ધોરણ-10માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ સ્કૂલમાં લઈ શકશે પુનઃપ્રવેશ, શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય

ગુજરાત શિક્ષણ બોર્ડે નિયમમાં ખુબ મોટો ફેરફાર કર્યો છે. હવે ધોરણ 10માં જે વિદ્યાર્થી નાપાસ થયો હશે તે પુનઃ સ્કૂલમાં પ્રવેશ લઈ શકશે. પરંતુ આ વિદ્યાર્થીએ પરીક્ષા રિપીટર તરીકે આપવાની રહેશે. 
 

ધોરણ-10માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ સ્કૂલમાં લઈ શકશે પુનઃપ્રવેશ, શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય

અતુલ તિવારી, અમદાવાદઃ ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધી ધોરણ 10માં નાપાસ થનાર વિદ્યાર્થીઓ સ્કૂલમાં પ્રવેશ મેળવી શક્તા નહીં અને તે ક્લાસિસ કે જાતે તૈયારી કરીને નાપાસ થયેલા વિષયોની પરીક્ષા આપતા હતા. પરંતુ હવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ 1974માં ફેરફાર કરાયો છે. હવે ધોરણ 10માં નાપાસ થનાર વિદ્યાર્થીઓ એક વર્ષ માટે નિયમિત વિદ્યાર્થી તરીકે પુનઃ પ્રવેશ મેળવી શકશે. 

ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર
ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં નાપાસ થયા બાદ વિદ્યાર્થી એક વર્ષ માટે નિયમિત વિદ્યાર્થી તરીકે પુનઃ પ્રવેશ મેળવી શકશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ 1974માં ફેરફાર કરાયો. વિદ્યાર્થીએ ધોરણ 10ની જે શાળામાંથી નિયમિત વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપી હશે તે જ શાળામાંથી પુનઃ પ્રવેશ મેળવવાનો રહેશે. અન્ય કોઈપણ શાળામાં વિદ્યાર્થી પુનઃ પ્રવેશ મેળવી શકશે નહીં

રિપીટર વિદ્યાર્થી તરીકે આપવી પડશે પરીક્ષા
વિદ્યાર્થી જે વર્ષમાં નાપાસ થયો હોય તે પછીના તરત જ એક શૈક્ષણિક વર્ષ પૂરતું જિલ્લા શિક્ષણાધિકારીની પૂર્વ પરવાનગી મેળવીને શાળામાં નિયમિત વિદ્યાર્થી તરીકે પુન: પ્રવેશ આપી શકાશે. પુનઃ પ્રવેશ આપેલ વિદ્યાર્થી માટે ગ્રાન્ટ તેમજ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી માટે વિદ્યાર્થી સંખ્યા ગણતરીમાં લેવાશે નહીં. પુનઃ પ્રવેશ આપેલા વિદ્યાર્થીઓના ધોરણ 10ની જાહેર પરીક્ષાના આવેદન પત્ર રિપીટર વિદ્યાર્થી તરીકે જ ભરવાના રહેશે.

અગાઉ નિયમમાં બદલાવ કરીને શિક્ષણ વિભાગે ધોરણ 10માં નાપાસ વિદ્યાર્થી ફરી સ્કૂલમાં પ્રવેશ ના લઈ શકે તેવો નિર્ણય કર્યો હતો, જેમાં શાળા સંચાલક મહામંડળની રજૂઆત બાદ નિર્ણયમાં ફેરફાર કરાયો.

જોકે ઉપરોક્ત પરિપત્ર બાદ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા નારાજગી દર્શાવવામાં આવી છે. વિદ્યાર્થીને નિયમિત તરીકે એક વર્ષ પૂરતો અભ્યાસ કરાવવા છતાં પણ ફોર્મ રિપીટર તરીકે ભરવા અંગે નારાજગી દર્શાવી છે. આ સિવાય પુન: પ્રવેશ આપેલ વિદ્યાર્થીને ગ્રાન્ટ તેમજ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી માટે વિદ્યાર્થી સંખ્યા ગણતરીમાં લેવાશે નહીં આ નિર્ણયને ગ્રાન્ટેડ શાળાઓ મરી પરવડે તેવો આશય દર્શાવતું હોવાનો શાળા સંચાલક મહામંડળનો અભિપ્રાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news