સંઘર્ષનું બીજું નામ આનંદ બહેન : ગુજરાતના સાધારણ ખેડૂત પરિવારની દીકરીએ ગર્વ લેવા જેવું કામ કર્યું

Success Story : ગુજરાતના સાધારણ પરિવારમાંથી આવતી દીકરીએ ક્લાસ-1 અધિકારી બનવાના સપના જોયા, અને તેના માટે પ્રણ લીધું કે, જ્યાં સુધી ક્લાસ વન અધિકારી ન બની જાઉં, ત્યાં સુધી પગમાં ચપ્પલ નહીં પહેરું
 

સંઘર્ષનું બીજું નામ આનંદ બહેન : ગુજરાતના સાધારણ ખેડૂત પરિવારની દીકરીએ ગર્વ લેવા જેવું કામ કર્યું

Today's Positive Story : એક અડગ મનની સ્ત્રી ધારે તો શું ન કરી શકે તેનું જીવતુ જાગતુ ઉદાહરણ છે ગઢડાના આનંદ બહેન. એક સાધારણ પરિવારની આ અસાધારણ દીકરીએ મહેનત કરીને કડવા ઘૂંટ પણ ભર્યા. પરંતુ નક્કી કર્યુ હતું કે એક દિવસ ક્લાસ વન અધિકારી બનીને જંપીશ. જ્યાં સુધી ક્લાસ વન અધિકારી ન બની જાઉં, ત્યાં સુધી પગમાં ચપ્પલ નહીં પહેરું. આ નિશ્ચય સાથે તેઓએ ક્લાસ વન અધિકારી બનવાનું સપનુ સાકાર કર્યું. અહી સુધી પહોંચવા માટે તેમના માર્ગમા અનેક પથરા આવ્યા, પણ એ બધા પાર કરીને તેઓએ અધિકારીની ખુરશી મેળવી. ચાલો જાણીએ તેમની સફળતા અને સંઘર્ષ વિશે. 

ગઢડા ગામમાં એક સાધારણ ખેડૂત પરિવારમાં જન્મેલી દીકરીનો ખિલખિલાવતો ચહેરો જોઈને માતાપિતાએ તેનું નામ આનંદ રાખ્યું. આનંદથી ત્રણ મોટા બહેનો અને એક ભાઈ. આમ પાંચ સંતાનોને ઉછેરવાં અને ભણાવવા એક સાવ સાધારણ ખેડૂત પિતા માટે કપરું કામ તો હતું જ..! છતાં સતધર્મી આ દંપતી તાણીતૂસીને ઘરનું ગાડું ગબડાવ્યે જતાં હતાં. જેમ તેમ કરીને આ દંપતીએ બે દીકરીઓને સાસરે વળાવી... પણ ત્યાં જ આ કુટુંબ ઉપર વજ્રઘાત થયો. પરિવારે ઘરના મોભીની છત્રછાયા ગુમાવી. દીકરી આનંદે દશમું પાસ કર્યું ત્યાં જ પિતા લાંબા ગામતરે ચાલી નિકળ્યા.

એક તો પહેલેથી આર્થિક પરિસ્થિતિ નબળી હતી અને એમાંય પડ્યા પર પાટુ. માતા તો બિચારી સામાન્ય ગૃહિણી. તે સોળ વર્ષની કુમળી વયે ઘરની જવાબદારી દીકરી આનંદ ઉપર આવી પડી. અગિયારમાં ધોરણમાં અભ્યાસ ચાલુ હતો ત્યારે જ આ દીકરીએ સાઈડમાં ટ્યુશન કરી ઘરમાં મદદરૂપ બનવાની જવાબદારી નિભાવી. સાથે સાથે ઝૂંપડપટ્ટીના બાળકોને મફત ભણાવીને પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ પણ બખૂબી નિભાવ્યું. પણ સાથે સાથે પોતાના ભણવામાં પણ ધ્યાન આપ્યું. જેથી SSC માં 56% જેવું સામાન્ય પરિણામ લાવનારી આનંદ HSC માં 68% જેવું ઉજ્જ્વળ પરિણામ લઈ આવી. પછી તો તેણીએ બોટાદની સાકરિયા કોલેજમાં હોમસાયન્સમાં ગ્રેજ્યુએશન પણ પુરું કર્યું. 

હવે જ ખરી કસોટી શરૂ થઈ. એક બાજુ આ દીકરીએ ઘરમાં આર્થિક રીતે મદદરૂપ બનવાનું હતું તો બીજીબાજુ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી નોકરી મળે તે માટે નક્કર પ્રયત્નો પણ કરવાના હતાં. ઉપરાંત MSW નો અભ્યાસ પણ ચાલું હતો. આર્થિક રીતે પરિવાર ભીડમાં હોય કમાવું પણ જરૂરી હતું એટલે આનંદબહેને એક NGO માં નોકરી શરૂ કરી. દરમિયાન આ દીકરીએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની, એમાંય ખાસ કરીને GPSC ની તૈયારી ચાલું જ રાખી હતી. પુસ્તકો વસાવવા તો પોસાય તેમ નહોતા, તેથી જાહેર પુસ્તકાલયનો ઉપયોગ કર્યો. જે પણ વિભાગની જાહેરાત આવે તે પરીક્ષાનો આખો અભ્યાસક્રમ તૈયાર કરી નાખવો એવું નક્કી હતું. 

નોકરી દરમિયાન તેમણે નક્કી કર્યું કે, નોકરી તો ક્લાસ વન અધિકારી તરીકે જ કરવી છે. જેથી કોઈ ઉપલા અધિકારીની નબળી માનસિકતા અને શોષણનો ભોગ ન બનવું પડે. તૈયારી તો જબરદસ્ત હતી જ. સાથે પોતાના ધ્યેયથી ચલિત કે વિચલિત ન થવાય તે માટે ' જ્યાં સુધી GPSC ક્લાસ વન ક્લિયર ન કરું ત્યાં સુધી પગમાં ચપ્પલ નહીં પહેરું.'  એવી આકરી પ્રતિજ્ઞા પણ લીધી. આવી કઠોર પ્રતિજ્ઞા કોઈ ધાર્મિક અંધશ્રદ્ધા એટલેકે બાધા-આખડી માટે નહીં, પરંતુ એટલાં માટે લીધી કે જ્યારે જ્યારે તે ઉધાડા પગે ચાલે ત્યારે પગમાં કાંકરા કે કાંટા લાગે અને પીડા થાય તો એ પીડા તેને સતત યાદ અપાવે કે' મારે મારા ધ્યેયને સતત વળગી રહેવાનું છે, ચલિત થવાનું નથી.'

અને આનંદબહેનની કઠોર મહેનત રંગ લાવી. પારાવાર પરિશ્રમ પરિણામલક્ષી સાબિત થયો. આનંદબહેને Gpsb ના આઠેક વિભાગની પરીક્ષા એકસાથે પાસ કરી. કહેવાય છે ને કે સાચા દિલથી નિ:સ્વાર્થ ભાવે કરેલું કોઈ કાર્ય નિષ્ફળ નથી જતું. 2012થી NGO માં કામ કરતા આનંદબહેનને એ અનુભવ GPSC માં કામ આવ્યો અને ક્લાસ વન અધિકારી બનવાનું તેમનું સપનું સાકાર થયું.

Gpsc થયેલા આનંદબહેન પાસે મહિલા અને બાળ કલ્યાણ જેવા અનેક વિકલ્પો હતાં. પણ તેમણે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ સંદર્ભે અનુસૂચિત જાતિ વિકાસ ક્ષેત્રે કામ કરવાનું પહેલાંથી જ નક્કી કર્યું હતું. કારણ કે સંવેદનશીલ સ્વભાવના આનંદબહેન જાણતાં હતાં કે અનુસૂચિત જાતિના લોકો સદીઓથી અસ્પૃશ્યતા રૂપી અમાનવીય અત્યાચાર અને અવમાનના ભોગ બનતા આવ્યા છે. તેમને સ્વમાનભેર જીવન જીવવા મળે તે માટે અને આ વર્ગને આર્થિક તથા શૈક્ષણિક રીતે સમૃદ્ધ કરવા સરકાર દ્વારા જે કાંઈ પ્રયત્નો થઈ રહ્યા છે તે યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું કામ એ સૌથી અગત્યનું કામ છે. અને એ રીતે પણ આપણા વડવાઓએ કરેલી ભૂલોનું પ્રાયશ્ચિત કરી શકાય. આવા ઉમદા હેતુથી આનંદબહેને અનુ. જાતિ વિકાસ વિભાગ પસંદ કર્યો. કારણ કે તેમણે ખાલી નોકરી કરવાને બદલે સમાજમાં બદલાવ માટે કશુંક નક્કર કામ કરવા વિચાર્યું હતું.

તેમનું પ્રથમ પોસ્ટિંગ ગીર-સોમનાથ ખાતે થયું. જ્યાં બે વર્ષનો પ્રોબેસન ગાળો વિતાવ્યા બાદ તેઓની બદલી રાજકોટ ખાતે જિલ્લા પછાત વર્ગ કલ્યાણ અધિકારીની કચેરી, રાજકોટ ખાતે નાયબ નિયામક વર્ગ-1 તરીકે  થઈ છે. હાલ તેઓ પોતાની ફરજ બહુ નિષ્ઠા અને પ્રામાણિકતાથી  બજાવી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news