દેશના તમામ એરપોર્ટ પર વિમાન સેવા ફરીથી શરૂ કરાઈ, 9 એરપોર્ટ કરાયા હતા બંધ

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નૌશેરા સેક્ટરના સરહદી વિસ્તારમાં પાકિસ્તાનની ફાઈટર વિમાનોએ પ્રવેશ કર્યો હતો, ત્યાર બાદ સૌથી પહેલા જમ્મુ-કાશ્મીરના એરપોર્ટ અને ત્યાર બાદ પંજાબના તમામ એરપોર્ટને સાવચેતીનાં પગલાં સ્વરૂપે બંધ કરાયા હતા 

દેશના તમામ એરપોર્ટ પર વિમાન સેવા ફરીથી શરૂ કરાઈ, 9 એરપોર્ટ કરાયા હતા બંધ

નવી દિલ્હીઃ પાકિસ્તાનની સાથે સરહદ પર ચાલી રહેલી તંગ પરિસ્થિતિ બાદ બુધવારે સવારે દેશના સહરદી રાજ્યો જમ્મુ-કાશ્મીર અને પંજાબના 9 એરપોર્ટ પર વ્યવસાયિક ઉડાનો બંધ કરી દેવાઈ હતી. લગભગ 5 કલાક સુધી હવાઈ સેવાઓ બંધ કરી દેવાયા બાદ તેને ફરીથી શરૂ કરી દેવાઈ છે. દેશના તમામ એરપોર્ટ પર હવે વિમાનોનું આવન-જાવન યથાવત રાખવાના આદેશ અપાયા છે. 

ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુસેના દ્વારા મંગળવારે(26 ફેબ્રુઆરી)ના રોજ કરવામાં આવેલી કાર્યવાહી બાદ બુધવારે (27 ફેબ્રુઆરી)ના રોજ પાકિસ્તાની ફાઈટર વિમાનોએ ભારતીય હવાઈ સીમાનું ઉલ્લંઘન કરીને સરહદીય વિસ્તારોમાં પ્રવેશ કર્યો હતો. પાકિસ્તાની વિમાનો જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરના સરહદી વિસ્તારમાં પ્રવેશ્યા હતા. આ કારણે સૌથી પહેલા જમ્મુ-કાશ્મીરના તમામ એરપોર્ટને સાવચેતીનાં પગલાં સ્વરૂપે બંધ કરાયા હતા. 

જેમાં જમ્મુ, લેહ અને શ્રીનગર આવતી-જતી તમામ વ્યવસાયિક ઉડાનોને અનિશ્ચિત સમય માટે અટકાવી દેવાઈ હતી. આ આદેશના થોડા સમય બાદ પંજાબના ચંડીગઢ, અમૃતસર અને પઠાનકોટ એરપોર્ટને પણ સાવચેતીનાં પગલાંરૂપે બંધ રાખવાના આદેશ અપાયા હતા. સાથે જ સહરદી વિસ્તારમાં આવેલા તમામ એરપોર્ટને હાઈ એલર્ટ કરી દેવાયા હતા. 

સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડના દહેરાદૂન જોલીગ્રાન્ટ અને હિમાચલના કાંગડાના ગગ્ગલ એરપોર્ટ (ધર્મશાલા જવા માટે આ એરપોર્ટ પર ઉતરવું પડે છે) અને જેસલ એરપોર્ટ પર પણ સાવચેતીના પગલાં સ્વરૂપે ફ્લાઈટનું આવન-જાવન અટકાવી દેવાયું હતું. 

ઉલ્લેખનીય છે કે, ભારત સાથે વધેલી તંગદીલી બાદ પાકિસ્તાને બુધવારે જણાવ્યું કે, તેણે વાણિજ્યિક ઉડાનો માટે પોતાનો હવાઈ વિસ્તાર બંધ કરીક દીધો છે. ઈસ્લામાબાદ, લાહોર અને કરાચી સહિતના મહત્વનાં વિમાનમથકો પરથી વિમાનોનું સંચાલન અનિશ્ચિતકાળ માટે બંધ કરી દેવાયું છે. પાકિસ્તાનની એરપોર્ટ ઓથોરિટીએ આ જાહેરાત કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news