એશિયાની સૌથી મોટી ડેરી હાથમાંથી ગઈ તો શંકર ચૌધરીનું સહકારી રાજકારણ પૂરુ થઈ જશે
Banas Dairy Election : ભાજપે શંકર ચૌધરીને ફરી રિપીટ કરીને એ સંકેત આપી દીધા છે કે ઉત્તર ગુજરાતના સહકાર રાજકારણ માટે શંકર ચૌધરીનું કદ હજુ પણ અકબંધ છે
Trending Photos
Shankar Chaudhary : કહેવાય છે સૂકાભઠ્ઠ રણને પણ લીલાછમ કરી શકાય છે, તમને યકીન નહીં થાય પણ સપનાં વાસ્તવમાં તબદીલ થઈ શકે છે. હાલમાં બનાસ ડેરીના ચેરમેને એ જ સપનાંને વાસ્તવિક કરવાના પ્રયાસો કરી રહ્યાં છે. એ સારી રીતે જાણે છે કે માયૂસ ચહેરા પર સ્મિત પ્રસરી શકે છે. એક રીતે બનાસ ડેરી વહેતી શ્વેતગંગા છે, જેનાથી સૂકાંપ્રદેશના લોકોનું જીવન ધન્ય થયું છે. આ એશિયાની સૌથી મોટી ડેરી હાથમાંથી ગઈ તો શંકર ચૌધરીનું સહકારી રાજકારણ પુરૂ થઈ જશે. શંકર ચૌધરી ભલે હાલમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષના પદ પર બિરાજમાન હોય પણ એના કરતાં પણ બનાસ ડેરીનું ચેરમેન પદ વધુ અગત્યનું છે. વિધાનસભાના અધ્યક્ષ બનતાં જ શંકર ચૌધરીએ ગુજરાત રાજ્ય સહકારી બેંકમાંથી રાજીનામું આપી દીધું હતું. બનાસ ડેરીના ચેરમેન પદ સાથે ઓફિસ ઓફ પ્રોફિટનો મામલો સંકળાયેલો ન હોવાથી શંકર ચૌધરી ફરી એકવાર બનાસ ડેરીના ચેરમેન પદે ફરી ચૂંટાયા છે. બનાસ ડેરીમાં 16 ડિરેક્ટરોએ મળીને આજે શંકર ચૌધરીને ફરી ચેરમેન પદે નિયુક્ત કરી દીધા છે. પહેલાં એવી ચર્ચા હતી કે એક નેતા એક પદમાં માનતી ભાજપ એમને રિપિટ નહીં કરે, કારણ કે હાલમાં ડેરીઓમાં ભાજપનો દબદબો છે. ભાજપ મેન્ડેટ જાહેર કરશે. પણ ભાજપે શંકર ચૌધરીને ફરી રિપીટ કરીને એ સંકેત આપી દીધા છે કે ઉત્તર ગુજરાતના સહકાર રાજકારણ માટે શંકર ચૌધરીનું કદ હજુ પણ અકબંધ છે. મહેસાણાની દૂધ સાગર ડેરીમાંથી વિપુલ ચૌધરીને ઘરભેગા કરી ભાજપે અશોક ચૌધરીને ચેરમેન બનાવી પોતાનો દબદબો જાળવ્યો છે.
શંકર ચૌધરી માટે બનાસ ડેરીનું ચેરમેન પદ કેમ અગત્યનું ?
એશિયાની સૌથી મોટી ડેરી ગણાતી બનાસ ડેરી એ ઉત્તર ગુજરાતના સહકારના રાજકારણમાં મોટો દબદબો ધરાવે છે. 15 હજાર કરોડથી વધારેનું ટર્નઓવર ધરાવતી આ ડેરી સાથે 3 લાખ 76 હજાર સભાસદો જોડાયેલા છે. જેમનું હિત બનાસ ડેરીના ચેરમેન સાથે જોડાયેલું હોય છે. આ ડેરી થકી દિવસના 35 કરોડ રૂપિયા પશુ પાલકનાં ખાતામાં જમા થાય છે. જે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે અતિ અગત્યના છે. બનાસ ડેરી એ બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો માટે રોજગારીનું કારણ છે. આ ડેરીના ચેરમેનનું પદ એ લાખો પશુપાલકો માટે વિશ્વાસનું પ્રતિક છે. બનાસ ડેરીમાં રોજનું 80 લાખ લીટર દૂધ આવે છે. શરૂઆતમાં દૂધ સાગર ડેરી સાથે સંકળાયેલા બનાસકાંઠાના સ્વ. ગલબા ભાઈ નાનજી ભાઇ પટેલે બનાસ ડેરની સ્થાપના કરી હતી. જેઓ ચેરમેન બન્યા બાદ દલુભાઈ દેસાઈ ચેરમેન બન્યા હતા. બનાસ ડેરીમાં પરથીભાઈ ભટોળ સતત 22 વર્ષ સુધી ચેરમેન રહ્યા છે. છેલ્લા 7 વર્ષથી શંકર ભાઈ ચૌધરી બનાસ ડેરીના ચેરમેન છે. બનાસ ડેરી થકી 3,00,000 (ત્રણ લાખ)થી વધુ પરિવારો સ્વમાનભેર જીવી રહ્યાં છે. ત્યારે એમ કહી શકાય કે ગલબાભાઈનો પુરુષાર્થ સાચા અર્થ યથાર્થ સાબિત થયો છે. ડો.વર્સિસ કુરિયનનું લક્ષ્ય સિદ્ધ થયું છે.
શંકર ચૌધરીએ સહકાર અને રાજકારણમાં પોતાનો પગદંડો જમાવવો હોય તો બનાસ ડેરીનું ચેરમેન પદ એ અતિ અગત્યનું છે. બનાસકાંઠામાં મુખ્યત્વે ખેતી અને પશુપાલનનો વ્યવસાય છે.જેથી મોટાભાગના લોકો પશુપાલનનો વ્યવસાય કરતા હોવાથી બનાસડેરી સાથે જોડાયેલા છે. બનાસડેરીએ બનાસકાંઠા જિલ્લાની આર્થિક જીવાદોરી સમાન છે. 2 હજાર કરતા વધુ દૂધ મંડળીઓ બનાસડેરી સાથે સંકળાયેલી હોવાથી મોટાભાગના લોકો બનાસડેરી સાથે સંકળાયેલા હોવાથી જે ચેરમેન હોય તેમને સીધો ફાયદો થાય છે. લોકો સાથે સીધા જોડાયેલા હોવાની સાથે તેમને રાજકારણમાં પણ અતિ મદદરૂપ થાય છે. કોઈ પણ રાજકીય કાર્યક્રમ હોય તો બનાસડેરી થકી લોકો આસાનીથી એકઠા કરી શકાય છે. બનાસડેરીના કારણે કોઈપણ સરકારી કાર્યક્રમ કરવો હોય તો આસનીથી કરી શકાય છે. બનાસડેરી સાથે ખેડૂતો અને પશુપાલકો જોડાયેલા હોવાથી તેમને કોઈપણ પક્ષ તરફ આસાનીથી જોડી શકાય છે. બનાસડેરી દ્વારા ખેડૂતોની આવક થતી હોવાથી પશુપાલકોને લાભ આપી વોટ બેંક અકબંધ રાખી શકાય છે. આમ શંકર ચૌધરી એક કાંકરે રાજકારણ અને સહકારી ક્ષેત્રમાં પોતાનો દબદબો જાળવી શકે છે. શંકર ચૌધરીને અમૂલ સંઘના ચેરમેન પદની લાલસા છે. આ પહેલાં પણ તેઓ ટ્રાય કરી ચૂકયા છે પણ ભાજપે એમને લાભ આપ્યો નથી. એક સમયે એમનું નામ ફાયનલ હતું પણ છેલ્લી ઘડીએ કપાઈ ગયું હતુ. આમ અમૂલના ચેરમેન બનવું હોય તો પણ બનાસ ડેરીના ચેરમેન પદે પોતાનો દબદબો જાળવવો એ જરૂરી છે. આમ જો ડેરી હાથમાંથી જાય તો શંકર ચૌધરીને રાજકીય રીતે તો નુક્સાન જાય સાથે સાથે સહકારીક્ષેત્રનો દબદબો પણ જતો રહે. આમ શંકર ચૌધરી માટે વિધાનસભાના અધ્યક્ષના પદ કરતાં પણ હાલમાં બનાસડેરીનું ચેરમેન પદ વધારે મહત્વનું છે.
બનાસકાંઠાના જગાણા ગામ નજીક બનાસ ડેરી માટે 122 એકર જમીન સંપાદિત કરવામાં આવી છે. જ્યાં જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના આદ્યસ્થાપક ગલબાભાઈના હસ્તે 14 જાન્યુઆરી 1971ના રોજ બનાસ ડેરીના પ્લાન્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. 7મે, 1971ના રોજ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના ઓપરેશન ફ્લડ પ્રોગ્રામ અંતર્ગત બનાસ ડેરીનો પાયલોટ ચિલિંગ પ્લાન્ટ કાર્યરત થયો. આજે આ ડેરી એ વટવૃક્ષ બની ગઈ છે. એક સમયે એશિયામાં દબદબો ધરાવતી દૂધ સાગરને પાછળ રાખી બનાસ ડેરી અવ્વલ નંબરે આવી છે. આમ શંકર ચૌધરી 15 હજાર કરોડનો વહીવટ અને સત્તા હાથમાંથી જવા દે એમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે તેઓ સારી રીતે જાણે છે કે બનાસ ડેરીનું ચેરમેન પદ છે તો તેમનો દબદબો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે