સીંગતેલના વધતા ભાવ માટે જવાબદાર કોણ? નફાખોરી કે મગફળીનું ઘટતુ ઉત્પાદન?

સૌરાષ્ટ્ર ઓઇલ મીલ એસોશિએશન (સોમા)ના પ્રમુખ કિશોર વિરડીયાના કહ્યા પ્રમાણે રાજ્યમાં દિવસે દિવસે મગફળીનું વાવેતર ઘટી રહ્યું છે. વાવેતર ઘટતાં ઉત્પાદન ઓછું થયું, જેના કારણે સીંગતેલના ભાવ આસમાને પહોચ્યાં છે.

સીંગતેલના વધતા ભાવ માટે જવાબદાર કોણ? નફાખોરી કે મગફળીનું ઘટતુ ઉત્પાદન?

ગૌરવ પટેલ/અમદાવાદ: છેલ્લા અઠવાડિયામાં સીંગતેલના ભાવમાં 200 રૂપિયા કરતા વધારેનો ઉછાળો આવતાં હાહાકાર મચી ગયો છે. સીંગતેલના ટ્રેડીંગ સાથે સંકળાયેલા લોકોના કહેવા પ્રમાણે ચાઇના દ્વારા બી ગ્રેડનું સીંગતેલ ઉંચા ભાવે ખરીદવામાં આવતાં રાજ્યમાં એ ગ્રેડના તેલનો ભાવ ઉંચે ગયો હોવાનું જણાવાઈ રહ્યું છે, જોકે પુરતા પ્રમાણમાં મગફળી ન મળતાં સીંગતેલના ભાવ ઉંચકાયા છે.

મગફળીનું ઘટતુ વાવેતર અને ઓછું ઉત્પાદન મુખ્ય કારણ 
સૌરાષ્ટ્ર ઓઇલ મીલ એસોશિએશન (સોમા)ના પ્રમુખ કિશોર વિરડીયાના કહ્યા પ્રમાણે, રાજ્યમાં દિવસે દિવસે મગફળીનું વાવેતર ઘટી રહ્યું છે. વાવેતર ઘટતાં ઉત્પાદન ઓછું થયું, જેના કારણે સીંગતેલના ભાવ આસમાને પહોચ્યાં છે. વર્ષ 2019માં રાજ્યમાં 21 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું. વર્ષ 2020માં 19 લાખ હેક્ટર અને વર્ષ 2021-22માં 17 લાખ હેક્ટર વાવેતર થયું હતું. જેના કારણે વર્ષે સરેરાશ બે લાખ હેક્ટર વાવેતરમાં ઘટાડો થયો છે. વાવેતર ઘટતાં છેલ્લા ત્રણ વર્ષમાં 9 લાખ ટન મગફળીનું ઉત્પાદન ઘટ્યું છે.

શા માટે મગફળીનું વાવેતર ઘટ્યું
એક વિઘા મગફળીના વાવેતર માટે દોઢ મણ એટલે કે 30 કિલો બિયારણની જરૂર પડે છે. એક મણનો ભાવ 4000 રૂપિયા એટલે 6000 રૂપિયાના બિયારણથી એક વિધા જમીનમાં મગફળી વાવી શકાય. જેમાં 1000 રૂપિયાનું ખાતર, સિચાઇનું પાણી, નિંદામણ અને અન્ય મજુરીના 3000 રૂપિયા ત્યારબાદ થ્રેશરમાં મગફળી અલગ કરવાના 6000 રૂપિયા થાય છે. આટલુ કર્યા બાદ ખેડ઼ૂતને એક વિઘામાંથી સરેરાશ 15 મણ મગફળી મળે છે. જેનો સરેરાશ બજાર ભાવ 1300 રૂપિયા લેખે 19500ની મગફળી થાય એટલે કે ચાર મહિનાની મહેનત અને 16000 રૂપિયાના ઉત્પાદન ખર્ચ બાદ ખેડૂતને માત્ર 3500નો નફો મળે આ સ્થિતિથી કંટાળી ખેડૂતો સોયાબીન, જીરૂ, તલ જેવા અન્ય પાક તરફ વળી રહ્યા છે. 

ઉત્પાદન થયેલ મગફળીનો ક્યાં અને કેવો ઉપયોગ
ગુજરાતમાં વર્ષે સરેરાશ 27 લાખ ટન મગફળીનું ઉત્પાદન થાય છે, એક અનુમાન પ્રમાણે, 9 લાખ ટન મગફળના સીંગદાણાનો ઉપયોગ ખાવા માટે, 9 લાખ ટન દાણાનો ઉપયોગ બિયારણ માટે અને માત્ર 9 લાખ ટન મગફળી પિલાણમાં ઉપયોગમાં લેવાય છે.

મીલરોના દાવો સીંગતેલની પ્રોડક્શન કોસ્ટ બમણા કરતાં વધારે થઇ 
ચાર વર્ષ અગાઉ સીંગતેલના ઉત્પાદનમાં જે ખર્ચ થતો હતો તે બમણાં કરતાં વધારે થયો છે. ચાર વર્ષ અગાઉ વેટ હતો. 1600 રૂપિયા પર 32 રૂપિયા ટેક્સ લાગતો હતો. આજે જીએસટી લાગતાં તે 150 રૂપિયાને પાર થયો છે. ચાર વર્ષ અગાઉ ખાલી ડબ્બા કે ટીનના ભાવ 60 રૂપિયા હતા. આજે 130 રૂપિયા થયા. વિજળી યુનિટ સાડા ચાર રૂપિયા હતા. જે આજે સાડા નવ રૂપિયા થયા. એક ખાડી એટલે કે 20 મણ મગફળીના ક્રશીગ (પીલાણ)નો ખર્ચ 400 રૂપિયાનો હતો, તે અત્યારે 900 રૂપિયા થયો. ટ્રાન્સપોર્ટ માટે ડિઝલનો ભાવ 100 રૂપિયા સુધી પહોચ્યો છે. એક ડબ્બાને ગોંડલથી ગુજરાતના અન્ય ખૂણે મોકલવા માટે 20 રૂપિયા થતા હતા, તે આજે 45 થી 50 રૂપિયા સુધી થયા જેના કારણે ભાવ આસમાને પહોંચ્યા છે.

મગફળીની ઘટતી આવક અને ઓઇલ મીલો બંધ અવસ્થામાં... 
જ્યારે મગફળીની સીઝન હોય ત્યારે બજારમાં એકથી દોઢ લાખ ગુણીની આવક થતી હોય છે. જેમાં ઓઇલ મીલરોને સરેરાશ એક લાખ ગુણીની જરૂરિયાત પડે છે. વર્તમાન સ્થિતિ એ છે કે માત્ર 30 હજાર ગુણીની આવક થઇ રહી છે. એક સમય હતો જ્યારે ગુજરાતમાં 700 ઓઇલ મીલો ધમધમતી જે પૈકીની 450 ઓઇલ મીલ સૌરાષ્ટ્રમાં હતી. આજે ઓઇલ મીલોની સંખ્યા ઘટીને માત્ર 250 પર પહોંચી ગઈ છે, જે પૈકીની 80 ટકા મીલો પુરતી મગફળીના મળતાં બંધ અવસ્થામાં છે. 

કઇ રીતે થઇ રહી છે નફાખોરી?
આજના લુઝ સીંગતેલનો હોલસેલ ભાવ 10 કિલોનો 1700 રૂપિયા એટલે કે 15 કિલોના 2550 રૂપિયા ટીનનો ભાવ 130 રૂપિયા અને ટ્રાન્સપોર્ટ ખર્ચ મળી હોલસેલર વેપારી કે બ્રાન્ડ ઉત્પાદકની પડતર કિંમત 2700 રૂપિયા થાય છે, જેને તે 2850 રૂપિયા પ્લસ ટેક્સથી રીટેઇલ વેપારીને આપે અને આ તેલનો ડબ્બો સામાન્ય ગ્રાહકને આજની તારીખે 3000 રૂપિયા કરતાં વધારે ભાવે પડે છે. 

શું કરવાથી સીંગતેલના ભાવ કાબુમાં આવે..
જો સીંગતેલના ભાવ કાબુમાં લેવા હોય તો સરકારે અત્યારથી સજવુ પડશે. સરકારે મગફળીની ખેતીથી દુર થઇ રહેલા ખેડુતોને ફરી ખેતી તરફ વાળવા પડશે અને આ માટે સરકારે બીયારણમાં સહકારી મંડળીઓ થકી બીયારણ આપવુ પડે. જરૂરિયાત પ્રમાણે સિંચાઇનુ પાણી અને વિજળી આપવી પડે, સાથે જ જે ફળદ્રુપ જમીન બીન ખેતી થઇ રહી છે, તેના પર પ્રતિબંધ મુકવો પડશે અને સરકારી પડતર ખરાબા ખેડૂતોને ખેતી માટે આપવા પડે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news