રામ મંદિરના સંઘર્ષ સાથે જોડાયેલા છે ગુજરાતના અનુભાઈ સોમપુરા, તેમની કહાની જાણી અચંબિત થઈ જશો

આશરે 500 વર્ષના લાંબા સંઘર્ષ બાદ અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે. આ મંદિર માટે અત્યાર સુધી ઘણા લોકોએ બલિદાન આપ્યા છે. મંદિર માટે અનેક લોકોએ સંઘર્ષ કર્યો છે. આજે આપણે અનુભાઈ સોમપુરાના સંઘર્ષની કહાની જાણીશું. 

રામ મંદિરના સંઘર્ષ સાથે જોડાયેલા છે ગુજરાતના અનુભાઈ સોમપુરા, તેમની કહાની જાણી અચંબિત થઈ જશો

અયોધ્યાઃ અયોધ્યાની બજાર હોય કે અહીંના અલગ-અલગ ઘાટ, મંદિરની પવિત્ર શિલાઓ હોય કે તેને કોતરનારા શિલ્પકારો. અયોધ્યામાંથી વહેતી નદી સરયૂનું પાણી હોય કે અહીંની હવાની લહેરખીઓ... ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા માટે જાણે કે જગત આખું રામમય બની ગયું છે.

અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બને અને રામલલા તેમાં બિરાજે તેના માટે તો 500 વર્ષથી હિંદુઓ સંઘર્ષ કરતા આવ્યા છે. પરંતુ વર્ષ 1985 પછીનો સંઘર્ષ ખૂબ જ ખાસ છે. અને આ સંઘર્ષ સાથે જોડાયેલા છે ગુજરાતના અનુભાઈ સોમપુરા. તેમની કહાની તમે જોઈને જ અચંબિત થઈ જશો. જ્યારે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે પથ્થર પણ નહોંતા પહોંચ્યા ત્યારે રામ મંદિરના સંકલ્પ સાથે અહીં પહોંચ્યા હતા અનુભાઈ સોમપુરા.

એક સમય એવો પણ હતો જ્યારે ભગવાન શ્રી રામની નગરી અયોધ્યા કેટલીક ધર્મ વિરોધી શક્તિઓને કારણે અશાંત તીર્થક્ષેત્ર બની ગયું હતું. અયોધ્યામાં રામ ભક્તોની મદદથી લવાયેલા પથ્થરોના નકશી કામ માટે કારીગરો અહીં રહેવા તૈયાર નહોતા. અને એ સમયે રામ મંદિરના નિર્માણના સંકલ્પમાં સાથ આપવા માટે ગુજરાતથી પોતાના ભાઈ અને પુત્ર સાથે કાયમ માટે અહીં આવીને વસી ગયા અનુભાઈ સોમપુરા.

તમે જે જોઈ રહ્યા છો તે પથ્થર રાજસ્થાનના છે. અને આ જ પથ્થરોમાંથી અયોધ્યામાં બની રહ્યું છે ભવ્ય રામ મંદિર. ગુજરાતના અનુભાઈ સોમપુરા પોતાના ભાઈ અને પુત્ર સાથે છેલ્લાં 45 વર્ષથી આ પથ્થરોનું નકશી કામ કરી રહ્યા છે. તેમની ઉંમર 43 વર્ષની હતી જ્યારે તેઓ ગુજરાતથી કાયમ માટે અયોધ્યા આવી ગયા. ચાર દાયકાની મહેનતથી હવે રામ મંદિરનું સપનું જ્યારે પૂરું થઈ રહ્યું છે ત્યારે અનુભાઈની ઉંમર છે 84 વર્ષ.

22મી જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યા ધામમાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરશે તેના પાયામાં એ પથ્થર છે જેને અનુભાઈ સોમપુરાએ પોતાના હાથે નકશી કામ કરીને તૈયાર કર્યા હતા. રામ મંદિર માટે પાયાના પથ્થર અનુભાઈ સોમપુરાની દેખરેખમાં જ લાવવામાં આવ્યા હતા. અને હવે તેમની આંખો સામે ભવ્ય રામ મંદિરનું સપનું પૂરું થઈ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news