કાયદાના ફાયદાઃ કૃષિ કાયદાનો કેમ થઈ રહ્યો છે વિરોધ? જાણો ક્યાં ઉભી થઈ છે ગેરસમજ
હંગામા હૈ ક્યું બરપા...હાલ કૃષિ કાયદાને લઈને દેશભરમાં ભારે હંગામો મચ્યો છે. એક તરફ કેન્દ્ર સરકાર કૃષિ કાયદાને ખેડૂતોનો હિતરક્ષક ગણાવી રહી છે. તો બીજી તરફ સંખ્યાબંધ ખેડૂતો આ કાયદાને નુકસાન કારક સમજીને તેનો વિરોધ કરી રહ્યાં છે. સમગ્ર મામલામાં કોણ રાજકીય રોટલાં શેકી રહ્યું છે? અને શું છે સાચી હકીકત તે જાણવું જરૂરી છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ દેશભરમાં હાલ જગતનો તાત રસ્તા પર ઉતરીને સરકાર સામે આંદોલન કરી રહ્યો છે. કેન્દ્ર સરકારે લૉકડાઉનમાં વટહુકમથી કૃષિ બિલ પસાર કર્યુ. આ બિલ ખૂબ જ ચર્ચાનું કેન્દ્ર બન્યું. હાલ કૃષિ બિલ કૃષિ કાયદો બની ગયું છે. આ સમયગાળા દરમિયાન વિરોધ પક્ષના નેતાઓ અને કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કૃષિ કાયદાનો ભારે વિરોધ કરાયો. બીજીતરફ વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે પણ ખેડૂતો સુધી કૃષિ કાયદા અંતર્ગત થનારા ફાયદા પહોંચે તે માટે અભિયાન ચલાવ્યું. હજી પણ અનેક લોકોમાં કૃષિ કાયદા વિશે ઘણી ગેરસમજ છે. તો જાણો કૃષિ કાયદો શું છે?... કેમ ગેરસમજ ઉભી થઈ છે? કૃષિ કાયદાથી ખેડૂતોને કઈ રીતે ફાયદો થશે અને સમગ્ર બાબતમાં વિરોધ કરનારાઓનો તર્ક શું છે.
પહેલાં જાણો કૃષિ કાયદો શું છે?
નવા કૃષિ કાયદામાં કેટલાક મૂળભૂત ફેરફાર કરવામાં આવ્યા છે અને નવી જોગવાઈઓ મૂકવામાં આવી છે. સામાન્ય રીતે સમજીએ તો વેપારી APMC મંડી બહાર પણ ખેડૂતોનો પાક વેચી શકશે. પહેલાની સ્થિતિમાં ખેડૂતો પોતાનો પાક મંડીમાં જ વેચી શકતા હતા મતલબ કે ખેડૂતોનો પાક ફકત મંડીથી ખરીદી શકાતો હતો.
કૃષિ બિલ વટહુકમથી પસાર થયું
ભારતમાં ખેતી પદ્ધતિમાં બદલાવ લાવવા અને ખેડૂતોને સીધો ફાયદો મળે તે માટે કેન્દ્ર સરકારે લોકસભામાં કૃષિ કાયદો પસાર કર્યો હતો. કૃષિ કાયદામાં ત્રણ બિલ હતા. કૃષિ કાયદો બનતા પહેલા તે કૃષિ બિલ હતું જે લૉકડાઉનના સમયમાં વટહુકમ તરીકે બહાર પાડવામાં આવ્યું હતું. કૃષિ સંબધિત કાયદામાં ત્રણ બિલ હતા. આ ત્રણેય બિલમાં ખેડૂતોની આવક વધારવી, પાક કે ઉત્પાદનના જોખમને ઓછુ કરવું કે ખત્તમ કરવું અને પાકનું યોગ્ય મૂલ્ય મળે તે દિશામાં અસરકારક પગલાં લઈ શકાય તેવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
જાણો કૃષિ કાયદો કઈ રીતે ખેડૂતો માટે છે ફાયદાકારક અને શું છે વિરોધ કરનારાઓનો તર્ક, કૃષિ કાયદામાં છે ત્રણ પેટા કાયદાની જોગવાઈ
1. ધ ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ (કૃષિ ઉપજ વેપાર અને વાણિજ્ય કાયદો) 2020
કૃષિ ઉપજ વેપાર અને વાણિજ્ય કાયદા અંતર્ગત એક એવી સિસ્ટમ બનશે જેમાં ખેડૂતો અને વેપારીઓને રાજ્યની APMC એટલે કે રજિસ્ટર્ડ માર્કેટ યાર્ડની બહાર પાક વેચવાની છૂટ મળશે. આ કાયદો ખેડૂતોના પાકને અન્ય રાજ્યમાં કોઈપણ જાતની રોકટોક વિના વેચાણ કરવાની છૂટ આપે છે. કાયદામાં ટ્રાન્સપોર્ટેશન અને માર્કેટિંગ ખર્ચનો સમાવેશ કરવાની પણ વાત કરાઈ છે જેનાથી ખેડૂતોને સારી કિંમત મળી રહે.
વિરોધ કરનારાઓનો આ છે તર્ક
કૃષિ કાયદો પહેલાની વ્યવસ્થાની વાત કરીએ તો ખેડૂતોએ APMCમાં જ પાક વેચવો પડે છે. જેની પાસે રજિસ્ટર્ડ લાઈસન્સ હોય અથવા જે તે રાજ્યની સરકાર જ પાક વેચી શકે છે. અન્ય રાજ્યોમાં ખેડૂતો ઓનલાઈન ટ્રેડિંગથી પણ પાક વેચી શકતા નથી. ખેડૂતોને લઘુત્તમ ટેકાનો ભાવ એટલે કે MSP નહીં મળે તેવો કાયદાનો વિરોધ કરનારાઓ મત વ્યકત કરી રહ્યા છે પરંતું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ દાવો કર્યો કે લઘુત્તમ ટેકાના ભાવને કોઈ અસર થશે નહીં અને માર્કેટની વ્યવસ્થા પણ જળવાઈ રહેશે.
2.ધ કોમર્સ એગ્રીમેન્ટ ઓફ પ્રાઈસ અસ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસીસ એક્ટ (કૃષિક કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર કાયદો)
કૃષિક કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર કાયદા અંતર્ગત ખેડૂતે કૃષિ વેપાર કરનાર ફર્મ, જથ્થાબંધ વેપારી,નિકાસકારો અને મોટા છૂટક વિક્રેતાઓ સાથે કોન્ટ્રાક્ટ કરીને પહેલાથી પાકની કિંમત નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ નક્કી કરેલી કિમતમાં ખેડૂત પોતાના પાકનું ભવિષ્યમાં વેચાણ કરી શકશે. આ કાયદા થકી ખેડૂતો વચ્ચે મધ્યસ્થી હટી જશે અને ખેડૂતો સારી કિંમત મેળવવા સીધા બજારમાં જઈ શકશે. કેન્દ્ર સરકાર મુજબ ખેડૂતોને ખેતી સાથે સંકળાયેલું સંપૂર્ણ જોખમ ભોગવવું પડશે નહીં. ખેડૂતો સાથે કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટ કરનાર લોકો પર પાકને લગતું થોડુ ઘણું નુકસાન વેઠવું પડશે. આ સિસ્ટમમાં દલાલીનો અંત આવશે અને ખેડૂતોના માર્કેટિંગ ખર્ચનો અંત આવશે.
આ કાયદા અંતર્ગત ખેડૂતોને ગેરંન્ટેડ ભાવ તો મળશે પરંતું સાથે સાથે ખેડૂતોએ કરેલા કોન્ટ્રાક્ટ પ્રમાણે તેમને બોનસ અથવા પ્રિમીયમ પણ મળશે. આ કાયદા અગાઉ ચોમાસું, ઉત્પાદન સાથે જોડાયેલી અનિશ્ચિતતાઓ અને બજારની અનકૂળતા પર ખેડૂતોની આવક નિર્ભર રહેતી હતી. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ મતલબ કે કરાર કરવાથી ખેડૂતોને તેના પાકનું ઓછામાં ઓછુ નુકસાન ભોગવવું પડશે.
વિરોધ કરનારાઓનો આ છે તર્ક
કૃષિ કાયદામાં આ જોગવાઈનો વિરોધ કરનારાઓના મતે પાકની કિંમતો નક્કી કરવામાં પ્રાઈવેટ કોર્પોરેટ હાઉસ ખેડૂતો સાથે છેતરપિંડી કરી શકે છે અથવા તેમનું શોષણ કરી શકે છે.
3.એસેન્સિયલ કોમોડિટી ઓર્ડિનન્સ (આવશ્યક વસ્તુ ) કાયદો 2020
એસેન્સિયલ કોમોડિટી ઓર્ડિનન્સ કાયદો એટલે કે આવશ્યક વસ્તુ કાયદો. આ કાયદા અંતર્ગત અનાજ, કઠોળ, ખાદ્ય તેલ, બટાટા અને ડુંગળી જેવી વસ્તુઓને આવશ્યક વસ્તુઓની યાદીમાંથી હટાવી દેવામાં આવશે. મતલબ કે કેટલીક અસાધારણ પરિસ્થિતિઓને બાદ કરતા આ વસ્તુઓનો મરજી મુજબ સ્ટોક કરી શકાશે. આ કાયદાથી ખાનગી સેક્ટરને ફાયદો થશે. અગાઉ કાયદાકીય આંટીઘૂટીઓના કારણે ખાનગી રોકાણકારો કૃષિ ક્ષેત્રમં આવી શકતા નહોંતા. નિષ્ણાંત મુજબ બજારમાં હરિફાઈ વધશે જેથી પાકના નુકસાનમાં ઘટાડો થશે.
વિરોધ કરનારાઓનો આ છે તર્ક
આ કાયદાનો વિરોધ કરનારાઓના તર્ક મુજબ જો ઉત્પાદનોની કિંમત વધી જશે તો તેને નિયંત્રિત કરી શકાશે નહીં. અનાજ, કઠોળ, તેલીબિયાં, ખાદ્યતેલ, ડુંગળી અને બટાટા આ કાયદા અંતર્ગત જરૂરી ચીજવસ્તુઓની સૂચિમાંથી દૂર કરવામાં આવ્યાં છે. તેનાથી ઉત્પાદન, સ્ટોરેજ, મુવમેન્ટ, અને ડિસ્ટ્રિબ્યુશન પર સરકારી નિયંત્રણ થઈ જશે.
ત્રણેય કાયદા ખેડૂતો માટે લાભદાયી હોવાનો સરકારનો દાવો
કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર્સિંહ તોમરે કહ્યું છે કે કૃષિ કાયદામાં સામેલ આ ત્રણ જોગવાઈની મદદથી ખેડૂતોની આવક વધશે. મોદી સરકારના આત્મનિર્ભાર ભારત તરફ ખેડૂતો આત્મનિર્ભર બનવાની દિશા તરફ આગળ વધશે. નવા કાયદા અંતર્ગત ગોડાઉન અને કોલ્ડ સ્ટોરેજ બનાવવાની જાહેરાત કરાઈ ચૂકી છે. કૃષિ કાયદાથી કૃષિ ઉત્પાદનમાં વધારો થયો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે