જાન્યુઆરી 2022માં યોજાશે વાયબ્રન્ટ ગુજરાત સમિટ, સરકારે શરૂ કરી તૈયારી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઇવેન્ટ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજીને વાયબ્રન્ટ ગુજરાતના આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું.   

Updated By: Oct 19, 2021, 07:54 AM IST
જાન્યુઆરી 2022માં યોજાશે વાયબ્રન્ટ ગુજરાત સમિટ, સરકારે શરૂ કરી તૈયારી

ગાંધીનગરઃ આખરે કોરોના કાળ બાદ ગુજરાત સરકાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરવા માટે તૈયાર છે. રાજ્ય સરકાર આ મેગા ઈવેન્ટના આયોજનને આખરી ઓપ આપી રહી છે. રાજ્યમાં 10થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન ગાંધીનગરના મહાત્મા  મંદિર ખાતે વાયબ્રન્ટ સમિટ યોજાશે. નોંધનીય છે કે છેલ્લે 2019માં વાયબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઇવેન્ટ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજીને વાયબ્રન્ટ ગુજરાતના આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું. હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંગળવારે ઉદ્યોગ વિભાગના અધિકારીઓ સાથે એક મહત્વની બેઠક યોજવાના છે. આ બેઠકમાં વાયબ્રન્ટ સમિટના આયોજનની થીમ, પાર્ટનર દેશો અને આમંત્રણ આપવા સહિતની વિગતોની ચર્ચા કરીને તેને આખરી ઓપ આપશે. 

આ પણ વાંચોઃ સુરક્ષાને કારણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ રદ્દ

કોરોના કાળ બાદ થશે વાયબ્રન્ટ સમિટનું આયોજન
હવે કોરોના સંકટ હળવું પડ્યા બાદ રાજ્ય સરકાર વાયબ્રન્ટ મેગા સમિટની તૈયારીઓ કરી રહી છે. ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિર ખાતે તેનું આયોજન કરવામાં આવશે. તો કોરોનાને જોતા આ વખતે વાયબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન વર્ચ્યુઅલી પણ કરવામાં આવી શકે છે. જે પાર્ટનર કન્ટ્રી રૂબરૂ હાજર ન રહી શકે તો વર્ચ્યુઅલી હાજરી આપી શકે છે. 

મહત્વનું છે કે દર વખતે વાયબ્રન્ટ સમિટનો પ્રચાર માટે અને પાર્ટનર દેશોને આમંત્રણ આપવા માટે અધિકારીઓ વિવિધ દેશોના પ્રવાસે જતા હોય છે. પરંતુ આ વખતે કોરોનાને કારણે બધાને રૂબરૂ આમંત્રણ આપવા જવાની શક્યતા નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube