મા રેવાનું રૌદ્ર સ્વરૂપ! નર્મદા નદી ગાંડીતૂર; અનેક ગામડાઓમાંથી લોકોનું સ્થળાંતર, કાંઠા વિસ્તારને એલર્ટ

Narmada Rains: મધ્યપ્રદેશમાં અને મધ્ય ગુજરાતમાં ભાદરવો ભરપૂર વરસી રહ્યો છે. અને ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમ છલકાતા 19 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે નર્મદા નદી ગાંડીતૂર બની છે. 
 

મા રેવાનું રૌદ્ર સ્વરૂપ! નર્મદા નદી ગાંડીતૂર; અનેક ગામડાઓમાંથી લોકોનું સ્થળાંતર, કાંઠા વિસ્તારને એલર્ટ

Narmada River Heavt Rains: નર્મદા ડેમના 23 દરવાજા ખોલી 18થી 19 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવતા નર્મદા જિલ્લાના નર્મદા નદી કાંઠાના માંગરોળ, જીઓર, ગુવાર, અકતેશ્વર, ગાભાણા અને વસંતપુરા જેવા ગામોમાં પાણી ભરાયા હતા. આ ગામોમાં પરિવારો ફસાયા હતા. નર્મદા જિલ્લા વહીવટી તંત્ર સતર્ક રહેતા નર્મદા જિલ્લામાં 2500થી વધુ લોકો નું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 

નર્મદા જિલ્લામાં 3 એસડીઆરએફની ટીમ કામ કરી રહી છે, જ્યારે 2 એનડીઆરએફની ટીમો પાણીમાં ફસાયેલા ગામોમાં રેસ્ક્યુનું કામ કરી રહી છે, અત્યાર સુધીમાં 125થી વધુ લોકોના રેસ્ક્યુ કરવામાં એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમને સફળતા મળી છે. જ્યારે સૌથી વધુ રામાનંદ આશ્રમ ખાતે 100થી વધુ સાધુ સંતો ફસાયા છે. તેમનું પણ રેસ્ક્યુ એનડીઆરએફની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. 

નર્મદા નદી ગાંડીતૂર
સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફ્લો થતાં નર્મદા નદી ગાંડીતૂર બની છે. ડેમના 23 દરવાજા ખોલવામાં આવતા નદીમાં ઘોડાપુરની સ્થિતિનું નિર્માણ થયું છે. ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાને સૌથી વધારે અસર થઈ છે. ભરૂચ ગોલ્ડન બ્રિજ પાસે નદીની જળ સપાટી 31 ફૂટ પહોંચી છે. જેના કારણે એલર્ટ આપવામાં આવ્યું છે. દાહોદના પણ અનેક વિસ્તારોમાં નદીના પાણી ભરાઈ ગયા છે. પાણીની આવક વધતા કરજણના પુરા ગામના તમામ લોકોને અન્ય સ્થળે સ્થળાંતર કરાયા છે. તો આલમપુરા, લીલીપુરા, દિવાબેટ જેવા ગામોના લોકોને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે. 

કરજણના નર્મદા કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. કરજણના કોઠીયા ગામે નર્મદા નદી ગાંડીતૂર બનતા માછીમારની નાવડી પલટી હતી. આ હોડીમાં બે લોકો સવાર હતા. જેમાં બેમાંથી એક લાપતા છે. જ્યારે કરજણના રણાપુર ગામે બે ઘોડા નર્મદા નદીના પાણીમાં તણાયા છે. કરજણના રણાપુર ગામે નદી કિનારે આવેલા આશ્રમોમાંથી 150 જેટલા લોકોનું સ્થળતાંર કરાવવામાં આવ્યું છે. 

ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમ છલકાતા 19 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે નર્મદા નદી ગાંડીતૂર બની છે. પાણીનો પ્રવાહ એટલો છે કે, હાઈવે પણ બંધ કરવાની નોબત આવી છે. બીજી તરફ તિલકવાડા, નાંદોદ, રાજપીપળા તેમજ ભરૂચમાંથી 6000થી વધુ લોકોનું સ્થળાંતર કરવાની જરૂર પડી છે. જ્યારે નદીકાંઠાના તમામ ગામડાઓને એલર્ટ કરી દેવાયા છે. ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની જળસપાટી 29 ફૂટ સુધી પહોંચી છે. બીજી તરફ ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયાના નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરાયા છે. 

નર્મદા ડેમમાંથી પાણી છોડવા આવતા જિલ્લામાં કુલ 5744 લોકોનું સ્થળાંતર કરાયુ તેમજ 3500થી વધુ લોકોને શેલ્ટર હોમમાં રખાયા છે. શેલ્ટર હોમમાં રહેવા-જમવા અને મેડિકલ સહિતની સુવિધાઓ ઉપલ્બધ કરાઈ છે. પશુધનને પણ શિફ્ટ કરવામાં આવ્યા છે. અત્રે જણાવી દઈએ કે, ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીનું ભયજનક જળસ્તર 24 ફૂટ છે જ્યાં હાલ 36 ફૂટે પાણી વહીં રહ્યું છે.

નર્મદા જિલ્લામાથી ૧૬૩૭ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી  ૧૯ લાખ ક્યુસેક પાણી છોડવાને પગલે ભરૂચ જિલ્લાના  ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે તાલુકા તંત્રના અધિકારીઓ અને પોલીસના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ એન. ડી.આર. એફ અને એસ. ડી.આર.એફ ની ટીમો સાથે શનિવારે નદીમાં પાણીનો પ્રવાહ વધતાં સંભવિત અસરગ્રસ્ત ગામડાંઓમાં પહોંચી જઈ નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી મોડી રાત સુધી કરી હતી. 

ગઈકાલે મોડી રાત્રે જિલ્લાના સ્થળાંતરની  વિગતો જોતા ભરૂચ શહેર 461, અંકલેશ્વર 747, હાંસોટ 293, ઝગડીયા 34, વાગરા 102 એમ  કુલ 1637 સલામત સ્થળે સ્થળાંતર  કરવામાં આવ્યુ હતું. ભરૂચ જિલ્લામાં નર્મદા કાંઠા વિસ્તારના ગામોમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ નાગરિકોને કોઈ તકલીફ ન પડે તે માટે સતત ખડે પગે કામગીરી કરી રહ્યા છે.

નર્મદા જિલ્લામાં શાળામાં રજા જાહેર
સોમવારના રોજ નર્મદા જિલ્લાની તમામ શાળા, કોલેજો અને આઈટીઆઈ બંધ રાખવા નાયબ નિવાસી કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. નર્મદા ડેમમાંથી 23 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. જેને કારણે અનેક ગામોમાં પાણી ભરાયા છે. આ કારમે શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. માત્ર એક દિવસ માટે શાળા કોલેજો માં શૈક્ષણીક કાર્ય બંધ રાખવા હુકમ કર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news