જામનગર ગ્રામ્યના કોંગી ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ પણ ભાજપની ઓફર ફગાવી

વર્ષો સુધી ભાજપમાં હોવાને કારણે મારો સંપર્ક કરાયો હતો, પરંતુ હાલ કોંગ્રેસે મારા પર જે ભરોસો મુખ્યો છે તેને હું તોડવા માગતો નથીઃ વલ્લભ ધારવિયા

જામનગર ગ્રામ્યના કોંગી ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ પણ ભાજપની ઓફર ફગાવી

મુસ્તાક દલ/ જામનગરઃ જામનગર ગ્રામ્યના કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ પણ ભાજપમાં જોડાવાનો ઈનકાર કરી દીધો છે. હાલ લોકસભાની ચૂંટણી નજીક આવતાં તોડ-જોડનું રાજકારણ ચાલી રહ્યું છે. ભાજપ દ્વારા સૌરાષ્ટ્રમાં પોતાના મૂળિયા મજબૂત કરવા માટે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાનો સિલસિલો શરૂ કરાયો છે. જેના અનુસંધાને જામનગરના કોંગ્રેસના ધારાસબ્ય વલ્લભ ધારવિયાનો પણ ભાજપ દ્વારા સંપર્ક કરાયો હતો. 

આ ઉપરાંત, પણ ભાજપ દ્વારા કોંગ્રેસના કેટલાક અન્ય ધારાસભ્યોનો સંપર્ક કરાયો હતો. જેમાં જામનગર ગ્રામ્યના કોંગ્રેસી ધારાસભ્ય વલ્લભ ધારવિયાનો પણ સમાવેશ થાય છે. આ અંગે જ્યારે વલ્લભ ધારવિયાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે, "હું અગાઉ વર્ષો સુધી ભાજપમાં હોવાને કારણે મારો સંપર્ક સાધવામાં આવ્યો હતો, પરંતુ મેં ભાજપમાં જોડાવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. મારી ભાજપમાં જોડાવા અંગેની વાતો પાયાવિહોણી છે." 

વલ્લભ ધારવિયાએ વધુમાં જણાવ્યું કે, "હું કોઇ પણ કાળે ભાજપમાં જોડાવાનો નથી. હું કોંગ્રેસ પક્ષ પ્રત્યે સંપૂર્ણપણે વફાદાર છું અને હંમેશા રહીશ. કોંગ્રેસ પક્ષે મારા પર જે ભરોસો મુકયો એના પર હું ખરો ઉતરીશ." આમ, ધારવિયાએ ભાજપમાં જોડાવાની વાતને રદિયો આપી દીધો હતો અને કોંગ્રેસ પ્રત્યેની પોતાની નિષ્ઠા જણાવી હતી. 

ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા સૌરાષ્ટ્રમાં પોતાના મૂળિયા મજબૂત કરવા માટે કોંગ્રેસના કેટલાક મોટા ગજાના નેતાઓનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. જેમાંથી શુક્રવારે કોંગ્રેસના બે ધારાસભ્ય જવાહર ચાવડા(માણાવદર) અને પરસોત્તમ સાપરિયા (ધ્રાંગધ્રા)એ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. જવાહર ચાવડાએ તો શુક્રવારે જ ગાંધીનગર ખાતે ભાજપની કચેરી કમલમમાં પહોંચીને કેસરિયો ધારણ કરી લીધો હતો. જ્યારે પરસોત્તમ સાપરિયા સોમવારે કેસરિયો ધારણ કરે તેવી સંભાવના છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news