રાજકોટના જાણીતો જ્વેલર્સ શોરૂમ ધરાવતા માલિકનાં પત્નીની આત્મહત્યા

શહેરમાં યાજ્ઞિક રોડ પર આવેલા તનિષ્ક જ્વેલર્સનો શોરૂમ ધરાવતા માલિકની પત્નીએ બિમારીથી કંટાળીને સાતમા માળેથી ઝંપલાવી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ હતી 

રાજકોટના જાણીતો જ્વેલર્સ શોરૂમ ધરાવતા માલિકનાં પત્નીની આત્મહત્યા

રક્ષિત પંડ્યા/રાજકોટઃ રાજકોટ શહેરમાં આજે સવારે એક જાણીતા જ્વેલર્શનો શોરૂમ ધરાવતા માલિકનાં વયોવૃદ્ધ પત્નીએ સાતમા માળેથી કૂદીને આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. ફ્લેટમાં રહેતા રહીશો દોડી આવ્યા હતા, જ્યારે પરિજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. 

પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટમાં અમીન માર્ગ ઉપર આવેલ વાલ્કેશ્ર્વર એપાર્ટમેન્ટમાં રહેતા અને યાજ્ઞિક રોડ ઉપર તનિષ્ક જ્વેલર્સ નામનો શોરૂમ ધરાવતા મનુભાઈ મહેતાના પત્ની અને ધર્મેશભાઈ મહેતાના માતા લીલાવતીબેન મનુભાઈ મહેતા નામના 74 વર્ષના વૃધ્ધાએ બિમારીથી કંટાળી આજે સવારે આઠેક વાગ્યાના અરસામાં એપાર્ટમેન્ટના સાતમાં માળે પોતાના મકાનની બાલ્કનીમાંથી મોતની છલાંગ લગાવી હતી. 

વૃધ્ધા સાતમાં માળેથી નીચે પટકાતા ફ્લેટમાં મોટો અવાજ આવ્યો હતો. અવાજના પગલે ત્યાં ફરજ બજાવતા સિકયુરિટી ગાર્ડ દોડી ગયા હતા. વૃધ્ધાને લોહી લુહાણ હાલતમાં જોતા સિકયુરિટી ગાર્ડે એપાર્ટમેન્ટમાં રહેતા લોકોને જાણ કરતાં લોકોનાં ટોળા એકઠા થયા હતા. બનાવ અંગે માલવિયા પોલીસને જાણ થતા માલવિયા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. મોતની છલાંગ લગાવનાર વૃધ્ધાને સારવાર માટે ખસેડવામાં આવે તે પૂર્વે જ લીલાવતીબેન મહેતાએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. 

વૃધ્ધાના આપઘાતના પગલે પરિવારમાં અરેરાટી સાથે શોકનો માહોલ છવાઈ ગયો હતો. આપઘાત અંગે પોલીસે કરેલી પ્રાથમિક પુછપરછમાં મૃતક લીલાવતીબેને બિમારીથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું પરિજનોએ જણાવ્યું છે. આ બનાવ અંગે માલવિયાનગર પોલીસ મથકના પીએસઆઈ એ.આર.મલેક અને રાઈટર અરૂણભાઈ ચાવડાએ અકસ્માતે મોતની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news