બેંકની બેદરકારી સામે ગુસ્સો ઠાલવવાનો યુવકને ભારે પડ્યો, કાયદાના કુંડાળામાં ફસાઇ ગયો

આરોપી ફૈઝલ શેખ દ્વારા બેંકના ટોલ ફ્રી નંબર અને અધિકારીઓનો અવારનવાર સંપર્ક કરવામાં આવ્યો. પરંતુ પરિણામે કોઈ મદદ ન મળી અને ફૈઝલ ઉશ્કેરાઈ ગયો.

બેંકની બેદરકારી સામે ગુસ્સો ઠાલવવાનો યુવકને ભારે પડ્યો, કાયદાના કુંડાળામાં ફસાઇ ગયો

મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ATM  મશીનમાં તોડફોડ કરી ચોરી કરવાના આરોપમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ATM મશીનમાં રૂપિયા ફસાઈ જતાં યુવકે બેંક.ઓફ.બરોડા (Bank Of Baroda) નો સંપર્ક કર્યો હતો. પરંતુ બેંક (Bank) ની નિષ્ક્રિયતા અને બેદરકારીના કારણે ઉશ્કેરાયેલા યુવકે ATM મશીનને પથ્થર માર્યો અને આરોપી બની ગયો હતો.

વેજલપુર પોલીસ (Vejalpur Police) ના સકંજામાં આવેલા આરોપી ફેઝલ શેખની કહાની કંઈક અજીબ છે. પહેલી નજરે તો આ વ્યક્તિ ATM તોડી અને ચોરી કરવા આવ્યો હોય એવી હકીકત સીસીટીવી જોઈને માલુમ પડે છે. પરંતુ જ્યારે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી ત્યારે બહાર આવ્યું કે આ યુવક બેંક દ્વારા આપવામાં આવતી સર્વિસ બાબતે દાખવવામાં આવેલી ઘોર બેદરકારીના કારણે આજે કાયદાના કુંડાળામાં ફસાઈ ગયો છે. 

ફૈઝલને તેના પરિવારના કોઈ વ્યક્તિને તાત્કાલિક રૂપિયા ATM મશીનથી ટ્રાન્સફર કરવાના હતા. બેન્કના એટીએમ મશીન રૂપિયા તો જમા કરી લીધા પછી ટ્રાન્સફર થવાને બદલે મશીનમાં ટેકનિકલ ખામીની સૂચના આવવા લાગી. આરોપી ફૈઝલ શેખ દ્વારા બેંકના ટોલ ફ્રી નંબર અને અધિકારીઓનો અવારનવાર સંપર્ક કરવામાં આવ્યો. પરંતુ પરિણામે કોઈ મદદ ન મળી અને ફૈઝલ ઉશ્કેરાઈ ગયો. પોતાના સ્વજનને રૂપિયા ન પહોંચતા અને મશીનમાંથી રૂપિયા બહાર પણ ન નીકળતા યુવકે આખરે કંટાળીને ગુસ્સામાં આવી ATM મશીનનો કાચ તોડી નાખ્યો અને અપરાધી બની ગયો.  

હાલ તો આ યુવક ATM ચોરીના ગુનામાં જેલના સળિયા પાછળ પહોંચી ગયો છે. પરંતુ હકીકતમાં જોવા જઈએ તો યુવક કરતાં વધારે કસૂરવાર બેંકની બેદરકારી છે. ૨૪ કલાક અને ૩૬૫ દિવસ ATM મશીન દ્વારા જનતાને સેવા ઉપલબ્ધ કરવાના દાવા કરતી બેંકોની બેદરકારીના કારણે આજે એક યુવક તેનાં સ્વજનને રૂપિયા ટ્રાન્સફર પણ ના કરી શક્યો. અને તેના રૂપિયા મશીનમાં ફસાઇ જતા તે બેબાકળો થઇ ગયો અને એટીએમ મશીન તોડવાનો અપરાધ કરી બેઠો.

વેજલપુર (Vejalpur) ની આ ઘટનામાં યુવકનો ઈરાદો ATM માંથી રૂપિયા ચોરી કરવા નહીં પરંતુ તંત્રની બેદરકારી સામે ગુસ્સો ઠાલવવાનો હતો. પણ કહેવાય છેને કે  હકીકત ગમે તેવી હોય પણ નિયમોનો ભંગ થાય એટલે પોલીસ ને તો ગુનો દાખલ કરવો જ પડે. અને એટલે જ આ નવયુવાન આજે પોતાના ગુસ્સાના કારણે જેલના સળિયા ગણતો થઈ ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news