ગુજરાતના આ ગામમાં નથી પાણીની સમસ્યા, ગ્રામજનોને પીવા માટે મળે છે મિનરલ વોટર

વર્તમાન સમયમાં રાજ્યના ઘણા ગામોમાંથી પીવાના પાણી માટે પોકાર ઉઠી રહ્યાં છે. ત્યારે મોરબી જીલ્લામાં આવતા જબલપુર ગામમાં લોકોને દરરોજ ગ્રામપંચાયત દ્વારા વિનામુલ્યે મિનરલ વોટર મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

ગુજરાતના આ ગામમાં નથી પાણીની સમસ્યા, ગ્રામજનોને પીવા માટે મળે છે મિનરલ વોટર

હિમાંશુ ભટ્ટ, મોરબી: વર્તમાન સમયમાં રાજ્યના ઘણા ગામોમાંથી પીવાના પાણી માટે પોકાર ઉઠી રહ્યાં છે. ત્યારે મોરબી જીલ્લામાં આવતા જબલપુર ગામમાં લોકોને દરરોજ ગ્રામપંચાયત દ્વારા વિનામુલ્યે મિનરલ વોટર મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ વાત સાંભળીને જરાપણ ચોંકી જવાની જરૂર નથી. જબલપુર ગ્રામ પંચાયતના સ્વભંડોળની રકમનો ઉપયોગ કરીને તેમજ ગ્રામજનો પાસેથી લોકફાળા મેળવીને ગામમાં આરો સીસ્ટમ ફીટ કરવામાં આવી છે. જ્યાંથી દરરોજ ગામના 2500થી વધુ લોકોને પીવાનું શુધ્ધ મિનરલ વોટર મળે છે.

સામાન્ય રીતે ઉનાળામાં પાણીની સમસ્યાઓ જ સામે આવતી હોય છે. જો કે, મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં આવતા જબલપુર ગામની વાત કરીએ તો આ ગામ મહિલાઓને ઘરની બહાર પાણી ભરવા જવું પડે છે, તેનાથી ગામની મહિલાઓ ખુશ છે. આ વાત સાંભળીને ચોકી જવાની જરૂર નથી કેમ કે, મહિલાઓને ઘરના ઉપયોગ માટે જરૂરી પાણી તો ઘર સુધી આવતી પાણીની લાઈન મારફતે મળી રહે છે. જો કે, શહેરી વિસ્તાર અને જુદાજુદા ગામોમાં દુષિત પાણીની પીડામાંથી મુક્તિ મેળવવા માટે અને પાણીજન્ય રોગચાળાથી બચવા માટે લોકો બજારમાં વેંચાતી મિનરલ વોટરનો બોટલો લેતા હોય છે.

પરંતુ ટંકારા તાલુકાના જબલપુર ગામના લોકોને વેચાતું પાણી પીવા માટે ન લેવું પડે અને આ ગામના લોકો પાણીજન્ય રોગનો ભોગ ન બને તે માટે ગ્રામ પંચાયત દ્વારા આરો સીસ્ટમ ફીટ કરવામાં આવી છે અને ત્યાંથી આ ગામમાં રહેતા કોઈ પણ વ્યક્તિ તેની જરૂરિયાત મુજબ વિના મુલ્યે મિનરલ વોટર તેના બેડા કે પછી પ્લાસ્ટીકની બોટલોમાં ભરી જાય છે. સામાન્ય રીતે હાથમાં બેડુ કે પછી પાણી ભરવા માટેનું કોઇપણ પાત્ર હોય એટલે લોકોને એવુ જ લાગે કે આ ગામમાં પીવાના પાણીની સમસ્યા હશે. પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે જબલપુર ગામની મહિલાઓના ઘરમાં પાણીની કોઈ સમસ્યા નથી.

આ ગામમાં દરેક લોકોના ઘર સુધી પંચાયત દ્વારા પાણીની લાઇનો પહોંચાડી દેવામાં આવી છે. તેમ છતાં ગામની મહિલાઓ હાથમાં બેડુ કે પછી પાણી ભરવા માટેનું કોઇપણ પાત્ર લઇ પાણી ભરવા માટે જાય છે. તમને જણાવી દઈએ કે જબલપુર ગ્રામ પંચાયત દ્વારા લોકોને પીવાનું શુદ્ધ પાણી મળે તેના માટે 12 લાખ રૂપિયાનો ખર્ચો કરીને આરો સીસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. ત્યાંથી ઘર માટે પીવાનું શુદ્ધ પાણી ભરવા માટે મહિલાઓ પુરુષો સહિતના જતા હોય છે અને જબલપુર ગ્રામ પંચાયત દ્વારા પાણી માટેની જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેનાથી ગ્રામજનોમાં પણ હર્ષની લાગણી છે.

મોરબી જીલ્લાના પાંચેય તાલુકાનો સમાવેશ અછતગ્રસ્ત તાલુકાની યાદીમાં કરવામાં આવેલ છે. તેમ છતાં પણ મોટાભાગના ગામોમાં આજની તારીખે પીવાના પાણીની સમસ્યા નહીવત છે. જો કે, પીવાનું શુધ્ધ પાણી દરેક ગામમાંથી નથી મળતુ તે પણ હક્કિત છે. કેમ કે, પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાણી સપ્લાઇ કરવામાં આવે છે તે લાઇન લીકેજ કે પછી અન્ય કોઇ કારણોસર દુષિત થઇને લોકોના ઘર સુધી પહોંચે છે. જેથી કેટલાક ગામોમાં તે પીવા યોગ્ય રહેતુ નથી. તેવામાં જબલપુર ગામના લોકોને બજારમાં વેંચાતી શુધ્ધ પાણીની બોટલો મંગાવવી ન પડે તે માટે ગ્રામ પંચાયત દ્વારા આરો સીસ્ટમ લગાવી દેવામાં આવી છે. જેમાંથી ગામના દરેક પરિવારને પીવાનું શુદ્ધ પાણી જોઈએ તેટલું આપવામાં આવે છે.

આ સુવિધા કાર્યરત કરવામાં આવી તેથી જે પરિવારો શુધ્ધ પાણી માટે મહિને એકથી અઢી હજાર રૂપિયા ખર્ચતા હતા તેમનો ખર્ચ ઘટી ગયો છે. મોરબી જીલ્લાના આ ગામમાં સ્થાનિક લોકોને જે રીતે પીવાનું શુધ્ધ પાણી મળે છે તેવી જ રીતે જો અન્ય ગામના આગેવાનો દ્વારા પણ વ્યવસ્થા ગોઠવવામાં આવે તો લોકોને પીવાનું શુદ્ધ પાણી મેળવવા માટે દૈનિક જે ખર્ચા કરવા પડતા હોય છે તે અટકી જાય. એટલું જ નહિ લોકોને પાણીજન્ય રોગમાંથી પણ મુક્તિ મળી જાય તેમ છે. જો કે, ટંકારા તાલુકાના જબલપુર ગામમાંથી મોરબી જીલ્લાના બીજા ગામો તો ઠીક પરંતુ દતક લેવામાં આવેલા ગામના આગેવાનો દ્વારા કોઈ બોધ લેવામાં આવશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news