રણજીતભાઈએ પ્રેમની વ્યાખ્યા બદલી નાંખી, મૃત પત્નીના યાદમાં ધોતી પહેરીને ઉઘાડા પગે કરી ચારધામ યાત્રા

Love Story : ફિલ્મો જોઈને પ્રેમ કરતા અને એક ગઈ તો બીજી એવી માન્યતાવાળા આજના યુવાનોને રણજીતભાઇ ગોલેતરે પ્રેમની સાચી વ્યાખ્યા સમજાવી છે. પ્રેમનું પૂર્ણ સ્વરૂપ શું હોય શકે તેની પ્રેરણા યુવાનોએ રણજીતભાઇ પાસેથી લેવી જોઈએ

રણજીતભાઈએ પ્રેમની વ્યાખ્યા બદલી નાંખી, મૃત પત્નીના યાદમાં ધોતી પહેરીને ઉઘાડા પગે કરી ચારધામ યાત્રા

Botad News રઘુવીર મકવાણા/બોટાદ : બલિદાન, પ્રેમ, મોહ માયાનો ત્યાગ આવી વાતોને ફિલ્મી વાતો ગણવામાં આવે છે આજના સમયમાં કોઈ વ્યક્તિ કોઈના માટે પોતાનું સર્વસ્વ છોડી દે એવી વાત સાંભળીએ તો નવાઈ પામી જવાય. ગઢડા તાલુકાના ઢસા ગામના એક પતિએ આજના યુવાનોને પ્રેમ શું કહેવાય તેનું સર્વોત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઢસાગામના રણજીતભાઈ ગોલેતર પત્નીના વિયોગમાં શરીર પર માત્ર એક ધોતી પહેરીને ઉઘાડા પગે 12 જ્યોર્તિલિંગ અને ચાર ધામની યાત્રા કરીને પરત ફર્યા હતા. ત્યારે સમસ્ત ઢસાગામ દ્વારા રણજીતભાઈને હાથીની અંબાડી પર બેસાડી ઘોડા, ઊંટ અને ઢોલ નગારા ડીજે સાથે ભવ્ય શોભાયાત્રા યોજી સન્માન કર્યું.

અઢી અક્ષરનો શબ્દ એટલે પ્રેમ, પ્રેમ માટે ઈતિહાસ રચાયો છે, પ્રેમ માટે કેટલાય લોકોએ બલીદાન આપ્યા છે, પ્રેમને પામવા કેટલાય લોકો સાહસ કરતા હોય છે, પ્રેમને અમર કરવા પ્રેમીઓ પોતાની પ્રેમિકાની યાદ માટે કોઈ તાજ મહેલ બનાવી પ્રેમને અમર કરે છે. પરંતુ ગઢડા તાલુકાના ઢસા ગામના રણજીતબાઈએ પત્નીના નિધન બાદ તેના મોક્ષ માટે શરીર પર ફક્ત એક ધોતી પહેરીને ઉઘાડા પગે 12 જ્યોતિ લિંગ અને ચાર ધામની યાત્રા કરી છે. 

ઢસા ગામે રહેતા રણજીતભાઈ ગોલેતર ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેને 2017 મા ઢસા ગામે ખાનગી શાળામાં નોકરી કરતા જિજ્ઞાશાબેન સાથે પ્રેમ થયો અને ત્યારબાદ બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા. તે પછી ૨૦૨૨ માં બંને કોરોના પોઝીટીવ થયા હતા. ત્યારે રણજીતભાઈ કોરોનામાં બચી ગયા અને તેમની પત્ની જિગ્નાસાબેનનું કોરોનામા નિધન થયું હતું. તેથી રણજીતભાઈને આઘાત લાગ્યો હતો. આ બાદ તેમને ચારધામ યાત્રા કરવાનો વિચાર આવ્યો અને 19, એપ્રિલ 2022 ના રોજ તેઓ ફક્ત એક ધોતી પહેરીને ઉઘાડા પગે 12 જ્યોર્તિલિંગ અને ચારધામની યાત્રાએ નીકળી ગયા. 

તેમણે એક વર્ષ અને ૧૨ દિવસમાં ૧૨ જયોતિલીગ અને ચાર ધામની યાત્રા પૂર્ણ કરી હતી. આજે પોતાના માદરે વતન પરત ફરતા તેઓ ગઢડા બીએપીએસ મંદિરે સંતોના દર્શન અને આશીર્વાદ લીધા હતા અને ત્યાર બાદ પોતાના ગામ ઢસા જવા રવાના થયા. તે દરમિયાન 100 જેટલી કારનો કાફલા ગઢડાથી સાથે નીકળ્યા હતા. તે દરમિયાન ગઢડામા જીનનાકા, સામાકાઠે તેમજ રસ્તામાં આવતા રણીયાળા, ગુદાળા, માલપરા, પાટણા ગામોમાં ઠેર ઠેર લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું અને ઢસા પહોંચતા ગામ લોકોએ રણજીતભાઈને હાથીની અંબાડી પર બેસાડી ઘોડા, ઊંટ, ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા યોજી સ્વાગત કર્યુ હતું. ત્યારે રણજીતભાઈ ગોલેતરે પણ ખુશી વ્યક્ત કરી હતી અને હવે આગળ સમાજ સેવા કરવાનું વિચાર્યું છે તેમ કહ્યું હતું. 

પત્નીના નિધન બાદ તેને મોક્ષ મળે તે માટે રણજીતભાઈ ગોલેતરે જે ચારધા ની યાત્રા કરી છે, તે આજના સમયે અશક્ય જેવું છે. કારણ શરીર પર ફક્ત એક ધોતી પહેરીને ખુલ્લા પગે જવુ અને બરફ વચ્ચે રહેવુ આ તો ભગવાનની કૃપા હોય અને દ્રઢ મનોબળ હોય એટલે શક્ય બને. નહિતર અત્યારના સમયમાં આ શક્ય જ નથી તેવું ગઢડા બીએપીએસ મંદિરના કોઠારી સ્વામી અધ્યાત્મ સ્વરૂપ સ્વામીએ જણાવ્યું હતું.

તો સ્થાનિક લોકોએ કહ્યું કે, ઢસાના અને અમારા રજપૂત સમાજનું ગૌરવ એવા રણજીતભાઈ ગોલેતરને તેની અલૌકિક શકિતને પ્રણામ છે. કારણ ફક્ત ૩૮૨ દિવસે એટલે કે, એક વર્ષ ૧૨ દિવસમાં ૧૨ હજાર કિલોમીટરની ૧૨ જયોતિલીગ અને ચાર ધામની યાત્રા પૂરી કરી છે. તેમણે યાત્રામાં એક પગે તપ કર્યું, કેદારનાથમાં એક મહિનો બરફ વચ્ચે રહીને શીવ પુરાણનુ પઠન કર્યુ હતું. 

અમારા ગામના રણજીતભાઈ ગોલેતરે પત્નીના નિધન બાદ તેમના મોક્ષ માટે તેણે ઉઘાડા પગે 12 જ્યોર્તિલિંગ અને ચારધામની યાત્રા પૂર્ણ કરીને આજે ઢસા પરત આવ્યા છે. ત્યારે આખા ઢસા ગામમાં આનંદ છવાયો છે. ગામના લોકોએ રણજીતભાઈનું ભવ્ય શોભાયાત્રા યોજી સ્વાગત કર્યું છે. ત્યારે આ સમયમાં પ્રેમ જીવિત છે તેનો દાખલો રણજીતભાઈએ બેસાડ્યો છે.  

ફિલ્મો જોઈને પ્રેમ કરતા અને એક ગઈ તો બીજી એવી માન્યતાવાળા આજના યુવાનોને રણજીતભાઇ ગોલેતરે પ્રેમની સાચી વ્યાખ્યા સમજાવી છે. પ્રેમનું પૂર્ણ સ્વરૂપ શું હોય શકે તેની પ્રેરણા યુવાનોએ રણજીતભાઇ પાસેથી લેવી જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news