Corona Update: US-UK બાદ ભારત રસીકરણના મામલે ત્રીજા ક્રમે, 57.75 લાખથી વધુ લોકોએ લીધી રસી

ભારતમાં 12 રાજ્યો એવા છે જ્યાં પ્રત્યેકમાં 2 લાખથી વધારે લાભાર્થીઓને કોવિડ વિરોધી રસી આપવામાં આવી છે. માત્ર ઉત્તરપ્રદેશમાં જ કુલ 6,73,542 લાભાર્થીઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Corona Update: US-UK બાદ ભારત રસીકરણના મામલે ત્રીજા ક્રમે, 57.75 લાખથી વધુ લોકોએ લીધી રસી

નવી દિલ્હી: કોવિડ-19 સામેની જંગમાં ભારતે વૈશ્વિક સ્તરે વધુ એક શિખર સર કર્યું છે. દુનિયામાં કોવિડ-19 વિરોધી રસીના સૌથી વધુ ડોઝ આપનારા દેશોમાં ભારત ટોચના ત્રીજા ક્રમે આવી ગયો છે. કોવિડ-19 વિરોધી રસીના ડોઝ લેનારા લાભાર્થીઓની સંખ્યાના સંદર્ભમાં ભારત કરતાં આગળ માત્ર યુનાઇટેડ સ્ટેટ્સ અને યુનાઇટેડ કિંગડમ છે. ભારતમાં 12 રાજ્યો એવા છે જ્યાં પ્રત્યેકમાં 2 લાખથી વધારે લાભાર્થીઓને કોવિડ વિરોધી રસી આપવામાં આવી છે. માત્ર ઉત્તરપ્રદેશમાં જ કુલ 6,73,542 લાભાર્થીઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત ચોથા ક્રમે છે. ગુજરાતમાં 4,38,573 લાભાર્થીઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

દેશમાં શરૂ કરવામાં આવેલી કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયત અંતર્ગત, 7 ફેબ્રુઆરી 2021ના રોજ સવારે 8 કલાક સુધીમાં રસી લેનારા કુલ  લાભાર્થીની સંખ્યા 57.75 લાખ (57,75,322)  થઇ ગઇ છે. રસી લેનારાઓની કુલ સંખ્યામાં 53,04,546 આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને 4,70,776 અગ્ર હરોળના કર્મચારીઓ છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં 8,875 સત્રોનું આયોજન કરીને કુલ 3,58,473 લાભાર્થીને રસી આપવામાં આવી છે. દેશમાં આજદિન સુધીમાં કુલ 1,15,178 સત્રો યોજવામાં આવ્યા છે. રસી લેનારા લાભાર્થીઓની સંખ્યામાં દૈનિક ધોરણે પ્રગતીપૂર્ણ વધારો નોંધાઇ રહ્યો છે. અન્ય એક મહત્વપૂર્ણ સફળતારૂપે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે મૃત્યુઆંક 80થી ઓછો નોંધાયો છે જે છેલ્લા 9 મહિનામાં સૌથી ઓછો આંકડો છે.

દેશમાં આજે કુલ સક્રિય કેસોની સંખ્યા 1.48 લાખ (1,48,766) નોંધાઇ છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોની સંખ્યા માત્ર 1.37% રહી છે. ભારતમાં આજે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1.05 કરોડ (1,05,22,601) થઇ ગઇ છે. સાજા થવાનો દર 97.19% નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા 12,509 પોઝિટીવ કેસ નોંધાયા છે જ્યારે 11,805 નવા દર્દીઓ છેલ્લા 24 કલાકમાં સાજા થવાથી તેમને રજા આપવામાં આવી છે. નવા સાજા થયેલામાંથી 81.07% દર્દીઓ છ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.

કેરળમાં એક દિવસમાં સૌથી વધુ 6,178 નવા દર્દીઓ સાજા થયા છે. ત્યારપછીના ક્રમે, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં વધુ 1,739 દર્દી જ્યારે તમિલનાડુમાં વધુ 503 દર્દી સાજા થયા છે. એક દિવસમાં નવા પોઝિટીવ નોંધાયેલામાંથી 84.83% દર્દીઓ છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે. સમગ્ર દેશમાં કેરળમાં દૈનિક ધોરણે સૌથી વધુ 5,942 કેસ પોઝિટીવ નોંધાયા છે. ત્યારપછીના ક્રમે, મહારાષ્ટ્રમાં વધુ 2,768 કેસ જ્યારે કર્ણાટકમાં નવી 531 કેસ પોઝિટીવ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 78 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

નવા નોંધાયેલા મૃત્યુમાંથી 69.23% દર્દીઓ પાંચ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ મૃત્યુઆંક (25) નોંધાયો છે. તે પછી, કેરળમાં દૈનિક ધોરણે વધુ 16 અને પંજાબમાં 5 દર્દીના મૃત્યુ નોંધાયા છે.17 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં, હરિયાણા, ગોવા, જમ્મુ અને કાશ્મીર (કેન્દ્રશાસિત પ્રદેશ), ઝારખંડ, પુડુચેરી, મેઘાલય, નાગાલેન્ડ, લક્ષદ્વીપ, આસામ, મણીપુર, સિક્કિમ, આંદામાન અને નિકોબારના ટાપુઓ, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news