રૂપાણીએ ઇઝરાયલના મ્યુઝિયમની વિઝીટ બૂકમાં વ્યકત કરી લાગણી, જાણો શું લખ્યું

યાડ વાશેમ બીજા વિશ્વયુદ્ધમાં યહૂદીઓના સામુહિક નરસંહારના મૃતકો તથા વિપરીત સ્થિતિમાં પણ યહૂદી કોમને માનવતાના નાતે મદદ અને ઉત્કૃષ્ટ પ્રદાન કરનારા દિવંગત આત્માઓની સ્મૃતિમાં બનાવવામાં આવેલું ઇઝરાયલનું સત્તાવાર સ્મારક છે. 

રૂપાણીએ ઇઝરાયલના મ્યુઝિયમની વિઝીટ બૂકમાં વ્યકત કરી લાગણી, જાણો શું લખ્યું

અમદાવાદ: વિજય રૂપાણીએ ગુજરાત ડેલિગેશન સાથેના તેમના ઇઝરાયેલ પ્રવાસના ચોથા દિવસે ઇઝરાયેલના ઐતિહાસિક યાડ વાશેમ હોલોકૉસ્ટ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. યાડ વાશેમ બીજા વિશ્વયુદ્ધમાં યહૂદીઓના સામુહિક નરસંહારના મૃતકો તથા વિપરીત સ્થિતિમાં પણ યહૂદી કોમને માનવતાના નાતે મદદ અને ઉત્કૃષ્ટ પ્રદાન કરનારા દિવંગત આત્માઓની સ્મૃતિમાં બનાવવામાં આવેલું ઇઝરાયલનું સત્તાવાર સ્મારક છે.  આ સ્મારકમાં હોલોકૉસ્ટ હિસ્ટ્રી મ્યુઝિયમ, હોલ ઓફ નેમ્સ, આર્ટ ગેલેરી સહિતના સ્થાપત્યોનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રીએ આ મુલાકાત દરમિયાન બીજા વિશ્વયુદ્ધમાં મોતને ભેટેલા યહુદી પુરૂષો, સ્ત્રીઓ અને બાળકોને તથા તત્કાલિન વિપરીત સ્થિતી અને ભયના ઓથાર વચ્ચે પણ યહૂદી કોમને માનવતાના નાતે મદદરૂપ થયેલા દિવંગતોને સાડા છ કરોડ ગુજરાતીઓ વતી શ્રદ્ધાંજલિ આપી હતી. વિજય રૂપાણીએ પોતાની લાગણીને વિઝીટ બૂકમાં શબ્દ રૂપે ઢાળતા જણાવ્યું કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયેલો સામુહિક નરસંહાર એ વિશ્વની સૌથી ક્રૂર ઘટનાઓ પૈકીની એક હતી. આવી ઘટનાનું ફરી ક્યારેય પુનરાવર્તન ન થાય તે જોવાની જવાબદારી દુનિયાના તમામ દેશો, સૌ ધર્મો અને સંપ્રદાયોની છે.

— Vijay Rupani (@vijayrupanibjp) June 30, 2018

યહૂદી કોમે કરેલા સંઘર્ષ અને અનુભવેલી પીડાનો ઉલ્લેખ કરતા વિજય રૂપાણીએ જણાવ્યું કે આટઆટલી પીડા અને સમસ્યાઓનો સામનો કર્યા પછી પણ યહૂદી કોમે જે વૃદ્ધિ અને પ્રગતિ સાધી છે તે સમગ્ર દુનિયા માટે એક મહાન દ્રષ્ટાંત છે. ઇતિહાસ આપણને શીખવે છે કે આપણી રાષ્ટ્રીયતા કે ધર્મ ભલે ગમે તે હોય, આપણે હંમેશા માનવતાના ગુણોને પોતાની જાતમાં સદાય જીવંત અને આત્માસાત રાખવા જોઇએ.

માઉન્ટ હર્ઝલના પશ્ચિમ ઢોળાવ પર આવેલું યાડ વાશેમ હોલોકૉસ્ટ મ્યુઝિયમ ૧૯૫૩માં સ્થપાયું છે અને તે જેરૂસલેમની વેસ્ટર્ન વોલ પછીનું ઇઝરાયલનું સૌથી વધુ જાણીતું સ્થળ છે. ઇઝરાયેલની સ્થાપના ઇતિહાસથી વર્તમાન અને ભવિષ્યની પેઢીને સતત પરિચિત રાખવા આ યાડ વાશેમ હોલોકૉસ્ટ મ્યુઝિયમની સ્થાપના થઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news