EVM હેકિંગનો દાવો કરનારા સૈયદ શુજાના પોતાના જ દાવા નકલી નિકળ્યા
સૈયદ શુજાએ દાવો કર્યો હતો કે 2014માં ચૂંટણીમાં EVM દ્વારા ગરબડ આચરવામાંઆવી હતી. શુજાએ દાવો કર્યો હતો કે તે EVM બનાવતી કંપનીમાં કામ કરી ચૂક્યા છે, પરંતુ કંપનીએ જ તેના દાવાનો અસ્વીકાર કરી દીધો છે
Trending Photos
નવી દિલ્હીઃ લંડનમાં EVM હેકિંગનો દાવો કરીને ભારતના રાજકારણમાં ગરમી લાવનારા કથિત સાયબર નિષ્ણાત સૈયદ શુજાના પોતાના જ અનેક દાવા ખોટા સાબિત થઈ રહ્યા છે. સૈયદ શુજાએ સોમવારે લંડનમાં સ્કાઈપ દ્વારા એક પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે, EVMને હેક કરી શકાય છે. શુજાએ એવો પણ દાવો કર્યો હતો કે 2014ની ચૂંટણીમાં EVMમાં ગરબડ કરવામાં આવી હતી. શુજાએ દાવો કર્યો હતો કે, તે EVM બનાવતી કંપનીમાં કામ કરી ચૂક્યો છે. જોકે, હવે તેની કંપનીએ તેના આ દાવાને નકારી દીધો છે.
1. ચૂંટણી પંચ માટે EVM બનાવતી જાહેર ક્ષેત્રની કંપની ઈલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડે EVM હેક કરવાનો દાવો કરનારા સૈયદ શુજાના 2009થી 2014 દરમિયાન કંપની સાથે કોઈ પણ ભૂમિકામાં કામ કરવાનો ઈનકાર કર્યો છે. ECILના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર રિયર એડમિરલ સંજય ચૌબેએ શુજાના તમામ દાવાઓનું ખંડન કરી દીધું છે.
સૂત્રો અનુસાર ચૌબેએ નાયબ ચૂંટણી કમિશનર સુદીપ જૈનને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, "કંપનીના જૂના રેકોર્ડ તપાસતાં જાણવા મળ્યું કે 2009થી 2014 દરમિયાન શુજા કંપનીનો કાયમી કર્મચારી ન હતો કે તેણે EVMની ડિઝાઈન અને ડેવલપમેન્ટના કોઈ વિભાગમાં કે કોઈ કામ સાથે પણ જોડાયેલો ન હતો." ECIL અનુસાર શુજાનો જન્મતારીખનો દાવો પણ ખોટો છે. શુજાએ કંપનીમાં ક્યારેય કામ કર્યું નથી.
2. શુજાનો બીજો દાવો હૈદરાબાદની શાદાન કોલેજ સાથે હતો. હવે આ કોલેજે પણ જણાવ્યું છે કે, આ નામની કોઈ વ્યક્તિએ તેમની કોલેજમાં અભ્યાસ કર્યો નથી.
3. આ ઉપરાંત ફોરેન પ્રેસ એસોસિએશને પણ પોતાને શુજાના દાવાથી અલગ કરી લીધું છે. શુજાના આરોપો પર ટ્વીટ કરતાં FPAએ જણાવ્યું કે, તેઓ આવા કોઈ આયોજન સાથે સંકળાયેલા ન હતા. આ આયોજનમાં શુજા એક નકાબ પહેરીને લોકોની સામે સ્કાઈપ દ્વારા હાજર થયો હતો.
શુજાએ સોમવારે લંડનમાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, EVM સાથે છેડછાડ કરી શકાય છે અને 2014ની લોકસભા ચૂંટણીમાં ગોટાળો આચરવામાં આવ્યો હતો. તેણે EVM બનાવતી કંપનીમાં પોતે કામ કર્યાનો દાવો કર્યો હતો અને સાથે જ જણાવ્યું કે, વિવિધ વિધાનસભા ચૂંટણીમાં પણ EVM સાથે છેડછાડ કરવામાં આવી હતી.
આ દરમિયાન ભારતીય ચૂંટણી પંચે મંગળવારે દિલ્હી પોલીસને એ સ્વયંભુ સાયબર નિષ્ણાત સામે પ્રાથમિક ફરિયાદ નોંધવા જણાવ્યું છે, જેણે દાવો કર્યો છે કે વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ગોટાળો થયો હતો અને EVMને હેક કરી શકાય છે. ચૂંટણી પંચને દિલ્હી પોલિસને લખેલા એક પત્રમાં જણાવ્યું છે કે, સૈયદ શુજાએ IPCની ધારા 505(1)નું કથિત રીતે ઉલ્લંઘન કર્યું છે, આ ધારા ભય ફેલાવવા, અફવા ફેલાવા સંબંધિત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે