અમદાવાદમાં લઠ્ઠાકાંડની અફવા બાદ પોલીસ તંત્ર દોડતું થયું: 2નાં મોત

હાલ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, અફવા ફેલાયા બાદ પોલીસ અધિકારીઓ સહિતનું તંત્ર દોડતું થયું

અમદાવાદમાં લઠ્ઠાકાંડની અફવા બાદ પોલીસ તંત્ર દોડતું થયું: 2નાં મોત

અમદાવાદ : શહેરનાં કંટોલિયાવાસમાંથી બે વ્યક્તિઓનાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચ્યો હતો. સાથે સાથે લઠ્ઠાકાંડ સર્જાયો હોવાની પણ અફવા ફેલાઇ હતી. જો કે આ અંગેની જાણ થતાની સાથે જ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હાલ પોલીસ દ્વારા બંન્ને મૃતદેહો કબ્જે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. ઉપરાંત પોલીસ દ્વારા સ્થાનિક દારૂની ભઠ્ઠીઓ પર પણ સર્ચ ઓપરેશન ચલાવાઇ રહ્યું છે. 

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં એક મૃતદેહ મળી આવ્યો હતો. ત્યાર બાદ ગણત્રીના સમયમાં બીજી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો. લોકોમાં લઠ્ઠાકાંડ સર્જાયો હોવાની વાત વહેતી થઇ હતી. જો કે લઠ્ઠાકાંડની વાત સાંભળતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનાં કાન પણ સરવા થયા હતા. તેમણે તાબડતોબ આ મુદ્દે ઝડપી પગલા લેવાનાં આદેશ આપ્યા હતા. 

જો કે પોલીસની પ્રાથમિક તપાસમાં બંન્ને કુદરતી મોતે મર્યા હોવાનું જ સામે આવતા પોલીસને હાશ થઇ હતી. એક મૃતક વૃદ્ધ હોઇ બિમારીનાં કારણે જ્યારે બીજી વ્યક્તિના મૃત્યુનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. આ અંગે વિસ્તૃત માહિતી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે. હાલ પોલીસ દ્વારા કંટોલિયાવાસની આસપાસનાં તમામ વિસ્તારમાં પોલીસ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. જો કે લઠ્ઠાકાંડની વાત વહેતી થતા પ્રાથમિક તબક્કે અધિકારીઓનાં જીવ પણ તાળવે ચોંટ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news