અંડરવોટર એટેકની ચેતવણીના 2 દિવસ પહેલા જ હરામીનાળાં પાસેથી 2 પાકિસ્તાની બોટ મળી હતી
Trending Photos
કચ્છ :કચ્છના અખાતમાં પાકિસ્તાનની કમાન્ડો ઘૂસ્યાનું અલર્ટ કોસ્ટગાર્ડે આપ્યું છે. કચ્છની દરિયાઇ સીમાથી પાકિસ્તાની કમાન્ડો ભારતમાં ઘૂષણખોરી કરવા તૈયારી કરી રહ્યાનું ઇનપુટ ભારતીય એજન્સીઓને મળ્યું છે. જેને લઇને કોસ્ટગાર્ડે કચ્છના તમામ દરિયાઇ બંદરો, ત્યાંની કંપનીઓને પણ એલર્ટ આપ્યું છે. દરિયાઇ વિસ્તારમાં કોઇપણ હલચલ દેખાય તો આ મામલે તાત્કાલિક એજન્સીને જાણ કરવા સૂચના અપાઇ છે.
બે દિવસ પહેલા મળી હતી પાકિસ્તાની બોટ
કચ્છની દરિયાઇ સીમા સાથે સંલગ્ન મુંદ્રા અને કંડલા પોર્ટ પર ખાસ તકેદારી રાખવા સૂચના અપાઇ છે. બીજી તરફ કચ્છના સિરક્રિક અને હરામીનાળાં વિસ્તારમાંથી ઘૂષણખોરીની શક્યતાને લઇને આ અલર્ટ સુરક્ષા એજન્સીઓએ આપ્યું છે. કચ્છમાં સિરક્રિક અને હરામીનાળું પાકિસ્તાનની દરિયાઇ સરહદથી સૌથી નજીક છે, જેના કારણે આતંકીઓ ત્યાંથી ઘૂષણખોરી કરશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસા બાદ આ વિસ્તારોમાંથી ઘૂષણખોરી કરવાના વિકલ્પ વધી જાય છે તેના કારણે બીએસએફ અને કોસ્ટગાર્ડ આ વિસ્તારોમાં વધુ સતર્ક રહે છે. 2 દિવસ પહેલા જ હરામીનાળાં પાસેથી 2 પાકિસ્તાની બોટ મળી આવી હતી જેને લઇને વધુ સતર્કતા રાખવામાં આવી રહી છે.
મુંબઈ હુમલા માટે આતંકીઓ ગુજરાતથી પ્રવેશ્યા હતા
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા ભારતીય નૌ સેનાના વડા એડમિરલ કરમબીરસિંહે પણ મીડિયા સાથેની વાતચીતમાં આ ઇનપુટનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, જૈશ-એ- મોહંમદના આતંકી દરિયાની અંદરથી હુમલો કરી શકે છે. 6 થી વધુ આતંકીઓને આ પ્રકારની ટ્રેનિંગ પાકિસ્તાને આપી છે અને તેમનો ઉદ્દેશ દરિયામાંથી આતંકી હુમલાનો છે. જેને લઇને ભારતીય નૌ સેના એલર્ટ પર છે. ભારતીય નૌ સેનાએ દરિયાઇ સીમાવાળા ગુજરાત સહિતના રાજ્યોની સરકારો અને સ્થાનિક તંત્રને પણ સૂચના આપી છે. ગુજરાત માટે જોખમ સૌથી વધુ છે. કારણકે આ પહેલા પણ મુંબઇમાં આતંકી હુમલા વખતે આતંકીઓએ ગુજરાતના દરિયાઇ વિસ્તારમાંથી જ ઘૂષણખોરી કરી હતી, જેના કારણે કોસ્ટગાર્ડ વધુ સતર્ક રહે છે. ગુજરાતની દરિયાઇ સરહદ પર કોસ્ટગાર્ડ અને ભારતીય નૌ સેનાનું અભેદ કવચ છે.
વલસાડ, ભિલાડ, કંડલા પર સઘન ચેકિંગ
ગુજરાતના દરિયાઈ માર્ગે આંતકવાદી ઘુસ્યા હોવાના ઇનપુટ બાદ કંડલા પોર્ટ ખાતે સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે અને કોસ્ટગાર્ડ, સીઆઈએસએફ અને પોલીસ દ્વારા દરીયામાં સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. અંડરવોટર એટેકની ચેતવણીને પગલે દરિયાકિનારે આવેલા જિલ્લામાં સઘન બંદોબસ્ત ગોઠવાઈ દેવાયો છે. હાઈએલર્ટને પગલે રાજ્યની સરહદો સીલ કરાઈ છે. એલર્ટને પગલે વલસાડ જિલ્લાના દરિયા કિનારે પણ પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે. રાજ્યમાં પ્રવેશદ્વાર ભિલાડ ખાતે પણ સઘન વાહન ચેકીંગ થઈ રહ્યું છે. વલસાડ જિલ્લા ની સરહદો પર પણ ચેકીંગ હાથ ધરાયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે