Surat : કરોડોના લોન કૌભાંડથી રૂપિયા લૂંટનારા Yes Bank ના જ 2 સેલ્સ મેનેજર નીકળ્યા 

Surat : કરોડોના લોન કૌભાંડથી રૂપિયા લૂંટનારા Yes Bank ના જ 2 સેલ્સ મેનેજર નીકળ્યા 
  • દેશની જાણીતી અશોક લેલન અને ટાટા કંપની દ્વારા મેન્યુફેક્ચર જ કરવામાં ન આવેલા વાહનોને હયાત બતાવી તેના બોગસ દસ્તાવેજા અને વીમા પોલિસી બનાવી જુદી જુદી 53 લોન મંજુર કરાવી કુલ રૂપિયા 8.64 કરોડ મેળવ્યા

તેજશ મોદી/સુરત :સુરત શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચે જાણીતી યશ બેંકના બે મેનેજરોની ધરપકડ કરી છે. આ અગાઉ પોલોસે આ ગેંગ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો ,જેમને હયાત ન હોય તેવા વાહનોના નામે કરોડો રૂપિયાની લોન લઈ બેંક સાથે છેતરપીંડી કરી હતી. ક્રાઈમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી અનુસાર, દેશની જાણીતી અશોક લેલન અને ટાટા કંપની દ્વારા મેન્યુફેક્ચર જ કરવામાં ન આવેલા વાહનોને હયાત બતાવી તેના બોગસ દસ્તાવેજા અને વીમા પોલિસી બનાવી જુદી જુદી 53 લોન મંજુર કરાવી કુલ રૂપિયા 8.64 કરોડ મેળવ્યા હતાં. આ ગેંગે શરુઆતમાં નિયમિત હપ્તા ભરપાઈ તો કર્યા હતાં. જોકે બાકીના હપ્તાના રૂપિયા 5.25 કરોડ નહી ભરી બેંક સાથે છેતરપિંડી કરી હતી. બેંક મેનેજરને ખ્યાલ આવતાં તપાસ કરતાં કૌભાંડ ખૂલ્યું હતું. 

આ પણ વાંચો : જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલ બાળક ધૈર્યરાજ માટે ગુજરાતના ખૂણેખૂણેથી મદદ આવી

યશ બેંકમાં ગાડીઓનું લોનનું મસમોટું કૌભાંડ
યશ બેંકમાં રીસ્ક કન્ટેન્મેન્ટ યુનિટ મેનેજર તરીકે ફરજ બજાવતાં સુમિતભાઈ રમેશચંદ્ર ભોસલેએ 20 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપી કપિલ પરષોત્તમ કોઠીયા, ઈર્શાદ કાળુ પઠાણ, સલમા ઈર્શાદ પઠાણ, રાજેશ એમ. સોજીત્રા, આશીષ. બી.કાકડીયા, અખિલ વિનુ ધિનૈયા, વિજય એમ.ધોડિયા, જીવન લાલ રાજગોર, શૈલેષ જાદવાણી, બુધા બાલા મેઘા, ઈમરાન કાળુ પઠાણ, ભાવેશ કાળુ ગજેરા, અશ્વિન એમ.કટારીયા, જગદીશ ગોંડલીયા, સંજય સટોડીયા, મુકેશ ધીરુ સોજીત્રા, જીગ્નેશ ભીમજી વિરાણી, ઘનશ્યામ ચલોડીયા, હરેશ લાલજી ધોળકીયા, જીતેન્દ્ર વાધાણી અને રજની પીપલીયાએ ઓગસ્ટ 2016થી ઓક્ટોબર 2018 દરમિયાન પોતાની માલિકીના બોજા વગરના ધંધાકીય વાહન યુઝ કોમર્શીયલ વ્હીકલ લોન મેળવવા માટે યસ બેંકમાં અરજી કરી હતી. બેંક દ્વારા લોનની તમામ પ્રક્રિયા પુરી કર્યા અલગ અલગ 53 લોન ઉપર કુલ રૂપિયા 8,64,71,948ની લોન મંજુર કરવામાં આવી હતી. જે લોનમાં 52 લોન યુઝ કોમર્શીયલ વ્હીકલ અને એક ન્યુ કોમર્શીયલ વ્હીકલ લોન મંજુર કરી હતી. તમામ આરોપીઓએ ફ્રેબુઆરી 2018 સુધી હપ્તાની નિયમિત ભર્યા હતાં. જોકે ત્યાર બાદ લોન ભરવાનું બંધ કરી દીધું હતું.

આ પણ વાંચો : વડોદરા સામૂહિક આપઘાત કેસમાં નવો વળાંક, મૃત પામેલો જ્યોતિષ જીવતો નીકળ્યોb

પોલિસીમાં ગાડી જ સામેલ ન હતી 
બેંકમાં લોનના રૂપિયા ન ભરવામાં આવતાં વારંવાર લોન ધારકોને રિમાઇન્ડર કરાવવામાં આવે છે. જોકે તેમ છતાં તેઓ લોન ભરતાં નથી. જેથી બેંક દ્વારા વિજિલન્સની તપાસ કરાવવામાં આવે છે. જેના ઓડિટમાં માલૂમ પડે છે કે લોનધારકોએ લોન મેળવવા રજુ કરેલા દસ્તાવેજા વાહનો ન હોવા છતાં ખોટા ઉભા કરી ખોટા દસ્તાવેજાને આધારે લોન મેળવવા માટે ખરા તરીકે બેંકમાં રજુ કરી લોન લીધી હતી. જેમાં વાહનોનું વેલ્યુએશન ઈર્શાદ પઠાણ દ્વારા કરવામાં આવ્યું હતું. પઠાણના વાલક પાટીયા સ્ટાર ઓટોગેરેજ ઉપર વેલ્યુએશન કરવામાં આવ્યું હતું અને ગાડીઓ અલગ અલગ વર્ષની બનાવટ હોવા છતાંયે ગાડીઓની વેલ્યુ એક સરખી બતાવી હતી. આ સાથે જ ઈફ્કો ટોકીયો વીમા કંપનીની 33 પોલિસીમાં 5 ગાડી પોલિસી જ હોવાનું તેમજ ન્યુ ઈન્ડિયા વીમા કંપની 20 પોલિસીમાં પૈકી એક પણ પોલિસીમાં તેમની ન હોવાનું જાણવા મળ્યું હતું.

અહીં એ પણ મહત્વનું છે કે આ ગેંગે અશોક લેલન અને ટાટા કંપની પાસેથી ખાત્રી કરાવતા ખબર પડી હતી કે  અશોક લેલન કંપનીની 48માંથી 2 ગાડીઓ તેમના દ્વારા મેન્યુફેક્ચર થઈ છે, જ્યારે બાકીની ગાડીઓ બનાવવામાં નથી આવી, આવી જ રીતે ટાટા કંપની 5 ગાડીમાંથી એક પણ ગાડી મેન્યુફેક્ચર થઈ નથી.

બેંકના 2 મેનેજરોની સંડોવણી બહાર આવી 
ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે તપાસને આધારે મુખ્ય સૂત્રધાર ઈર્શાદ ઉર્ફે ઇશુ કાળુભાઈ પઠાણ, ઇમરાન કાળુભાઇ પઠાણ, કપિલભાઇ પરષોત્તમભાઇ કોઠીયા, શૈલેષભાઇ કાંતીભાઇ જાદવાની અને મુકેશ ધીરૂભાઈ સોજીત્રાની અટકાયત કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે બાદમાં તમામની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતાં. આ કેસમાં પોલીસને શંકા હતી કે બેંકના કર્મચારીઓની પણ સંડોવણી હોઈ શકે છે. તપાસમાં એવું સામે આવ્યું હતું કે, યશ બેંકના સેલ્સ મેનેજર કેયુર મુકેશચંદ્ર ડોક્ટર અને ધવલ હેમંતભાઇ લીંબડ પણ સમગ્ર ગુનામાં મહત્વની ભૂમિકા છે, જેથી તેમની પણ ધરપકડ કરવામાં આવી છે. આ બંનેએ ફરાર આરોપી રજની પીપલીયા સાથે મળીને યુઝ્ડ કોમર્શિયલ વ્હીકલ લોનની પ્રોસેસ વર્ષ 2016 થી 2018 દરમ્યાન કરી હતી. 

યશે બેંકની સહારા દરવાજા શાખામાંથી રૂપિયા ૮.૬૪ કરોડની લોન લઈ બાકી રહેલા રૂ 5.25 કરોડ ભરપાઇ નહિ કરનાર 20 પૈકી મુખ્ય સૂત્રધાર વાલક પાટિયાની સ્ટાર ગેરેજનો ઇર્ષાદ ખાન પઠાણ છે. ઈર્શાદે તેની પત્ની, ભાઈ અને બીજા 17 વ્યક્તિઓએ મળીને બેંકમાંથી કુલ 53 લક્ઝુરીયસ વાહનો ઉપર લોન લીધી હતી. લોન લેવા માટે જે વાહનોના બિલ, વીમો ઉભા કરવામાં આવ્યા હતા તે બધા જ બોગસ હતા. આ બોગસ બિલ અને વીમાને આધારે જે 53 વાહનોનું અસ્તિત્વ નહિ હોવા છતાં પણ અરુણાચલ પ્રદેશની આરટીઓમાંથી તેનું પાસિંગ કરી લેવાયું હતું. જે પાસિંગ નંબર સહિતની ડિટેઇલ બેકમાં મૂકી 2016 થી 2018 દરમિયાન આ 20 શખ્સોએ કુલ 8.64 કરોડની લોન લીધી હતી. ક્રાઈમ બ્રાન્ચે જે તે સમયે પાંચની ધરપકડ કરી હતી. ત્યારે યશ બેંકના સેલ્સ મેનેજર કેયુર ડોક્ટર અને ધવલ લિંબડની ધરપકડ કરવામાં આવી હતી. બંને સેલ્સ મેનેજરને વોન્ટેડ આરોપી રજની પીપલીયા હયાતી વિનાના વાહનોના પેપર્સ લાવીને આપતો હતો. એજન્ટના કોડમાં લોગ ઈન કરતાં અને એજન્ટના સિક્કા અને ડીએસએની સહી પણ પોતે જ કરતા હતા.

આ પણ વાંચો : વ્હાલસોયી દીકરીની દુષ્કર્મ બાદ થયેલી હત્યા જીરવી ન શકનાર પિતાએ ફિનાઈલ પીને મોત વ્હાલુ કર્યું 

બંને મેનેજરોએ કેવી રીતે કૌભાંડ આચર્યું 
રજની પીપલીયાએ હયાતી વગરના વ્હીકલ્સના પેપર્સ અલગ - અલગ કસ્ટમર પાસેથી લાવીને સેલ્સ મેનેજર કેયુર ડોક્ટર અને ધવલ લીંબડને આપ્યા હતાં. બંને સેલ્સ મેનેજર તેમની યશ બેંકના અલગ - અલગ ડી.એસ.એ લોન એજન્ટના કોડમાં અલગ-અલગ સમયે થયેલ યુઝ કોમર્શિયલ લોનની ફાઇલ લોગ ઈન કરતા અને ડી.એસ.એ. લોન એજન્ટના કોડના સિક્કા અને ડી.એસ.એ.ની સહીઓ પણ બંને સેલ્સ મેનેજર જાતે કરતા હતા. ડી.એસ.એ. લોન એજન્ટ એક પણ લોનધારકોને મળ્યા નથી કે ઓળખતા નથી. લોન ધારકના તમામ ડોક્યુમેન્ટ્સ રાજની પીપલીયાએ કલેક્ટ કર્યા હોવા છતાં ડી.એસ.એ. કે લોન એજન્ટે લોનના પેપર્સ કલેક્ટ કર્યાં છે અને વેરીફાય કર્યાં છે. લોન પાસ થયાનું કમિશન પે આઉટ ડી.એસ.એ. કે લોન એજન્ટના બેન્ક એકાઉન્ટમાં આવતું. તે ડી.એસ.એ. કે લોન એજન્ટ પાસેથી બંને મેનેજરો રજની પીપલીયા અને તેના સાથીઓને આપવાનું કહ્યું હતું. રજની પીપલીયાએ અલગ - અલગ બેંક એકાઉન્ટ આ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતાં. રજની પીપલીયા આ કૌભાંડ સામે આવ્યા બાદથી ફરાર છે તેવું ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ધવલ પટેલે જણાવ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news