અરેરાટીભર્યો બનાવ : બાળક સમજ્યા વગર બંધ ગાડીમાં જઈને બેઠું, બે કલાક બાદ ગયો જીવ

Child Death In Car : બનાસકાંઠાના પાલનપુરના ગણેશપુરામાં 5 વર્ષના બાળકનું બંધ ગાડીમાં શ્વાસ રૂંધાતા મોત, ગાડીનો દરવાજો ન ખુલતા બની ઘટના, બાળકના મોતથી પરિવાર સહિત સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ

અરેરાટીભર્યો બનાવ : બાળક સમજ્યા વગર બંધ ગાડીમાં જઈને બેઠું, બે કલાક બાદ ગયો જીવ

Banaskantha News અલકેશ રાવ-બનાસકાંઠા : પાલનપુરના ગણેશપુરામાં પાંચ વર્ષનો બાળકનું બંધ ગાડીમાં શ્વાસ રૂંધાતા મોત નીપજતા અરેરાટી ફેલાઈ છે. બાળકના ઘરથી થોડે દુર બે વર્ષથી બંધ પડેલી અવાવરું ગાડીમાં બાળક બેસી જતા ગાડીના દરવાજા અંદરથી લોક થયા બાદ ન ખુલતા બાળકનું મોત થયાનું સામે આવ્યું છે જોકે આ ઘટનામાં કોની બેદરકારીના કારણે માસુમ બાળકનું મોત થયું એ સવાલ ઉભો થયો છે તો આ ઘટના દરેક માતા-પિતા માટે લાલબત્તી સમાન છે.

ગાડી લોક થઈ ને બાળક બહાર નીકળી ન શક્યો
પાલનપુરમાં પાંચ વર્ષનો બાળક રમતો રમતો અવાવરૂ પડેલ ગાડીમાં બેસી ગયો હતો.અને ત્યાર બાદ ગાડી અંદરથી લોક થઈ ગયું હતું. જોકે ગાડીમાંથી બાળકે બહાર નીકળવાની કોશિશ કરવા છતાં પણ તે બહાર ન નીકળી શક્યો અને આખરે બે કલાકથી વધુ સમય સુધી ગાડીની અંદર શ્વાસ રુંધાતા બાળક દરવાજો ખોલી શક્યો નહિ અને મુત્યુ પામ્યો હતો. 

બાળકે અંદરથી જ લોક માર્યું હતું 
સમગ્ર ઘટનાની વાત કરીએ તો પાલનપુરના ગણેશપુરામાં ભાડાના મકાનમાં રહેતા અને મૂળ હડાદ પોશીનાના મનીષાબહેન તેમના પતિ સાથે છૂટાછેડા લઈને પાલનપુરમાં પોતાના પિતા સાથે રહેતા હતા. જ્યાં ગઈકલે બપોરે તેમનો પાંચ વર્ષનો દીકરો નિક્ષિક નીરવભાઈ દવે બહાર રમતો હતો. નિક્ષિક ગામની ડેરીની સામે બે વર્ષથી પડેલ ગાડીમાં જઈને બેસી ગયો હતો અને અંદરથી લોક મારી દીધું હતું. જોકે તે બાદ બાળકે ગાડીમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે બહાર નીકળી શક્યો ન હતો અને ગાડીમાં બે કલાકથી વધારે સમય સુધી બાળક રહેતા તેનો શ્વાસ રૂંધાતા બાળકનું મોત નિપજ્યું હતું. 

તો આ ઘટનાથી અજાણ તેની માતા અને પરિવારના લોકોએ બે કલાકથી વધારે સમય સુધી બાળક ઘરે પરત ન આવતા તેની શોધખોળ હાથ ધરી હતી,પરંતુ બાળક મળી આવ્યો ન હતો , આખરે કોઈકની નજર ગાડી પર પડી અને બધાએ ગાડીમાં જઈને જોયું તો બાળક અંદર પડ્યો હતો. જેને તાત્કાલીક પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતો. 

કોની બેદરકારીથી મોત થયું
એકના એક બાળકનું મોત થતા તેની માતા સહિત પરિવારજનોમાં માતમ છવાયો છે. જોકે આ ઘટનાને લઈને કોની બેદરકારી તેના ઉપર સવાલ ઉઠ્યા છે, બંધ હાલતમાં બે વર્ષથી પડેલ ગાડીને લોક ન માર્યું હોવાથી તેનો દરવાજો ખોલી બાળક અંદર જઈ શક્યો તેથી ગાડીના માલિકની બેદરકારી કે પછી તેની માતાએ બાળક ક્યાં રમી રહ્યું છે તેનું ધ્યાન ન રાખ્યું તેની બેદરકારી ઘણી શકાય,જોકે આ ઘટનાને લઈને ગણેશપુરા વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે અને પાડોશીઓ આ ઘટનાને દુઃખદ ગણાવી રહ્યા છે અને દરેક માતા-પિતાએ પોતાના બાળકનું ધ્યાન રાખે તેવી અપીલ કરી રહ્યા છે .

બાળકના પાડોશી બળદેવભાઈ દેસાઈએ ક્હયું કે, અમારા વિસ્તારમાં રહેતું બાળક બંધ ગાડીમાં બેસી ગયું હતું અને તેનો શ્વાસ રૂંધાવાથી મોત નીપજ્યું છે. બાળકનું મોત થયું એ ખુબજ દુઃખદ ઘટના છે ,જેમાં નિર્દોષ બાળકનું મોત થયું છે, દરેક માતાપિતાએ પોતાનું બાળક ક્યાં જાય છે તેનું ધ્યાન રાખવું જોઈએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news