PATAN માં ઠાકોર સમાજનો હુંકાર, મુખ્યમંત્રી અમારો નહીં તો તમે જઇ શકો છો...
Trending Photos
પ્રેમલ ત્રિવેદી/પાટણ : સરસ્વતી તાલુકાના વડુ ગામ ખાતે આજે વિજયા દશમી પ્રસંગે સહસ્ત્ર પૂજન તેમજ આગામી 2022 માં સી.એમ ક્ષત્રિય ઠાકોર સમાજનો હોવો જોઈએ તેવા હુંકાર સાથે શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ શક્તિપ્રદર્શનમાં કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો સાથે ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. પરોક્ષ રીતે આ સમગ્ર કાર્યક્રમને કોંગ્રેસે સમર્થન આપ્યું હતું. કોંગ્રેસે પણ મુખ્યમંત્રી ક્ષત્રીય ઠાકોર સમાજનો હોવો જોઇએ તેવી માંગને સમર્થન જાહેર કર્યું હતું.
સરસ્વતી તાલુકાના વડુ ગામ ખાતે આજે વિજયા દશમી પ્રસંગે ઠાકોર સમાજ દ્વારા સહસ્ત્ર પૂજન તેમજ ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં કોગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરત સિંહ સોલંકી, પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલા, પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર સહિત કોગ્રેસના આગેવાનો તેમજ ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રથમ સહસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આગામી 2022 માં સી.એમ ક્ષત્રિય ઠાકોર સમાજનો હોવો જોઈએ તેવો હુંકાર કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ ઉપસ્થિત ભરત સિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ક્ષત્રિય હંમેશા શક્તિને નમતો આવ્યો છે. વિજયા દશમી એક એવો તહેવાર છે. જેમાં અસત્ય સામે સત્યનો વિજય થયો હતો. દેશમાં જે પ્રકારે અસત્યની સરકાર ચાલી રહી છે તેની સામે વિજય મેળવવા ભેગા થયા છીએ. દેશમાં ચાલી રહેલ મોંઘવરી, બેરોજગારી મામલે પણ સરકાર પર પ્રહાર કર્યા હતા. ભારતીય જનતા પાર્ટીએ સત્તાનું હરણ કરી લોકોને ગુમરાહ કરવાનું કામ કર્યું છે. લોકોને શારીરિક, આર્થિક રીતે નબળા પડવાનું કામ આ સરકાર કરી રહી છે.
ભારતીય જનતા પાર્ટીને પરાજય આપવા માટે ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું છે તેમ જણાવ્યુ હતું. કોગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાત ની રાજનીતિ પર સામાન્ય જનનું શાસન આવે ગુજરાતમાં સત્તાનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે. આગામી 2022 માં ગુજરાતમાં સામાન્ય જનની સત્તા આવે તેવા હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હવે ન માત્ર ક્ષત્રિય ઠાકોર સમાજ પરંતુ સમાજના દરેક તબક્કાએ સમજવાની જરૂર છે અને આ સરમુખતિયાર સરકારે ઉખાડી ફેંકવાની જરૂર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે