'અટલ' સત્ય છતુ થયું, દેશના અજાતશત્રુનું નિધન: 7 દિવસનો શોક જાહેર

એમ્સમાં છેલ્લા 9 અઠવાડીયાથી દાખલ અટલ બિહારી વાજપેયીના અંગોએ રિકવર થવાનું છોડી દીધું હતું, જેના કારણે તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રખાયા હતા

Updated By: Aug 16, 2018, 07:42 PM IST
'અટલ' સત્ય છતુ થયું, દેશના અજાતશત્રુનું નિધન: 7 દિવસનો શોક જાહેર

નવી દિલ્હી :  અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ)માં છેલ્લા 9 અઠવાડીયાથી દાખલ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું ગુરૂવારે નિધન થઇ ગયું. અગાઉ વડાપ્રધાન મોદી પણ તેમની તબિયત પુછવા માટે એમ્સ ખાતે પહોંચ્યા હતા. ત્યાર બાદ વડાપ્રધાન મોદી એમ્સ માટે રવાના થયા હતા. બીજી તરફ ભાજપ અધ્યક્ષ અમિત શાહ ઉપરાંત ઘણા મંત્રીઓ અને નેતાઓ પણ એમ્સમાં હાજર જ છે. સ્વાસ્થય મંત્રી જેપી નડ્ડાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, અટલ બિહારી વાજપેયીની હાલત ગંભીર છે અને તેમના સ્વાસ્થય માટે ડોક્ટર્સ દ્વારા પોતાની તમામ શક્તિ અને અનુભવ કામે લગાડી દેવાયા છે. જો કે તેમના કેટલાક અંગો રિકવર થવાનું છોડી દીધું હતું. 

“मौत की उमर क्या है? दो पल भी नहीं,
ज़िन्दगी सिलसिला, आज कल की नहीं 
मैं जी भर जिया, मैं मन से मरूं,
लौटकर आऊँगा, कूच से क्यों डरूं?”

પોતાના જીવનકાળ દરમિયાન જ મોતની કવિતા રચી અને મોતને અટલ સત્ય ગણાવનારા અટલ બિહારી વાજપેયી આજે અટલ સત્યને સ્વિકારી ગયા હતા. ગુરૂવારે સાંજે એમ્સમાં સારવાર દરમિયાન 93 વર્ષની વયે નિધન થઇ ગયું હતું. એમ્સે સાંજે નિવેદન આપતા જણાવ્યું કે, પુર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ 16 ઓગષ્ટ, 2018નાં રોજ સાંજે 05.05 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા 36 કલાકમાં તેમની તબિયત ઘણી ખરાબ થઇ ગઇ હતી. અમે સંપુર્ણ પ્રયાસ કર્યો પરંતુ તેમને બચાવી શકાયા નહોતા. 

વાજયેપીને યૂરીનમાં ઇન્ફેક્શન અને કિડની સંબંધિત સમસ્યાઓનાં કારણે 11 જુને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડાયાબિટીસના કારણે વાજપેયીની એક જ કિડની કામ કરતી હતી. અટલજીના સ્વાસ્થયમાં બુધવારે એકાએક પરિવર્તનો આવ્યા હતા. તે અગાઉ એમ્સે મેડિકલ બુલેટીન જાહેર કરીને કહ્યું હતું કે તેમની તબીયક ઘણી ખરાબ છે. ગુરૂવારે જો કે તેમની તબિયતમાં કોઇ જ સુધારો થયો નહોતો. ત્યાર બાદથી આજ સવારથી જ વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિતનાં નેતાઓ એમ્સમાં સતત આવી રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, એમ્સથી કૃષ્ણા મેનન માર્ગ સુધીનો રસ્તો ખાલી કરાવી દેવાયો છે. તે અગાઉ બપોરે આશરે પોણા ચાર વાગ્યે સ્વાસ્થય મંત્રી જેપી નડ્ડાએ મીડિયા સાથે ચર્ચા કરતા કહ્યું કે, વાજપેયીજીની સ્થિતી ગંભીર છે અને તેમના સ્વાસ્થયની સાર સંભાળ માટે ડોક્ટર્સ દ્વારા પોતાની સંપુર્ણ શક્તિ લગાવીને કામ કરી રહ્યા છે.