દારૂ બાદ ગાંજાનું હબ બની રહ્યું છે વલસાડ? 283 કિલો ગાંજો ભરેલી બસ પોલીસ પર ચડાવી દીધી અને...
Trending Photos
વલસાડ : જિલ્લા એલસીબી પોલીસે નશીલા ગાંજાનું એક મસમોટું રેકેટ ઝડપી પાડ્યું છે. જેમાં પોલીસે વલસાડ નજીક હાઈ-વે પરથી રૂપિયા 28 લાખની કિંમતના 283 કિલો જેટલા ગાંજાનો જથ્થો ભરેલી ટેમ્પો ટ્રાવેલર બસને ઝડપી પાડ્યો છે. ઉપરાંત એક આરોપીની ધરપકડ કરી છે. વલસાડ જિલ્લા એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે એલસીબી પોલીસની ટીમ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વોચમાં હતી. વાહન ચેકિંગ દરમિયાન ત્યાંથી પસાર થઇ રહેલા એક ટેમ્પો ટ્રાવેલર બસને રોકવા માટે એલસીબીની ટીમે પ્રયાસ કર્યો હતો. જોકે આ બસ ચાલકે પોલીસની ટીમને જોતા જ પૂર ઝડપે બસને હાઇવે પર દોડાવી મુકી હતી. જેથી હકીકત સમજી ચૂકેલી એલસીબી પોલીસની ટીમે હાઇવે પર ફરાર થઈ રહેલી આ ટેમ્પો ટ્રાવેલર બસનો પીછો કર્યો હતો. થોડા સમય સુધી એલસીબીની ટીમ અને ટેમ્પો ટ્રાવેલર બસ વચ્ચે પૂર ઝડપે રેસ થઈ હતી. હાઇવે ઉપર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. આખરે વલસાડના ધમડાચી નજીક પહોંચતા જ એલસીબીની ટીમે આ ટેમ્પો ટ્રાવેલર બસને રોકવામાં સફળતા મળી હતી.
પોલીસે તપાસ કરતાં બસમાં કાંઈ શંકાસ્પદ જોવા મળ્યું ન હતું. પરંતુ પોલીસને બાતમી મળી હોવાથી તેની તપાસ કરતા બસમાંથી ચોર ખાનામાં છુપાવવામાં આવેલા અંદાજે 28 લાખ રૂપિયાની કિંમતના 283 કિલો જેટલા નશીલા પદાર્થ ગાંજાનો મોટો જેટલો જથ્થાને જપ્ત કર્યો હતો. બસમાંથી અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા શકીલ બદરુદ્દીન નામના આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે મોકાનો લાભ લઈને આરોપી શકીલનો મામાનો દીકરો નદીમ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
વલસાડ જિલ્લા એલ સી બી પોલીસે હાઇવે પરથી પસાર થતાં ટેમ્પો ટ્રાવેલર બસમાંથી રૂપિયા 28 લાખની કિંમતના ગાંજાના જથ્થાને જપ્ત કરી ગાંજાના રેકેટના મૂળ સુધી પહોંચવા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. જોકે અત્યાર સુધીની પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ ગાંજાનો જથ્થો આરોપીઓ યુપીથી મંગાવ્યો હતો. મુંબઈથી તેઓ અમદાવાદ તરફ લઈ જઈ રહ્યા હતા. અમદાવાદમાં આ ગાંજો નદીમ નામના આરોપીના મિત્ર સુધી પહોંચાડવાનો હોવાની હકીકત જાણવા મળી છે. જેથી પોલીસે આ ગાંજાનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને આપવાનો હતો વગેરે પાસાઓ પર તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત ગાંજાના રેકેટના મૂળ ક્યાં સુધી ફેલાયેલા છે? આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે વલસાડ એલસીબી પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. મહત્વપૂર્ણ છે કે, આ અગાઉ પણ વલસાડ જિલ્લામાંથી નશીલા ગાંજાનો કાળો કારોબાર ઝડપાઈ ચુક્યો છે. જો કે આટલી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપવાનો આ પ્રથમ કેસ છે. જેથી વલસાડ એલસીબી પોલીસે આ ગાંજાના જથ્થાને જપ્ત કરી રેકેટના મૂળ સુધી પહોંચવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે