વડોદરામાં ઢોલ-નગારા વગાડી પ્રજાને પીવાનું શુદ્ધ પાણી આપવા તંત્રને જગાડતી કોંગ્રેસ
વડોદરાવાસીઓને ફરજની સુવિધા આપવામાં નિષ્ફળ નિવડેલ પાલિકાના બહેરા કાને રજુઆત રૂપી અવાજ પહોંચાડવા માટે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિત અસંખ્ય કાર્યકરો તેમજ પાલિકાના વિપક્ષના નેતા,નગરસેવકો અને કાર્યકરો આજે પાલિકાની કચેરી ખાતે ઢોલ-નગારા સાથે પહોંચ્યા હતા અને શહેરમાં વિતરણ કરાતાં દૂષિત ગંદા પાણીને લઇને રજૂઆત કરી હતી.
Trending Photos
તૃષાર પટેલ/ વડોદરાઃ વડોદરા શહેરના દક્ષિણ અને પૂર્વ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ગટરનું ગંદુ પાણી ભરેલું દુર્ગંધયુક્ત વિવિધ રંગોવાળા પીવાના પાણીનું વિતરણ થઈ રહ્યું છે. આ ગંદા તેમજ દૂષિત પાણીને લઇને સ્થાનિક રહીશોએ વારંવાર જે તે વોર્ડ કચેરી ખાતે દેખાવો સાથે રજૂઆત કરી હતી, પરંતુ તંત્રના બહેરા કાને આ રજૂઆતોની કોઈ અસર ન થતાં શુક્રવારે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અનોખો વિરોધ કરાયો હતો.
શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઢોલ નગારા સાથે શહેરમાં રેલી કાઢી હતી અને તેઓ રેલી સ્વરૂપે પાલિકા કમિશનર કચેરીએ પહોંચ્યા હતા. અહીં, તેમણે શહેરના રહીશોને પીવાનું શુદ્ધ પાણી આપવા માટે રજૂઆત કરીને આવેદનપત્ર આપ્યું હતું. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે શહેરની અંદર પાણીની સમસ્યા વિકટ બની રહી છે.
છેલ્લા ઘણા સમયથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઓછા પ્રેશરથી પાણી તો આવે છે. જે પાણી આવે છે તે પણ ગંદુ અને દૂષિત આવે છે, જેના કારણે વિસ્તારમાં રહેતા રહીશો ઝાડા ઉલ્ટી જેવી ગંભીર બીમારીમાં સપડાયા છે. છેલ્લા કેટલા સમયથી શહેરના પૂર્વ વિસ્તાર જેવા કે, મોગલવાડા, ખાટકીવાડ, પાણીગેટ, આજવા રોડ, વાઘોડિયા રોડ અને સોમા તળાવ તરફ રહેતા રહીશોને જીવાત વાળું, ગંદુ અને દૂષિત પાણી વિતરિત કરાઈ રહ્યું છે.
જ્યારે પણ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરાય છે ત્યારે તેઓ ઉડાઉ જવાબ આપીને છૂટી જતા હોય છે. પાલીકાના વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે અધિકારીઓના ઉડાઉ જવાબને આગળ રાખી ચીમકી ઉચ્ચારી છે કે, જો પાલિકાના અધિકારીઓ અને ઇજનેરો પીવાનું શુદ્ધ પાણી નજીકના દિવસોમાં નહિ આપે તો દૂષિત અને ગંદુ પાણી પાલિકાના અધિકારી અને ઇજનેરોને પીવડવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે