રાજસ્થાનમાં કોંગ્રેસ માટે મુશ્કેલી, ગુર્જર સમુદાયનું 20 દિવસનું અલ્ટિમેટમ પૂરું, આંદોલનના ભણકારા
Trending Photos
સવાઈ માધોપુર: રાજસ્થાનમાં અનામતની માગણીને લઈને ગુર્જર સમુદાય દ્વારા આજે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. સવાઈ માધોપુરના મલારણા ડુંગર પોલીસ સ્ટેશનની હદમાં આયોજિત આ મહાપંચાયત બાદ ગુર્જરો દ્વારા આંદોલનની શરૂઆત કરવામાં આવશે. પ્રદેશમાં ગુર્જર સમાજ દ્વારા સરકારને 4 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. જો સરકાર શુક્રવાર સુધીમાં 5 ટકા અનામતનું નોટિફિકેશન બહાર નહીં પાડે તો ગુર્જરો આંદોલન કરશે.
આંદોલનની ચેતવણી બાદ રેલવે અને જિલ્લા પ્રશાસને ગુર્જર બહુમતીવાળા જિલ્લાઓમાં સુરક્ષા વધારી દીધી છે. રેલવેએ આરપીએફની ટુકડીઓ મોકલવાની શરૂ કરી દીધી છે. દૌસા, અજમેર, જયપુર હાઈવે, આગરા હાઈવે, કરૌલી, ભરતપુર, ભીલવાડા, શેખાવતી વિસ્તારોમાં આરપીએફની ટુકડીઓ મોકલવામાં આવી રહી છે. બીજી બાજુ જિલ્લા પ્રશાસન પણ સંપૂર્ણ રીતે સતર્ક છે.
આ ઉપરાંત આઈબી પણ સતત ગુર્જર આંદોલન અગાઉ પોતાનો રિપોર્ટ તૈયાર કરવામાં લાગી છે. આ બાજુ સરકાર કાનૂની મત મેળવીને રસ્તો કાઢવાની કોશિશ કરી રહી છે. સરકાર લો વિભાગ અને કાયદાના જાણકારોના મત લઈને કદાચ સુપ્રીમ કોર્ટ જઈ શકે છે. ગત સરકારમાં લાગેલી એસએલપી પર ગહલોત સરકાર સુપ્રીમ કોર્ટમાં અનામતનો દાયરો વધારવાની માગણી કરી શકે છે. એસબીસી અનામત બિલ 2012-17ને 9 ડિસેમ્બર 2016ના રોજ હાઈકોર્ટે રદ કરી નાખ્યું હતું. જેના પર ગત સરકારે સુપ્રીમ કોર્ટમાં એસએલપી લગાવી રાખી છે.
ગહલોત સરકાર એસએલપી પર જલદી સુનાવણી કરવા માટે પ્રાર્થના પત્ર સુપ્રીમ કોર્ટમાં આપી શકે છે. જેના માધ્યમથી 50 ટકાથી વધુ અનામત મર્યાદા વધારવાની મંજૂરી લઈ શકાય છે. કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જ સવર્ણોને 10 ટકા અનામ અપાયા બાદ તેની મર્યાદા વધીને 60 ટકા થઈ ગઈ છે. પરંતુ રાજસ્થાનમાં સવર્ણ અનામત લાગુ ન થવાના કારણે હજુ સુધી અનામત મર્યાદા 50 ટકા જ છે. હાલ ગુર્જરોને મોર બેકવર્ડ ક્લાસ દ્વારા એક ટકો અનામત અપાઈ રહી છે. ગુર્જરોએ સરકાર પાસે 50 ટકા બહાર જઈને અનામત આપવાની માંગણી કરી છે.
રાજસ્થાનના ડેપ્યુટી સીએમ સચિન પાઈલટનું કહેવું છે કે ગત સરકારની ભૂલોના કારણે ગુર્જરોને અનામત મળી નથી. તેમનું કહેવું હતું કે બધી સરકારો અને પાર્ટીઓનું માનવું છે કે ગુર્જરોને અનામત યોગ્ય છે. પરંતુ કેન્દ્ર સરકારે ગુર્જરોને 9મી સૂચિમાં હજુ સુધી સામેલ કર્યા નથી. પાઈલટનું એમ પણ કહેવું છે કે અનામતને લઈને અનેક રસ્તા ખુલ્લા છે. હાલ સરકાર કાયદાકીય અડચણોને દૂર કરવાનું કામ કરી રહી છે. અમે સતત ગુર્જર નેતાઓના સંપર્કમાં છીએ.
આ બાજુ ગુર્જર નેતા શૈલેન્દ્ર સિંહે સરકાર સાથેની વાતચીતને સંપૂર્ણ રીતે નકારી છે. તેમનું કહેવું છે કે સરકાર સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક નથી. તેમનું એમ પણ કહેવું છે કે આજે સાંજે 4 વાગ્યા સુધીમાં સરકારે 5 ટકા અનામતનું નોટિફિકેશન બહાર ન પાડ્યું તો આંદોલન કરવામાં આવશે. આંદોલનમાં ટ્રેનો રોકાશે, હાઈવે પર ચક્કાજામ કરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે