મધ્યમ વર્ગ પર ફરીથી મોંઘવારીનો માર: ખાદ્યતેલના ભાવમાં ફરી ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
સીંગતેલના ભાવ વધારાને લઈને વેપારીએ ઝી 24કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ સીઝનમાં મગફળીનું ઉત્પાદન ઓછું થયું હોવાને લીધે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવ વધારો વધુ જોવા મળશે.
Trending Photos
દિવ્યેશ જોશી/રાજકોટ: સીંગતેલના ભાવમાં આજે ૩૦ રૂપિયા નો વધારો થયો છે જ્યારે છેલ્લા ત્રણ દિવસમાં સિંગતેલના ભાવમાં કુલ ૯૦ રૂપિયાનો વધારો થયો છે. સિંગતેલનો ડબ્બો 2910-2960 પર પહોંચ્યો છે. જ્યારે કપાસિયા તેલમાં ડબ્બે રૂ 15નો વધારો થતા કપાસિયા તેલનો ડબ્બો 1840-1890 પહોંચ્યો છે અને પામોલીન તેલના ભાવમાં રૂ. 15 વધતા ડબ્બો 1600-1605 પહોંચ્યો છે અને સનફ્લાવર તેલના ડબ્બાનો ભાવમાં રૂ. 10નો વધારો થતા રૂ. 1820-1840 ડબ્બાનો ભાવ થયો છે.
સીંગતેલના ભાવ વધારાને લઈને વેપારીએ ઝી 24કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ સીઝનમાં મગફળીનું ઉત્પાદન ઓછું થયું હોવાને લીધે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવ વધારો વધુ જોવા મળશે ઉપરાંત હાલમાં માવઠાને લીધે મોટાભાગના યાર્ડ બંધ રાખવામાં આવ્યા છે તેના લીધે મગફળીની આવક પણ ઓછી છે.
આ બધા પરિબળને લીધે સીંગતેલના ભાવમાં વધારો થયો છે છેલ્લા ત્રણ દિવસમાં કુલ ૯૦ રૂપિયાનો વધારો થયો છે સીંગતેલના ભાવ વધારાને લીધે ધંધામાં પણ ૩૦ ટકા અસર જોવા મળી છે આવનારા દિવસોમાં સીંગતેલના ડબ્બા નો ભાવ ₹ 3200 ની સપાટી વટાવે તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે.
સામાન્ય રીતે મોટાભાગના લોકો દિવાળી બાદ મગફળીની સારી આવક થતી હોવાને લીધે ભાવ પણ ઓછા હોય છે જેથી આ સમયગાળામાં આખા વર્ષ માટેના તેલની ખરીદી કરતા હોય છે. પરંતુ ગત વર્ષની તુલનાએ આ વર્ષે ₹500 જેટલો ભાવ વધારો છે સાથોસાથ આ સમયગાળામાં લોકો આખા વર્ષના ઘઉં તેમજ મરી મસાલાની પણ ખરીદી કરતા હોય છે પરંતુ સીંગતેલમાં સતત વધતા જતા ભાવને લીધે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે સાથોસાથ ઘઉં તેમજ મરી મસાલામાં પણ 30ટકા જેવો ભાવ વધારો જોવા મળ્યો છે.
ખાદ્ય તેલ, મરી મસાલા, ઘઉં સહિતની આખા વર્ષ માટેની વસ્તુની ખરીદી આ સમયગાળામાં કરવામાં આવતી હોય છે પરંતુ આ તમામ વસ્તુમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 30 ટકા જેવો ભાવ વધારો થતાં ક્યાંક ને ક્યાંક ગૃહિણીઓએ ખરીદીમાં 50% જેટલો કાપ મૂકી દીધો છે મોંઘવારી દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે તે બજેટમાં ઘર ચલાવવું ગૃહિણીઓને ખૂબ જ મુશ્કેલ પડી ગયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે