CBI વિવાદ: બંને ઓફિસરોને અચાનક રજા પર કેમ ઉતારી દેવાયા? જેટલીએ આપ્યો જવાબ

સીબીઆઈ ડાઈરેક્ટર આલોક વર્માને અચાનક રજા પર મોકલી દેવાના મામલે કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ આજે નિવેદન આપ્યું છે.

CBI વિવાદ: બંને ઓફિસરોને અચાનક રજા પર કેમ ઉતારી દેવાયા? જેટલીએ આપ્યો જવાબ

નવી દિલ્હી: સીબીઆઈ ડાઈરેક્ટર આલોક વર્માને અચાનક રજા પર મોકલી દેવાના મામલે કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ આજે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જે લોકો પર આરોપ છે તેઓ તપાસ એજન્સીમાં રહી શકે નહીં. તપાસથી દૂર રહેવા માટે બંને ઓફિસરોને રજા પર ઉતારી દેવાયા છે. 

અરુણ જેટલીએ કહ્યું કે સીબીઆઈમાં હાલ જે ઘટનાક્રમ ચાલી રહ્યો છે તે સકારાત્મક છે. સરકાર પૂરી કોશિશ સાથે સીબીઆઈની શાખ જાળવી રાખવા માંગે છે. સરકાર કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ નથી. 

અત્રે જણાવવાનું કે સીબીઆઈના ડાઈરેક્ટર આલોક વર્માને અચાનક રજા પર ઉતારી દેવાતા સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી અરજીઓ પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે સીબીઆઈના ડાઈરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડાઈરેક્ટર રાકેશ અસ્થાના વિરુદ્ધ સીવીસી 2 અઠવાડિયામાં તપાસ પૂરી કરે. આ મામલે વધુ સુનાવણી 12 નવેમ્બરે હાથ ધરાશે. 

સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી 3 જજોની પેનલ આલોક વર્મા અને પ્રશાંત ભૂષણની એનજીઓ કોમન કોઝના અરજીઓ પર સુનાવણી કરી. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે તેઓ આ મામલાને જોશે, તેમણે સીવીસીને પોતાની તપાસ આગામી બે અઠવાડિયામાં પૂરી કરવા જણાવ્યું છે. આ તપાસ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ એકે પટનાયકની નિગરાણીમાં થશે. ચીફ જસ્ટિસે કહ્યું કે દેશહિતમાં આ મામલાને વધુ લાંબો સમય સુધી ખેંચી શકાય નહીં.

આલોક વર્માની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પણ મોકલી છે. તેમણે સરકારને પૂછ્યું છે કે કયા આધાર પર આલોક વર્માને રજા પર મોકલી દેવાયા છે. આ મામલે આગામી સુનાવણી 12 નવેમ્બરે હાથ ધરાશે. વરિષ્ઠ વકીલ ફલી નરિમન આલોક વર્માની પેરવી કરી રહ્યા છે.

શું કહ્યું સુપ્રીમ કોર્ટે?...

- સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું કે વચગાળાના ડાઈરેક્ટર કોઈ મોટા નિર્ણય ન લે.

- સીબીઆઈ ડાઈરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડાઈરેક્ટર રાકેશ અસ્થાના વિરુદ્ધ 2 અઠવાડિયામાં સીવીસી તપાસ પૂરી કરે અને આ તપાસ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજની નિગરાનીમાં થાય.

- સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે દસ દિવસમાં તપાસ પૂરી થઈ શકે નહીં. આ માટે વધુ સમય મળવો જોઈએ. 

- સુપ્રીમ કોર્ટે કહ્યું કે સીબીઆઈના બદલાયેલા તપાસ અધિકારીઓની યાદી સીલબંધ કવરમાં કોર્ટને આપવામાં આવે. 

- આ મામલાની આગામી સુનાવણી 12 નવેમ્બરના રોજ નક્કી કરાઈ છે. 

- રજા પર મોકલી દેવાયેલા આલોક વર્મા અને રાકેશ અસ્થાનાની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરીને જવાબ માંગ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news