મોઢવાડિયા અને ડેરથી શું થશે ભાજપને ફાયદો?, જાણો કેમ લાલજાજમ પાથરી કર્યું સ્વાગત
Loksabha Election 2024: સૌરાષ્ટ્ર કોંગ્રેસ આ બન્ને મોટા નેતાઓએ કોંગ્રેસને રામ રામ કહી ભાજપનો કેસરિયો ખેસ તો ધારણ કરી દીધો. ભાજપને આશા છે કે આ બન્ને નેતા આવવાથી સૌરાષ્ટ્રની પોરબંદર, જામનગર, અમરેલી, ભાવનગર બેઠક પર ફાયદો થશે. કારણ કે આ બન્ને નેતાઓ જે સમાજમાંથી આવે છે તે મેર અને આહીર સમાજની વસ્તી આ લોકસભા બેઠકમાં વધુ છે.
Trending Photos
Loksabha Election 2024: અર્જૂન મોઢવાડિયા અને અંબરીશ ડેર કોંગ્રેસના ત્રિરંગામાંથી ભાજપના કેસરી રંગમાં રંગાઈ ગયા છે. બન્ને નેતાઓ ભાજપમાં આવ્યા બાદ તેમણે ડાહી ડાહી વાતો કરી. ભાજપમાં કોઈ પણ સ્વાર્થ વગર આવ્યા હોવાનું નિવેદન આપ્યું. પરંતુ સામાન્ય માણસ પણ સમજી શકે છે કે કોઈ વ્યક્તિ સ્વાર્થ વગર કશું જ કરતો નથી. ત્યારે મોઢવાડિયા અને ડેરના શું છે ભાજપમાં સેટિંગના સમિકરણો?...જુઓ આ અહેવાલમાં....
- સૌરાષ્ટ્રના OBC મતો પર ભાજપની મોટી તરાપ!
- મેર અને આહીરને કરાવી દીધો કેસરિયો
- મોઢવાડિયા અને ડેરથી શું થશે ભાજપને ફાયદો?
- ભાજપથી મોઢવાડિયા અને ડેરને શું થશે ફાયદો?
સૌરાષ્ટ્ર કોંગ્રેસ આ બન્ને મોટા નેતાઓએ કોંગ્રેસને રામ રામ કહી ભાજપનો કેસરિયો ખેસ તો ધારણ કરી દીધો. ભાજપને આશા છે કે આ બન્ને નેતા આવવાથી સૌરાષ્ટ્રની પોરબંદર, જામનગર, અમરેલી, ભાવનગર બેઠક પર ફાયદો થશે. કારણ કે આ બન્ને નેતાઓ જે સમાજમાંથી આવે છે તે મેર અને આહીર સમાજની વસ્તી આ લોકસભા બેઠકમાં વધુ છે. ભાજપ માટે હાલ દરેક સોદા ફાયદાના જ સાબિત થઈ રહ્યા છે. અને તેથી જ આવનારા નેતાઓ પણ કહી રહ્યા છે કે અમે માત્ર કાર્યકર તરીકે આવ્યા છીએ, કોઈ લોભ લાલચ કે પદ માટે નથી આવ્યા. પરંતુ તેઓ સંકેત પણ આપી રહ્યા છે કે પાર્ટી જે જવાબદારી સોંપશે તે કરીશું. આ જે જવાબદારી છે તેમાં જ બધુ છૂપાયેલું છે. સૌથી પહેલા તો આ બન્ને નેતાઓને તમે સાંભળી લો.
તો સાંભળ્યો તમે?, બન્ને એવું કહી રહ્યા છે કે પાર્ટી જે પણ જવાબદારી આપશે તે સ્વીકારીશું. એટલે કે પહેલાથી બધુ નક્કી જ હોય છે. અને ત્યારે તો એક પાર્ટી છોડી બીજી પાર્ટીમાં જવાનો રસ્તો તૈયાર થાય છે. રાજનેતાઓ કંઈ એમ જ સેવા કરવા માટે ધારાસભ્યનું પદ ક્યારેય ન છોડે. મોઢવાડિયા પોરબંદરથી ચાલુ ધારાસભ્ય હતા. અંબરીશ ડેર પૂર્વ ધારાસભ્ય છે. આ બન્ને ભગવાન રામ, વિકાસની રાજનીતિ, કામ થતા નહતા જેવા શબ્દોનો પ્રયોગ કરે છે. પરંતુ આ શબ્દોની પાછળ પોતાની મહત્વકાંક્ષા પણ છૂપાયેલી તો હોય જ છે. બન્ને નેતાએ ભાજપમાં આવતા પહેલા અનેક મંત્રણાઓ અને બેઠક કરી હશે.
આ બન્ને નેતાના ભાજપમાં રાજકીય ભવિષ્યની સંભાવનાઓ સમજી લઈએ...સૌથી પહેલા વાત પોરબંદરના મોઢવાડિયાની. પહેલી સંભાવના, મોઢવાડિયા પોરબંદરથી ભાજપની ટિકિટ પર પેટા ચૂંટણી લડી શકે છે. જો પેટા ચૂંટણી જીતી જાય તો રાજ્ય સરકારમાં મંત્રી પણ બની શકે છે. બીજી સંભાવના, તેઓ રાજ્યસભામાં જઈ શકે છે. જે વિદેશ મંત્રી એસ.જયશંકર લોકસભા ચૂંટણી લડે અને જીતી જાય તો રાજ્યસભાની સીટ ગુજરાતમાં ખાલી પડે. અને આ જ ખાલી સીટ પર મોઢવાડિયા સેટ થઈ શકે છે. સંભાવના એવી પણ છે કે મોઢવાડિયા કેન્દ્રમાં મંત્રી બની શકે છે. પરંતુ બહુ ઓછી સંભાવના છે.
અર્જૂન મોઢવાડિયા બાદ હવે વાત અમરેલીના અંબરીશ ડેરની...તો રાજુલાના પૂર્વ ધારાસભ્ય ડેર ફરી એકવાર રાજુલાથી ઝંપલાવી શકે છે. સંભાવના છે કે, પેટા ચૂંટણીમાં ભાજપ રાજુલાથી તેમને ટિકિટ આપી શકે છે. રાજુલાથી હાલ ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીને ભાજપ ભાવનગર લોકસભા લડાવી શકે. હીરા સોલંકી લોકસભા લડે અને જીતી જાય તો રાજુલા સીટ ખાલી પડે. અને આ જ સીટ પર ડેર ફરી મેદાનમાં ઉતરે. અને જો જીતી જાય તો રાજ્ય સરકારમાં મંત્રી પણ બની શકે છે. કોળી સમાજના કદ્દાવર નેતા હીરા સોલંકી લોકસભા લડે તેવી પુરેપુરી સંભાવના છે. અને તેથી જ તેમણે અંબરીશ ડેરના ભાજપમાં આવવાનું સ્વાગત કર્યું સાથે જ લોકસભા લડવાની તૈયારી પણ દર્શાવી.
.ભાજપથી મોઢવાડિયા અને ડેરને કેટલો ફાયદો મળે છે તેતો સમય બતાવશે પરંતુ ભાજપને આ બન્ને નેતાથી ફાયદો ચોક્કસ મળવાનો છે તે નક્કી છે. અને તેથી જ ભાજપના નેતાઓ હાલ આ બન્નેના વખાણ કરી રહ્યા છે. રાજકારણમાં ક્યારેય કોઈ કંઈજ કહી શક્તું નથી. આ એવો વ્યવસાય છે કે જેમાં નતો કોઈ કાયમી દોસ્ત છે, નતો કોઈ કાયમી દુશ્મન...ક્યારે શું થાય તેનો કોઈ જ ખ્યાલ આવતો નથી.
મોઢવાડિયા હવે તો સત્તા પક્ષમાં આવી ગયા છે, પરંતુ જ્યારે વિપક્ષમાં હતા ત્યારે તેમના ભાષણો અને નિવેદનો કેવા હતા?, તમે જાણતા જ હશો અમારે કહેવાની કંઈ જરૂર નથી. તેથી જ રાજકારણમાં અંતિમ ક્ષણ સુધી શું થાય તે કહેવું ઉતાવળું કહેવાય...હવે જોવાનું રહેશે કે આગળ શું થાય છે..
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે