'ઘરમાં ખરાબ સાત આત્મા અને દટાયેલું સોનું' કાઢવાના ચક્કરમાં 15 લાખ ઓહિંયા કરી ગયો ઢોંગી બાવો

ફેસબુક પર તાંત્રિક સાથે સંપર્ક બાદ યુવાન વિધિના ચક્કરમાં સલવાયો હતો. ઉજ્જૈનના તાંત્રિક મુનિશકુમારે જુદીજુદી વિધી કરવા ટુકડે ટુકડે પૈસા જમા કરાવ્યા હતા. ઈચ્છાપોરમાં કાર કંપનીના એકઝીકયુટીવ યુવાનને માથાનો દુઃખાવો, નોકરી છૂટી જતી હતી, ખરાબ સપના આવતા તણાવમાં રહેતો હતો.

'ઘરમાં ખરાબ સાત આત્મા અને દટાયેલું સોનું' કાઢવાના ચક્કરમાં 15 લાખ ઓહિંયા કરી ગયો ઢોંગી બાવો

ઝી બ્યુરો/સુરત: તાંત્રિક શક્તિઓ દ્વારા દરેક સમસ્યામાં સમાધાનની ફેસબુક પર જાહેરાત મૂકી બીછાવાતી જાળમાં રૂા.15 લાખ ઓહિંયા કરી જનારો ઢોંગી બાવો સાયબર સેલના હાથે રાજસ્થાનથી ઝડપાયો છે. ઘરમાંથી સાત આત્મા તથા દટાયેલું સોનું કાઢવાના નામે રૂા.15 લાખ ચાંઉં કરી ભાગી છૂટ્યો હતો. અડાજણમાં રહેતા રાજેશભાઈ ભાટપોરની કંપનીમાં જોબ કરે છે. ઓક્ટોબર 2022માં ફેસબુક એકાઉન્ટમાં શૈલેન્દ્રનાથ અઘોરી તાંત્રિકનું એકાઉન્ટ જોવા મળ્યું હતું. જેમાં "તાંત્રિક શક્તિઓ દ્વારા હર મુશ્કેલ સમસ્યાઓં કા સમાધાન" એવું લખેલું હતું અને તેનું લોકેશન ઉજ્જૈન બતાવાયું હતું. રાજેશભાઇએ મોબાઇલથી સંપર્ક કર્યો હતો. 

કોલ રિસીવ કરનારે પોતાનું નામ મુનિશકુમાર વિશ્વનાથ જણાવ્યું હતું. તેને રાજેશભાઈને વાતોમાં ભોળવી વિશ્વાસ કેળવી "તમારા ઘરમાં સાત ખરાબ આત્માઓ છે. તેને બહાર કાઢી સમસ્યાઓનું નિરાકરણ કરવું પડશે, તમારે બકરાની બલિ ચઢાવવી પડશે અને જે માટે વિધિના રૂપિયા આપવા પડશે" એવું કહ્યું હતું. 

ત્યારબાદ મુનિશકુમારે રાજેશભાઈને જણાવ્યું કે, "તમારા ઘરમાં મોટા પ્રમાણમાં સોનું દટાયેલું છે. જે સોનું બહાર કાઢવા અમારે તમારા ઘરે આવી વિધિ કરાવવી પડશે અને ઘરમાં ખાડો ખોદી રાખજો" એમ કહેતા ગત તા. 09-01-2023ના રોજ મુનિશકુમાર બે માણસોને લઈ તેઓના ઘરે પહોંચ્યા હતા અને વિધિ શરૂ કરી હતી. અહીં વિધિ વેળા "ઘરમાં ખૂબ સોનું છે. તે કાઢવા 108 બકરાની બલિ તથા ખપ્પરની વિધિ કરાવવી પડશે" એવું કહી વધુ રૂપિયા પડાવી ચાલ્યો ગયો હતો. 

થોડા દિવસો બાદ મુનિશકુમારે સુદર્શન યજ્ઞ કરાવવો પડશે એવું કહીં વધુ રૂપિયા 4.67 લાખ ઓનલાઈન પડાવ્યા હતા. ત્યારબાદ મુનિશકુમારે કોલ રિસિવ કરવાના બંધ કરી દીધા હતા. આ રીતે વાયદા કરી વિધિના નામે રૂ. 15.51 લાખ પડાવી લેવાયા હતા. જે અંગે સાયબર સેલમાં ગુનો નોંધાયો હતો. 

પીઆઈ હડિયાના માર્ગદર્શન હેઠળ સાયબર સેલની ટીમ તપાસાર્થે ઉજ્જૈન અને રાજસ્થાન પહોંચી હતી. દરમિયાન ઢોંગી બાવા મુનિશકુમાર વિશ્વનાથ ભાર્ગવ અને તેના સાગરિત મનોજને પકડી લેવાયો હતો. હાલ તો આ તાંત્રિક ગેંગ દ્વારા અગાઉ કેટલા લોકોને છેતર્યા છે તે જાણવા માટે બન્નેના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news