ચોરની કરામત, ચોરી કરીને મોબાઈલ નંબર સાથે મેસેજ લખતો ગયો

ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, ‘ચિંતા ના કરો, તમારી છોકરીને મેં આચ્છુ ઝેર સુંગાડ્યું છે. એ મરી નઇ જાય. હું સોમવારે પાછો આવીશ. આ ઘરને હું બરબાદ કરી દઇશ.’ ચોર ચિઠ્ઠીમાં 9 નંબરનો એક મોબાઇલ નંબર પણ લખીને ગયો છે. 

ચોરની કરામત, ચોરી કરીને મોબાઈલ નંબર સાથે મેસેજ લખતો ગયો

તેજસ દવે/મહેસાણા : મહેસાણાના શહેરના ગીચ વિસ્તારમાં આવેલી તિરૂપતી તુલસી બંગ્લોઝમાં રહસ્યમય ચોરીનો બનાવ સામે આવ્યો છે. શનિવારે બપોરે મકાનમાં ઘૂસેલા ચોરને ઘરે જમવા પહોંચેલી 12 વર્ષની કિશોરીએ પડકારતાં તેના મોઢામાં છાપાનો ડૂચો મારી કોઇ દ્રવ્ય સુંઘાડી મૂર્છિત કરી દીધી હતી. બાદમાં તિજોરીમાંથી રૂ.8 લાખ રોકડ ભરેલી બેગ લઇ ભાગી ગયો હતો. ધોળેદહાડે બનેલી આ ઘટના પોલીસ માટે પડકાર બની છે. આશ્ચર્યજનક બાબત તો એ છે કે, ચોર ઘરમાં એક ચિઠ્ઠીમાં 9 નંબરનો મોબાઈલ નંબર લખીને પણ ગયો છે.

ધોળેદહાડે બનેલી આ ઘટના પોલીસ માટે પડકારરૂપ બની છે. મહેસાણા શહેરના રાધનપુર રોડ પર સાંઇક્રિષ્ણા હોસ્પિટલની પાછળ તિરૂપતી તુલસી બંગ્લોઝ આવેલા છે. મોઢેરા ગામે એપલ ડેરી એન્ડ ફૂડ પ્રોડક્શન નામે વ્યવસાય કરતા દશરથભાઇ ઇશ્વરભાઇ પટેલ શનિવારે સવારે કામે નીકળ્યા હતા. તેમનાં પત્ની મેડિકલમાં જોબ પર ગયાં હતાં. બપોરે 12.30 વાગ્યાના સમયે તેમની દીકરી ફોરમ પાડોશીને ત્યાં જમવા ગઈ હતી. તેણે આવીને જોયું તો ઘરના દરવાજાનું તાળું તૂટેલું હતું. તેથી ડરને માર્યે તે ઘરમાં પ્રવેશી હતી અને રસોડા તરફ જતાં જ પાછળથી આવેલા 20થી 25 વર્ષની વયના અજાણ્યા શખ્સે તેને માથામાં માર માર્યો હતો. જેથી તે નીચે પડી ગઇ હતી. તેમ છતાં ફોરમે હિંમત કરી ચોરના હાથમાં રહેલા થેલાનો બેલ્ટ હાથમાં આવતાં પોતાના તરફ ખેંચી પ્રતિકાર કર્યો હતો. જેથી ચોરે સોફામાં પડેલા છાપાનો ડૂચો બાળકીના મોઢામાં નાખ્યો, અને બાદમાં રૂમાલ બાંધીને કંઇક સુંઘાડતાં તે મૂર્છિત થઇ ગઇ હતી. જેનો લાભ લઇ ચોર રૂ.8 લાખ રોકડ ભરેલી બેગ લઇને ભાગી ગયા હતો. ચેકબુક સહિતના પેપર્સ ભરેલો થેલો તેમની પુત્રીના હાથમાં રહી ગયાનું દશરથભાઇ પટેલે જણાવ્યું હતું.  

Mehsana-photo.jpg

માતા-પિતા ઘરે આવ્યા ત્યારે ફોરમને અર્ધબેભાન પડેલી જોઇ ચોંકી ગયા હતા અને તેને ભાનમાં આવ્યા બાદ ઘટના સંબંધે કહેતાં પોલીસને જાણ કરી હતી. આ ઘટનાને પગલે ડીવાયએસપી મંજીતા વણઝારા, એલસીબી પીઆઇ આર.એસ. પટેલ સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પરિવારજનોએ જણાવ્યું કે, રોજબરોજ આવતી કેશ બેંકમાં મૂકીએ છીએ, પરંતુ આ રકમ ખેડૂતોને ચૂકવવાની હોઇ શનિ-રવિ હોવાના કારણે ઘરમાં જ રાખી હતી. 

Mehsana-chori.jpg

ગજબનો ચોર, મોબાઈલ નંબર લખીને ગયો...
ચોર નોટના કાગળમાં એક નાનકડી ચબરખીમાં બે બાજુ લખાણ લખીને ગયો છે. હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી આંકડામાં તેણે લખ્યું છે. આ ચિઠ્ઠી શંકાસ્પદ જણાઇ હતી. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, ‘ચિંતા ના કરો, તમારી છોકરીને મેં આચ્છુ ઝેર સુંગાડ્યું છે. એ મરી નઇ જાય. હું સોમવારે પાછો આવીશ. આ ઘરને હું બરબાદ કરી દઇશ.’ ચોર ચિઠ્ઠીમાં 9 નંબરનો એક મોબાઇલ નંબર પણ લખીને ગયો છે. 

પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ સહિતના આધારે તપાસ હાથ ધરી છે. આ ચોરીમાં હાલ તો કોઈ અંગત અદાવત કે પછી કોઈ જાણભેદુ સંડોવાયેલો છે તેવું પોલીસનું માનવું છે. આ ઘટનામાં હજુ સુધી કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. પરંતુ બી ડિવીઝન પોલીસે તમામ ચિઠ્ઠીને લઈને તપાસનો દોર શરુ કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news