વડોદરાના લેન્ડલોર્ડ બિલ્ડર હરીશ અમીન કેસમા મોટો રાઝ ખૂલ્યો, અકસ્માત નહિ હત્યા થઈ હતી
Builder Harish Amin Mysterious Death : વૈભવી કારોનો કાફલો ધરાવતા બિલ્ડર હરીશ અમીન સામાન્ય ઈકો કારમાં કેવી રીતે આગમાં ભડથુ થઈ ગયા તે અંગે શંકા જતા પોલીસે તપાસ તેજ કરી હતી
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા :થોડા સમય પહેલા ઇકો કારમાં આગ ભભૂકતા વડોદરાના પ્રખ્યાત બિલ્ડર અમીન ઓર્ચિડ ફાર્મના માલિક ભડથું થઈ ગયા હતા. જેના બાદ અનેક સવાલો ઉઠ્યા હતા કે, આ અકસ્માત છે કે હત્યા. ત્યારે વડોદરાના લેન્ડલોર્ડ બિલ્ડર હરીશ અમીનની હત્યા થઈ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. હરીશ અમીનનું અકસ્માતમાં મોત નહિ, પણ હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઉછીના નાણાં પરત આપવા ન પડે માટે હરીશ અમીનની હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યુ છે. પોલીસે 5 શખ્સોને ઉઠાવી તેમની સઘન પૂછપરછ આદરી છે. 18 મેના રોજ તાલુકા પોલીસે AD ગુનો દાખલ કર્યો હતો. જેમાં પોલીસે અઢી મહિના સુધી કરેલી મેરેથોન તપાસના અંતે હત્યાનો ભેદ ઉકેલાયો છે.
બન્યુ એમ હતું કે, વડોદરાના સિંધરોટ ભીમપુરા રોડ ઉપર બિલ્ડર હરીશ દાદુભાઈ અમીન (ઉમર 68 વર્ષ) ઇકો કારમાં અચાનક આગ લાગી હતી, અને તેઓ પોતાની જ કારમાં જીવતા ભડથુ થઇ ગયા હતા. તપાસ કરતા સામે આવ્યુ કે, લોકિંગ સિસ્ટમ વિનાની કારમાં દરવાજો નહીં ખુલતા આ કરુણાંતિકા સર્જાઇ હતી. ઈકો કાર આખી ભડથુ થઈ ગઈ હતી, સાથે જ તેમાં બેસેલે હરીશ અમીન પણ આગમાં ભડથુ થયા હતા. જે અંગે તેમના પુત્ર કરણ અમીન દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : બોટાદના ખેડૂતો હવે માલામાલ બનવાના રસ્તે, પરંપરાગત ખેતીને તિલાંજલિ આપીને નવી ખેતી તરફ વળ્યાં
આ અકસ્માત અનેક સવાલો ઉભા કરે તેવો હતો. તેથી પોલીસે હત્યની થિયરીની દિશામાં તપાસ તેજ કરી હતી. કારણ કે, અમીન ઓર્ચિડ ફાર્મ હાઉસના માલિક અને વડોદરાના બિલ્ડર હરીશ અમીન (ઉ.વ.68) મોંઘી અને વૈભવી કારોનો કાફલો ધરાવતા હોવા છતાં સામાન્ય ઇકો કારમાં કેમ ગયા. તેઓ મધ્ય રાતે જ કેમ નીકળ્યા. તેમજ તેઓ મધ્ય રાત્રિએ એકલા કયા કારણોસર નીકળ્યા. આ માટે વડોદરા પોલીસે સિંધરોટથી ઉમેટા ચોકડી સુધીના ફાર્મ હાઉસ અને પેટ્રોલ પંપ ઉપર લગાડેલા સીસીટીવી ખંખોળ્યા હતા.
આખરે એલસીબીને ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, કેટલાક શખ્સોએ હરીશ અમીન પાસેથી મોટી રકમ ઉધારમાં લીધી હતી, જેના મામલે બોલાચાલી થઈ હતી. હરીશ અમીન વારંવાર રૂપિયાની ઉઘરાણી કરતા હતા. જેથી રૂપિયા આપવા ન પડે તે માટે તેમની હત્યાનુ ષડયંત્ર ઘડાયુ હતું. હાલ પકડાયેલા લોકોની પૂછપરછ ચાલી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે