વડોદરાના 11 હાઈવે બીમાર પડ્યા, સારવારનો ખર્ચો 4 કરોડ... 15 કિમીનો રોડ સાવ સડી ગયો

Vadodara News : વડોદરા જિલ્લામાં સ્ટેટ હાઇવે પર અંદાજિત 15 કિલોમીટર લંબાઈમાં રોડ પર ખાડા પડ્યા હોવાનું સામે આવ્યું 

વડોદરાના 11 હાઈવે બીમાર પડ્યા, સારવારનો ખર્ચો 4 કરોડ... 15 કિમીનો રોડ સાવ સડી ગયો

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરા જિલ્લાના તમામ તાલુકા મથકોને જોડતા રોડની હાલત બિસ્માર બની છે. ત્યારે વડોદરા જિલ્લામાં આવતા સ્ટેટ હાઇવે પર પડેલા ખાડા 4 કરોડના ખર્ચે રિપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વડોદરા જિલ્લામાં સ્ટેટ હાઇવે પર અંદાજિત 15 કિલોમીટર લંબાઈમાં રોડ પર ખાડા પડ્યા હોવાનું સામે આવ્યું છે.

ચોમાસાની શરૂઆત બાદ રાજ્યમાં રોડ રસ્તા તૂટી જવાની બૂમો ઉઠી છે. ત્યારે વડોદરા જિલ્લાની વાત કરીએ તો, તમામ તાલુકા મથકને જોડતા રોડ બિસ્માર બન્યા છે. સ્ટેટ હાઇવેની વાત કરીએ તો, વડોદરા જિલ્લાના 700 કિમીના 41 સ્ટેટ હાઇવે આવેલા છે. તે પૈકી વડોદરા સાવલી, વડોદરા વાઘોડીયા, વડોદરા ડભોઇ અને વડોદરા જંબુસર હાઇવે પર મોટા પ્રમાણમાં ખાડા પડ્યા છે. વડોદરા જિલ્લા માર્ગ મકાન વિભાગના સર્વે મુજબ, રોડ પર પડેલા ખાડાનો અંદાજ કાઢવામાં આવ્યો છે. જેમાં અંદાજિત 15 કિલોમીટર લંબાઈમાં રોડ પર ખાડા પડ્યા હોવાનું સામે આવ્યું છે.

વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાઓને જોડતા સ્ટેટ હાઇવેની વાત કરીએ તો કુલ 11 સ્ટેટ હાઇવે પર ખાડા પડ્યા

  • પાદરાથી જંબુસર, કરજણથી કાયાવરોહણ, પાલેજથી નારેશ્વર, પોર-કાયાવરોહણથી સાધલી
  • વડોદરાથી ડભોઈ, ડભોઈથી સેગવા, ડભોઈથી કાયાવરોહણ
  • વડોદરાથી સાવલી, સાવલીથી ટીમ્બા ડેસર, વડોદરાથી વાઘોડિયા, વાઘોડિયા-ખેરવાડીથી ઋતમપુરા
  • વડોદરા જિલ્લાના ટોટલ સ્ટેટ હાઇવે - 41 સ્ટેટ હાઇવે
  • અંદાજિત દર વર્ષે 100 કરોડના રોડના થાય છે કામો
  • 700 કિલોમીટર જેટલો રોડ છે

વડોદરા ડિવિઝનના માર્ગ અને મકાન વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર કેઆર થોરાટના જણાવ્યા અનુસાર, વડોદરા જિલ્લામાં 41 સ્ટેટ હાઇવે પૈકી 11 હાઇવે પર વરસાદના કારણે ખાડા પડ્યા છે, જેના પેચ વર્કની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જોકે વડોદરાના વાઘોડીયા અને સાવલીને જોડતા હાઇવેને આખો નવો બનાવવાનું કામ નવરાત્રિથી શરૂ થશે. જ્યારે વડોદરાથી ડભોઇ રોડને પહોળો કરવાની અને ડિવાઈડર મોટા કરવાનુ આયોજન કરવામાં આવ્યું છે. 

તંત્રનું કહેવું છે કે, હાલ પૂરતા જે રોડ પર ખાડા પડ્યા છે, તે પૂરીને પેચવર્ક કરવામાં આવશે અને નવરાત્રિ પહેલા આ કામ પૂરું કરી દેવાની ખાતરી આપવામાં આવી રહી છે. પણ હાલમાં રોડ પર પડેલા ખાડાના કારણે વાહનચાલકો પરેશાન છે. વાહનચાલકો ખાડાના કારણે અકસ્માતનો ડર લાગતો હોવાની વાત કરે છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરા જિલ્લામાં કરોડો રૂપિયાના રોડ દર વર્ષે બનાવાય છે, છતાં એક જ વરસાદમાં રોડ ધોવાઈ જાય છે. ઠેરઠેર ખાડા પડે છે. જેથી રસ્તા ઉબડખાબડ બની જાય છે. વાહનો જમ્પિંગ જપાક કરીને ચાલતા થઈ જાય છે. ત્યારે શું રોડના કામમાં હલકી કક્ષાની કામગીરી કરાય છે તે સવાલ ઉઠવા પામે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news