભાગ એકસાથે મળીને કોરોનાને નાથવા માટેની કામગીરી કરી રહ્યું છે. તેવામાં પોલીસ અને મેડિકલ ટીમ પર હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. સોમવારે શહેરના બહેરામપુરા વિસ્તારમાં પણ પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. 

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. મંગળવારે સાંજથી બુધવારે સવાર સુધી ગુજરાતમાં કોરોના વાયરસના નવા 94 કેસ સામે આવ્યા છે. તો મૃત્યુઆંકમાં પાંચનો વધારો થયો છે. નવા 94 કેસની સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 2272 પર પહોંચી છે. તો પાંચ લોકોના મૃત્યુની સાથે કુલ મૃત્યુઆંક 95 પર પહોંચી ગયો છે. અમદાવાદમાં નવા 61 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોના પીડિતોની સંખ્યા 1434 પર પહોંચી છે. તો સુરતમાં કુલ કેસોની સંખ્યા 364, વડોદરામાં 207 અને રાજકોટમાં 41 પર પહોંચી છે. આ સંજોગોમાં પોલીસ માટે કામ કરવાનું મુશ્કેલ થઈ રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube