Gujarat માં અંગદાનનો પ્રેરણાત્મક કિસ્સો: આદિવાસી સમાજમાંથી સૌ પ્રથમ અંગોનું દાન, 5ને જીવનદાન મળ્યું

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના "લવેટ" ગામના રહેવાસી અને આદિજાતિ પરિવારનો એકનો એક 30 વર્ષીય યુવાન નવનીત બાબુભાઈ ચૌધરી સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરતા હતા અને ગામમાં થોડી ઘણી ખેતીની જમીન હતી. આમ આખાએ પરિવારનું  ગુજરાન ચાલી રહ્યું હતું.

Gujarat માં અંગદાનનો પ્રેરણાત્મક કિસ્સો: આદિવાસી સમાજમાંથી સૌ પ્રથમ અંગોનું દાન, 5ને જીવનદાન મળ્યું

આ વાત જાણે એમ છે કે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના "લવેટ" ગામના રહેવાસી અને આદિજાતિ પરિવારનો એકનો એક 30 વર્ષીય યુવાન નવનીત બાબુભાઈ ચૌધરી સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરતા હતા અને ગામમાં થોડી ઘણી ખેતીની જમીન હતી. આમ આખાએ પરિવારનું  ગુજરાન ચાલી રહ્યું હતું. પણ બન્યું એવું કે ગત 29મે 2017ના રોજ નવનીતભાઈ સાંજના સમયે વાંકલથી લવેટ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે વાંકલ રેલ્વે ફાટકની પાસે બાઈક સ્લીપ થઇ જતા તેઓ નીચે પડી ગયા હતા અને માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયા હતા. 

આ ઘટનામાં આજુબાજુનાં લોકોએ 108 એમ્બ્યુલન્સ બોલાવી તેમને ઝંખવાવ રેફરલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાંના તબીબોએ  હાલત ગંભીર હોવાથી તેમને તાત્કાલિક સુરત લઇ જવાની સલાહ આપી. તેથી તેમને પી. પી. સવાણી હાર્ટ ઇન્સ્ટીટયુટ એન્ડ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલમાં ડૉ. જે. આર. ઠેસીયાની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યાં. નિદાન માટે CT સ્કેન કરાવતા મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું જાણવા મળ્યું હતું અને ક્રેનીયોટોમી કરીને લોહીનો ગઠ્ઠો કાઢવાનું કહેતા પરિવારજનોએ તેમને નવી સિવિલ હોસ્પિટલમાં સર્જરી વિભાગના HOD ડૉ. નિમેશ વર્માની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરી હતી. થોડા દિવસ બાદ નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ નવનીતભાઈને બ્રેનડેડ જાહેર કર્યા અને તેની જાણકારી પરિવાર અને ડોનેટ લાઈફ સંસ્થાને આપી હતી.

ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી નવનીતભાઈના પિતા બાબુભાઈ, બહેન રીટાબેન, ફોઈ વનિતાબેન, જિલ્લા પંચાયતના માજી પ્રમુખ હર્ષદભાઈ ચૌધરી, સરપંચ મનોજ જેઠાભાઈ વસાવાને ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજાવી ઓર્ગન ડોનેશનની પ્રક્રિયા સમજાવી હતી. નવનીતભાઈના પિતા બાબુભાઈ, બહેન રીટાબેન, ફોઈ વનિતાબેન, જીલ્લા પંચાયતના માજી પ્રમુખ હર્ષદભાઈ, ગામના સરપંચ મનોજભાઈએ જણાવ્યું કે અમારા સમાજમાં અંગદાન માટે હજુ જાગૃતિ નથી. અમે વારંવાર અહેવાલોમાં અંગદાન વિશેના સમાચારો વાંચતા હતા. આજે જ્યારે અમારું સ્વજન બ્રેનડેડ છે ત્યારે તેઓના અંગોનું દાન કરીને કોઈકના લાડકવાયાને નવું જીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો. તેઓએ સમાજના દરેક વર્ગના લોકોને જયારે પણ કોઈ વ્યક્તિ બ્રેનડેડ થાય ત્યારે અંગદાન કરવા અપીલ પણ કરી હતી.

પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નિલેશ માંડલેવાલાએ અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના ટ્રાન્સપ્લાન્ટ કૉ.ઓર્ડીનેટરનો સંપર્ક કરી કિડની અને લિવર, CIMS હોસ્પિટલના ટ્રાન્સપ્લાન્ટ કૉ.ઓર્ડીનેટરનો સંપર્ક કરી હૃદયનું દાન લેવા આવવા માટે જણાવ્યું હતું. 

દાનમાં મેળવવામાં આવેલી એક કિડની અમદાવાદના રહેવાસી તિલક શાહ ઉ. વ. 14 અને બીજી કિડની સુરતના રહેવાસી પુનીત જાલાન ઉ.વ. 31માં, જયારે લિવર મોરબીના રહેવાસી વાલાભાઈ દેવાભાઈ રાઠોડ ઉ.વ. 48માં ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) ખાતે કરવામાં આવ્યું હતું. સુરત નવી સિવિલ હોસ્પિટલથી અમદાવાદની CIMS હોસ્પિટલ સુધીનું 277 કિ. મી નું અંતર હવાઈ માર્ગે 80 મિનિટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી કલ્પેશ જયસુખભાઈ કાત્રોડિઆ ઉ. વ. 23માં સીમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. 

હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ Race Against Time કહેવાય છે. હ્રદયને સમયસર અમદાવાદ પહોંચાડવા માટે નવી સિવિલ હોસ્પીટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગ તથા અમદાવાદ એરપોર્ટથી CIMS હોસ્પિટલ સુધીના માર્ગને ગ્રીન કોરીડોર કરવા માટે સુરત શહેર પોલીસ કમિશ્નર અને અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરનો સહકાર સાંપડ્યો હતો. ચાર્ટર્ડ ફ્લાઈટની વ્યવસ્થા માટે ધારાસભ્ય અને હાલના ગૃહપ્રધાન હર્ષ સંઘવી તેમજ સુરત એરપોર્ટ પર નાઈટ ટેકઓફની સુવિધા ન હોવા છતાં રાત્રે 2.30 કલાકે ટેકઓફની પરવાનગી અપાવવા માટે સાંસદ અને ભાજપા પ્રમુખ સી. આર. પાટીલનો ભરપૂર  સહકાર સાંપડ્યો હતો. આદિજાતિ સમાજના યુવાન નવનીત બાબુભાઈ ચૌધરીના અંગદાન થી ગુજરાતમાં સૌ પ્રથમ વખત ઘટના બની હતી અને સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી પણ અંગદાનની શરૂઆત થઇ હતી.

સુરત શહેરની સિવિલ હોસ્પિટલમાંથી ઓર્ગન ડોનેશન મળે તે માટે સુરત શહેર પોલીસ કમિશ્નર સતીશ શર્મા પણ પ્રયત્નશીલ હતા અને તે માટે તેઓએ સિવિલ હોસ્પીટલના મેડીકલ સુપ્રિન્ટેન્ડેન્ટ અને સ્મીમેર હોસ્પીટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટને એક પરિપત્ર લખ્યો હતો. ઉલ્લેખનીય છે કે સુરતમાંથી મે 2017 સુધીમાં જે ઓર્ગન ડોનેશન થયા છે તે સુરતની જુદી જુદી પ્રાઇવેટ અને ટ્રસ્ટની હોસ્પિટલમાંથી થયા છે. સૌ પ્રથમ વખત જુન 2017માં સુરતની નવી સિવિલ સરકારી હોસ્પીટલમાંથી અંગદાન મળ્યું હતું.

અત્રે નોંધનીય છે કે સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી બીજી જુન 2017 સુધી બ્રેનડેડ વ્યક્તિઓના પરિવારજનો સાથે સમજણ કેળવી નીલેશ માંડલેવાલા અને ડોનેટ લાઈફની ટીમ દ્વારા 196 કિડની, 74 લીવર, 5 પેન્ક્રીઆસ, 11 હૃદય અને 174 ચક્ષુઓનો દાન મેળવીને 458 વ્યક્તિઓને નવું જીવન અને નવી રોશની બક્ષવામાં સફળતા મળી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news